જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી દેશને સાક્ષર કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નહેરૂથી શરૂકરીને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના વડાપ્રધાને સાક્ષરતા માટે અનેક અભિયાનો ચલાવ્યા પરંતુ હાલત એવી છે કે દેશ હજુ સુધી સાક્ષર થયો નથી. રાઈટ ટુ એજ્યુકેશન કાયદો પણ બનાવવામાં આવ્યો પણ હાલત સુધરી નથી. આમ તો શિક્ષણનો મામલે જે તે રાજ્ય સરકાર હસ્તક હોય છે અને રાજ્ય સરકારો દ્વારા પણ તેના માટે નિષ્ઠા સાથે અભિયાનો ચલાવવામાં આવ્યા નથી. દરેક બાળકને મફત શિક્ષણ આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
દેશ આઝાદ થયાના સાત દાયકા બાદ પણ દેશની એ હાલત છે કે 18 ટકા વસતીને વાંચતા-લખતા આવડતું નથી. તાજેતરમાં નેશનલ સેમ્પલ સરવેમાં આ વિગતો બહાર આવતા સાક્ષરતાના મામલે દેશનું સાચું ચિત્ર બહાર આવ્યું છે. સૌથી મોટું કારણ એ છે કે ભારતના બંધારણમાં ભણવાનો અધિકાર સમાવવામાં આવ્યા છતાં બાળકો પોતે ભણવા માંગતા જ નથી. ઘણા બાળકો એવા છે કે જેઓ એકલા ભણવા માંગતા નથી. જેને કારણે તેઓ શાળાએ જતા નથી. એકમાત્ર કેરળ જ એવું રાજ્ય છે કે જ્યાં દરેક બાળક શાળાએ ગયું છે.
સરવે કહે છે કે દેશમાં 6થી 18 વર્ષની વયના લગભગ 2 ટકા બાળકો ક્યારેય શાળાએ ગયા નથી. હાલમાં દર 10માંથી 2 બાળકો સરવાળા-બાદબાકી પણ કરી શકતા નથી. સરવેમાં એવું પણ બહાર આવ્યું છે કે, શાળાએ નહીં જવા પાછળ આર્થિક તંગી મુખ્ય કારણ નથી. મોટાભાગના બાળકો એટલા માટે શાળાએ જતાં નથી કારણ કે તેઓ પોતે અભ્યાસ કરવા માંગતા નથી અથવા તેમના માતાપિતા તેમને ભણાવવા માંગતા નથી.
જે બાળકો શાળાએ જતાં નથી તેમાંથી 17 ટકા બાળકો આર્થિક સંકડામણને કારણે શાળાએ જતા નથી. જ્યારે 24 ટકા બાળકો અભ્યાસ કરવા માંગતા નથી. 21 ટકા બાળકો શાળાથી દૂર છે કારણ કે તેમના માતાપિતા ઈચ્છતા નથી કે તેઓ ભણે. જ્યારે 13 ટકા બાળકો બીમારી કે પછી અપંગતાને કારણે શાળાએ જતા નથી. અગાઉ 2011માં જ્યારે વસી ગણતરી કરવામાં આવી ત્યારે એવી વિગત બહાર આવી હતી કે દેશમાં 78 કરોડ લોકો સાક્ષર છે પરંતુ 40 કરોડ લોકો એવા છે કે જેઓ પોતાનું નામ બરાબર વાંચી કે લખી શકતા નથી. એટલે કે અડધી વસતી માત્ર નામની જ સાક્ષર હતી.
સરવે એવું કહે છે કે, 15 વર્ષથી વધુ ઉંમરના માત્ર 81 ટકા લોકો જ સાદુ વાક્ય વાંચી કે લખી શકે છે. જે બતાવે છે કે 18થી 19 ટકા લોકો રોજિંદા જીવ નમાં એક લીટી પણ સરખી રીતે વાંચી કે લખી શકતા નથી. આ લોકોમાં 11.7 ટકા પુરૂષો તેમજ 25 ટકાથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. ગામડામાં તો સ્થિતિ વધુ ખરાબ છે. ગામડામાં 22 ટકા લોકોને વાંચતા કે લખતા આવડતું નથી. શહેરી વિસ્તારોમાં આની ટકાવારી 10 છે. ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની શાળાઓમાં આવી સ્થિતિ છે. સરવાળો અને બાદબાકી પણ 81.2 ટકા લોકોને જ આવડે છે. જેનો મતલબ છે કે 19 ટકા લોકોને તે પણ આવડતું નથી. તેમાં 12 ટકા પુરૂષો અને 25 ટકાથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. ભારતમાં દર 4માંથી 1 મહિલાને સરવાળા-બાદબાકી આવડતા નથી. ગામડામાં દર 4માંથી 1 અને શહેરમાં દર 10માંથી 1 વ્યક્તિને સરવાળા -બાદબાકી આવડતા નથી. ગામડાઓમાં રહેતી 30 ટકાથી વધુ મહિલ ા અને શહેરમાં રહેતી 14 ટકાથી વધુ મહિલાઓ આ કરી શકતી નથી.
સરવે પ્રમાણે, મોટાભાગના ભારતીયો વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ કરવા માટે ઈચ્છુક રહેતા નથી. 21 વર્ષથી વધુ ઉંમરના માત્ર 34 ટકા લોકો જ વિજ્ઞાન કે ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન કરે છે. આમાં મહિલાઓ પુરૂષો કરતાં પાછળ છે. આવા કોર્સમાં 29 ટકા મહિલા અને 37 ટકા પુરૂષો ભાગ લે છે. આજે ભારતમાં 25 ટકા યુવાનો એવા છે કે જે ભણતા નથી કે કામ કરતા નથી. કોઈ તાલીમ પણ લેતા નથી.
જેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ વધારે છે. આવી સ્થિતિમાં 44 ટકા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ સરવેના તમામ આંકડાઓ ચોંકાવનારા છે. જો દેશમાં સાત દાયકા બાદ પણ સાક્ષરતાની આ હાલત હોય તો પછી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ શરમ કરવી જોઈએ. દેશમાં સાક્ષરતા ખૂબ જ જરૂરી છે અને સરકારોએ અન્ય વિકાસની યોજનાઓને પડતી મુકીને સાક્ષરતા અભિયાન પર જ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. જો સાક્ષરતા આવશે તો વિકાસ આપોઆપ આવશે તે નક્કી છે.