મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણી પહેલા અદાણીને લઈને રાજકારણ ગરમાયું છે. પક્ષોના અગ્રણી નેતાઓ વચ્ચે બોલાચાલી તેજ બની છે.
અજિત પવારના એક નિવેદનને લઈને વિવાદ ઊભો થયો હતો. તેમણે દાવો કર્યો હતો કે અમિત શાહ અને શરદ પવાર અદાણીની હાજરીમાં દિલ્હીમાં મળ્યા હતા. આ ખુલાસા બાદ મહા વિકાસ આઘાડીએ તક ઝડપી લીધી અને ભાજપ પર નિશાન સાધવાનું શરૂ કર્યું. ભાજપે સ્પષ્ટતા આપવી પડી અને અજિત પવારે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે.
અજિત પવારે કહ્યું કે ગૌતમ અદાણીએ પાંચ વર્ષ પહેલા ભાજપ અને અવિભાજિત NCP વચ્ચે રાજકીય વાટાઘાટો યોજી હતી. તેઓ 2019 માં થયેલા સમયગાળાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યારે ભાજપે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને પોતાને નાયબ મુખ્યમંત્રી બનાવીને ટૂંકા ગાળાની સરકાર બનાવી હતી.
તેમણે કહ્યું, અમિત શાહ, ગૌતમ અદાણી, પ્રફુલ પટેલ, દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવાર બધા ત્યાં હતા. આ બેઠક દિલ્હીમાં એક બિઝનેસમેનના ઘરે થઈ હતી. મતલબ અજિત પવારે દાવો કર્યો હતો કે ગૌતમ અદાણીએ શરદ પવાર અને અમિત શાહની મુલાકાત કરાવી મહારાષ્ટ્રમાં સાથે મળીને સરકાર બનાવવા માટે બંને સાથે સોદો કર્યો હતો. અજિતે કહ્યું કે બધું નક્કી છે, પરંતુ દોષ તેમના પર નાખવામાં આવી રહ્યો છે.
અદાણીનો ઉપયોગ સરકાર તોડવા કરાયોઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ બધું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી થયું છે. અદાણીનો ઉપયોગ સરકારને તોડવા માટે કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ દ્વારા સરકારને પછાડવા માટે રાજકીય બેઠકો યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉદ્યોગસાહસિક ગૌતમ અદાણી બેઠા હતા. આ મીટિંગમાં તે શું કરી રહ્યાં હતાં? અદાણીને ધારાવીમાં જગ્યા જોઈતી હતી, જેનાથી તેને 1 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થશે. તેમના માટે જ મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીની સરકાર પડી ગઈ હતી.
અદાણી નહીં શરદ પવાર મિટિંગમાં હતાઃ ફડણવીસનો પલટવાર
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નવેમ્બર 2019માં નવી દિલ્હીમાં બીજેપી-એનસીપીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હાજર ન હતા, પરંતુ શરદ પવાર હાજર હતા. તેમણે શરદ પવાર પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું, ‘મીટિંગ થઈ હતી પરંતુ તે અદાણીના નિવાસસ્થાને થઈ ન હતી અને ન તો તે હાજર હતા. આ બેઠકમાં મારા સિવાય ગૃહમંત્રી અમિત શાહ, શરદ પવાર, પ્રફુલ પટેલ અને અજિત પવાર હાજર હતા. સરકારની રચના, વિભાગોની ફાળવણી અને વાલી મંત્રીઓની નિમણૂક પર મેરેથોન ચર્ચા થઈ હતી.
યોજનાના અમલીકરણની જવાબદારી મને અને અજિત પવારને સોંપવામાં આવી હતી. જ્યારે યોજના અમલીકરણની પ્રક્રિયામાં હતી, ત્યારે શરદ પવાર ચુપચાપ દૂર હટી ગયા હતા. પવાર આ રીતે પાછા હટશે તેવી અમને ક્યારેય અપેક્ષા નહોતી.
શરદ પવારે પણ મિટિંગ અંગે નિવેદન આપ્યું..
NCP (SP)ના વડા શરદ પવારે પણ અદાણીના ઘરે બેઠકના મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ બેઠક અદાણીના નવા દિલ્હી સ્થિત નિવાસસ્થાને યોજાઈ હતી. અદાણીએ ડિનરનું આયોજન કર્યું હતું પરંતુ રાજકીય ચર્ચાઓમાં ભાગ લીધો ન હતો. તેમણે કહ્યું કે તેમના સિવાય અદાણી, અમિત શાહ અને અજિત પવાર પણ હાજર હતા.
અજિત પવાર વહેલી સવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તે પહેલા આ બેઠક થઈ હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા હતા. એક એવી સરકાર બની જે 80 કલાક સુધી ચાલી. તેમણે કહ્યું કે NCPના ઘણા નેતાઓ તપાસ એજન્સીઓનો સામનો કરી રહ્યા છે. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ ભાજપ સાથે હાથ મિલાવશે તો મામલો ખતમ થઈ જશે. અહેવાલ મુજબ, પવારે કહ્યું કે તેમણે પીછેહઠ કરી કારણ કે તેમને ખાતરી નથી કે ભાજપ તેમનું વચન પાળશે.