સુરત: ઉધના પોલીસ ગત 13મીની સાંજે વાહન ચેકિંગમાં હતી ત્યારે ઉધના સ્થિત જીવનજ્યોતની સામેથી પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી વેપારીને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે પિસ્તોલ અને ગાડી કબજે કરી વેપારી સામે આર્મ્સ ઍક્ટની સાથે પ્રોહીબીશનનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
- પોલીસ પાસેથી કાર ભગાવી પરંતુ ટ્રાફિક સિગ્નલના કારણે અટકવું પડતાં પિસ્તોલ સાથે ઝડપાયો
- ઉધના પોલીસને ગોડાદરાના વેપારી પાસે દારૂની બોટલ પણ મળી આવી
- રિવોલ્વરનું લાયસન્સ ઉત્તર પ્રદેશનું હોવા છતાં સુરતમાં લઇને ફરતો હતો
સુરત શહેર પોલીસ દ્વારા 10 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ગેરકાયદે હથિયાર ઝડપી પાડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ઉધના પોલીસનો સર્વેલન્સ સ્ટાફના માણસો મોડી સાંજે વાહન ચેકિંગમાં હતા. તે વખતે જીવનજ્યોતની સામેથી ઉધના દરવાજા તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીને રોકવાનો ઈશારો કર્યો હતો.
જોકે ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ભગાવી દીધી હતી. જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો. દરમિયાન ગાડી 300 મીટર સુધી આગળ જઈ સાઉથ ઝોન ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાના કારણે ટ્રાફિકમાં ઉભો રહી જતા પોલીસે તેની ગાડી સાઈડમાં લેવડાવી હતી.
પોલીસે ગાડી ચાલક રવિ રાજેન્દ્રપ્રસાદ શર્મા (રહે, વ્રજભુમિ કોમ્પલેક્સ માધવબાગ પાસે ગોડાદરા)ને પકડી લીધો હતો. અંગઝડતી કરતા પેન્ટના નેફામાં કમરના ભાગેથી પિસ્તોલ મળી આવી હતી. પિસ્તોલનું લાયસન્સ યુપીનું હતું પરંતુ કોઈ પણ જાતની પરમિશન વગર ગેરકાયદે રીતે લઈને ફરતા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે રવિ શર્મા પાસેથી 2.60 લાખની કિંમતની પિસ્તોલ અને 10 લાખની ગાડી કબજે કરી હતી. પોલીસે તેની ગાડીમાં દારૂની બોટલ અને રવિ શર્માઍ દારૂ પીધેલો હોવાથી તેની સામે આર્મ્સ એક્ટ અને પ્રોહીબીશનનો પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.