SURAT

અમેરિકા જવાની તૈયારી કરતાં સુરતના તબીબ યુવકે કોઈ દેખીતા કારણ વિના ફાંસો ખાઈ આપઘાત કરતા આશ્ચર્ય

સુરત: એમબીબીએસનો અભ્યાસ પુરો કરીને વધુ અભ્યાસ કરવા માટે અમેરિકા જવા ઈચ્છતા સુરતના એક આશાસ્પદ તબીબે ઉમરા ખાતે પોતાના ઘરમાં જ બેડરૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સદ્ધર પરિવારના આ તબીબ યુવાનને આર્થિકથી માંડીને સામાજિક સુધીની કોઈ જ સમસ્યા નહોતી છતાં પણ તેણે લીધેલા આંત્યાતિક પગલાંએ સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા.

  • ઉમરા ખાતે રહેતા અમિત શાહના પુત્ર મિરાજે દોઢ વર્ષ પહેલા જ એમબીબીએસનો અભ્યાસ પુરો કર્યો હતો
  • મિરાજે વધુ અભ્યાસ માટે અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ પણ લઈ લીધો હતો પરંતુ આત્યાંતિક પગલું ભરી લીધું

નવી સિવિલ  હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી  મુજબ, ઉમરા  વિસ્તારમાં  ઓપેરા બંગલોઝમાં  રહેતા અને જમીન દલાલીનું કામ કરતાં અમિતભાઈ શાહના પુત્ર મિરાજે ગુરુવારે સવારે પોતાના જ ઘરમાં બેડરૂમમાં દરવાજાના લોખંડના હુક સાથે કપડું બાંધીને આપઘાત કરી લીધો હતો.

દોઢેક વર્ષ પહેલા અમદાવાદ ખાતે એમબીબીએસનો અભ્યાસ પુરો કરનારા મિરાજે સવારે તો પોતાના પરિવાર સાથે બ્રેકફાસ્ટ કર્યો હતો અને બાદમાં થોડીવાર બેસીને પોતાના રૂમમાં ગયો હતો. થોડા સમય બાદ મિરાજના માતા જ્યારે તેને જમવા માટે બોલાવવા ગયા ત્યારે તેણે દરવાજો નહીં ખોલતા પરિવારો દરવાજાનું લોક તોડ્યું હતું. જેમાં આ આપઘાતની ઘટના બહાર આવી હતી.

ઘટનાને પગલે પરિવારની સાથે સાથે પરિચીતો તેમજ શુભેચ્છકોમાં શોક છવાઈ ગયો હતો. મિરાજે કોઈ સ્યુસાઈડ નોટ લખી નહીં હોવાની સાથે કોઈ સમસ્યા પણ નહીં હોવાથી તેણે લીધેલા પગલાંએ તમામને આઘાતમાં મુકી દીધા હતા. વધુ તપાસ ઉમરા પોલીસ કરી રહી છે.

મૃતક મિરાજ વધુ અભ્યાસ માટે અમેરિકા જવાનો હતો
અમદાવાદમાં એમબીબીએસ પુરૂં કરનાર મૃતક મિરાજ છેલ્લાં દોઢેક વર્ષથી વધુ અભ્યાસ માટે અમેરિકા જવા તૈયારી કરતો હતો. પહેલેથી જ ભણવામાં હોંશિયાર મિરાજને અમેરિકાની તમામ યુનિવર્સિટીઓમાં વધુ અભ્યાસ માટે પ્રવેશ મળતો હતો. મિરાજે અમેરિકાની એક યુનિવર્સિટીને પસંદ કરીને તેમાં પ્રવેશ પસંદ કરતાં એક દિવસ પહેલાં જ તેના પિતાએ ફી પણ ભરી દીધી હતી. દરમિયાન ગુરુવારે તા. 14 નવેમ્બરની સવારે મિરાજે તેને માટે મેઈલ પણ કર્યો હતો. પરંતુ બાદમાં અચાનક આ પગલું ભરી લીધું હતું.

Most Popular

To Top