Columns

ડોનાલ્ડ ટ્રમ્પે વિવેક રામાસ્વામીને ક્યાં ખાસ મિશન માટે પસંદ કર્યા છે?

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સરકાર માટે નવી ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. નવા ચહેરાઓમાં વિવેક રામાસ્વામી અને એલોન મસ્કની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ પોતાના સંબોધનમાં એલોન મસ્ક અને વિવેક રામાસ્વામીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. નવી સરકારમાં વિવેક રામાસ્વામીની ભૂમિકા ખાસ રહેવાની છે. વિવેક રામાસ્વામીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમની સરકારમાં DOGE (સરકારી કાર્યક્ષમતા વિભાગ) નો હવાલો આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે DOGE ટૂંક સમયમાં સરકારી તંત્રનો કચરો સાફ કરવા માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવશે.

અમેરિકનોએ ડોનાલ્ડ ટ્રમ્પને સરકારી તંત્રમાં સુધારણા માટે મત આપ્યો છે અને તેઓ સરકારી તંત્રને સુધારવા માટે સક્ષમ છે. તેમનું પૂરું નામ વિવેક ગણપતિ રામાસ્વામી છે. વિવેકનો જન્મ ૯ ઓગસ્ટ, ૧૯૮૫ના રોજ થયો હતો. તેમનાં માતા-પિતા કેરળનાં છે. તેમના પિતા વી. ગણપતિ રામાસ્વામી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કલકત્તાના સ્નાતક, જનરલ ઇલેક્ટ્રિક માટે એન્જિનિયર અને પેટન્ટ એટર્ની તરીકે કામ કરતા હતા. તેમની માતા ગીતા રામાસ્વામી મૈસુર મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક છે. તેમનાં માતા-પિતા કેરળના પલક્કડ જિલ્લામાંથી અમેરિકામાં સ્થાયી થયાં હતાં. વિવેક રામાસ્વામીનો જન્મ સિનસિનાટીમાં ભારતીય ઇમિગ્રન્ટ માતાપિતાને ત્યાં થયો હતો.

તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બાયોલોજીમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને બાદમાં યેલ લો સ્કૂલમાંથી ડિગ્રી મેળવી છે. રામાસ્વામીએ રોઇવન્ટ સાયન્સની સ્થાપના પહેલા હેજ ફંડમાં રોકાણ ભાગીદાર તરીકે કામ કર્યું હતું. તેમણે એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સ્ટ્રાઇવ એસેટ મેનેજમેન્ટની સહસ્થાપના પણ કરી હતી. તેમણે ૨૦૧૪ માં ફાર્માસ્યુટિકલ કંપની રોઇવન્ટ સાયન્સની સ્થાપના કરી હતી. જાન્યુઆરી ૨૦૨૪ માં ફોર્બ્સે વિવેક રામાસ્વામીની કુલ સંપત્તિ ૯૬ કરોડ ડોલર કરતાં વધુ હોવાનો અંદાજ મૂક્યો હતો. તેમની સંપત્તિ બાયોટેક ઉદ્યોગ અને નાણાંકીય વ્યવસાયોમાંથી આવે છે.

ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનું નક્કી કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે રિપબ્લિકન પાર્ટી વતી ઉમેદવારી પણ રજૂ કરી હતી. બાદમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને અને તેમની લોકપ્રિયતાને જોઈને વિવેક રામાસ્વામીએ ખુલ્લેઆમ તેમનું સમર્થન કર્યું હતું. આખરે જનતાએ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે. વિવેક રામાસ્વામીએ સંકેત આપ્યા છે કે તેઓ તેમને આપવામાં આવેલી જવાબદારીનો અમલ આક્રમકતાથી કરશે અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ ઈચ્છે છે. ડોનાલ્ડ ટ્રમ્પે વિવેકને એ જ જવાબદારી સોંપી છે જેની તેઓ વકીલાત કરી રહ્યા છે.

વિવેક રામાસ્વામી ઘણા સરકારી વિભાગો અને એજન્સીઓને બંધ કરવાની હિમાયત કરી રહ્યા છે. વિવેક રામાસ્વામી નોકરશાહી, વધારાના નિયમો અને વિનિયમો અને બિનજરૂરી ખર્ચાઓ રોકવા ઉપરાંત ફેડરલ એજન્સીઓનું પુનર્ગઠન કરવાનું કામ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે તેને સેવ અમેરિકા અભિયાન માટે જરૂરી ગણાવ્યું છે. વિવેક રામાસ્વામી તેમના ખાસ એજન્ડા માટે પણ જાણીતા છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાની જેમ તેઓ બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાના કટ્ટર હિમાયતી છે. અનેક ફેડરલ વિભાગોને બંધ કરવાની પણ તેમની યોજના પણ છે.

ઉદાહરણ તરીકે, તેઓ શિક્ષણ વિભાગ, ન્યુક્લિયર રેગ્યુલેટરી કમિશન, ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ અને એફબીઆઇને બંધ કરવાની હિમાયત કરે છે. વિવેક રામાસ્વામી ઈચ્છે છે કે H-1B વિઝા પ્રોગ્રામનો અંત આવે. આ પ્રોગ્રામનો ઉપયોગ નોકરીદાતાઓ દ્વારા અમેરિકામાં વિદેશી કુશળ કામદારોની ભરતી કરવા માટે કરવામાં આવે છે. જો આ પ્રોગ્રામ સમાપ્ત થશે તો ભારતીયોને પણ નુકસાન થશે. વિવેક રામાસ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને તેમના કાર્યક્રમોની ટીકા કરી હતી અને તેમને વ્યસન ગણાવ્યા હતા. તાજેતરમાં તેમણે ટિકટોકને “ડિજિટલ ફેન્ટાનિલ”પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું ચિંતિત છું કે તેનો ઉપયોગ કરતાં ૧૨-૧૩ વર્ષનાં બાળકો પર તેની શું અસર થશે.

રિપબ્લિકન ચર્ચાના બીજા રાઉન્ડમાં તેમણે દેશના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી, પરંતુ રિપબ્લિકન હરીફોએ રામાસ્વામીની ટીકા કરી હતી, કારણ કે તેઓ થોડા દિવસો પહેલાં જ TikTok માં જોડાયા હતા. રામાસ્વામીનું માનવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે રશિયાને કેટલીક મોટી છૂટ આપવી જોઈએ. તેમણે જૂનમાં કહ્યું હતું કે કોરિયન યુદ્ધની જેમ એક કરાર હોવો જોઈએ જેમાં બંને પક્ષોને તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારો પર કાયદેસરતા આપવામાં આવે. વિવેક રામાસ્વામીના વિચારો ઘણી બાબતોમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિચારો સાથે સામ્ય ધરાવે છે.

વિવેક રામાસ્વામીનું માનવું છે કે અમેરિકી સૈન્ય માટે સૌથી મોટો ખતરો ચીન-રશિયા ગઠબંધન અને યુક્રેનની નાટોમાં ન જોડાવાની કાયમી ખાતરી છે. પરંતુ તેના બદલામાં રશિયાએ ચીન સાથેના તેના જોડાણ અને લશ્કરી કરારમાંથી ખસી જવું પડશે. તેમના મતે રશિયા સામે યુક્રેનને વધુ હથિયાર આપવા એ રશિયાને ચીનના હાથમાં ધકેલી દેવા જેવું છે. રામાસ્વામીનું કહેવું છે કે મતદાન માટેની લઘુત્તમ વય ૨૫ વર્ષ સુધી વધારી દેવી જોઈએ. તેમનો પ્રસ્તાવ છે કે ૧૮ વર્ષ સુધીની ઉંમરના નાગરિકોને ત્યારે જ મત આપવાનો અધિકાર મળવો જોઈએ જો તેઓ રાષ્ટ્રીય સેવા આવશ્યકતાઓની શરત પૂરી કરે; મતલબ કે ક્યાં તો તેઓ ઈમરજન્સીમાં મદદરૂપ થયા છે અથવા તો છ મહિના સેનામાં સેવા આપી છે.

તેમણે એમ પણ કહ્યું કે જેઓ અમેરિકન નાગરિકતાની પરીક્ષા પાસ કરે છે તેવા ૧૮ વર્ષની વયના લોકોને મત આપવાનો અધિકાર મળવો જોઈએ. સમસ્યા એ છે કે મતદાનની ઉંમર વધારવી હોય તો બંધારણમાં ફેરફાર કરવો પડે, જેના માટે કોંગ્રેસ પાસે બે તૃતીયાંશ બહુમતી હોવી જોઈએ. તેમણે એફબીઆઈની પુનઃરચનાનું સૂચન કર્યું છે, જેમાં એફબીઆઈના ભંડોળને સિક્રેટ સર્વિસ, ફાઈનાન્સિયલ ક્રાઈમ એન્ફોર્સમેન્ટ નેટવર્ક અને ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સી વચ્ચે વહેંચવામાં આવશે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ એફબીઆઈ પર તેમની સામે બદલો લેવાની કાર્યવાહી કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનાં નિવેદનમાં કહ્યું કે રામાસ્વામી સરકારની બહાર રહીને વ્હાઇટ હાઉસને સલાહ અને માર્ગદર્શન આપશે. તેઓ મોટા પાયે માળખાકીય સુધારાઓ હાથ ધરવા માટે ઑફિસ ઑફ મેનેજમેન્ટ અને બજેટ સાથે કામ કરશે, જે અમેરિકન સરકારને ઉદ્યોગસાહસિકતા માટે અગાઉ ક્યારેય ન જોયેલા અભિગમમાં પરિવર્તન કરવામાં મદદ કરશે. આ બે મહાન અમેરિકનો મારા વહીવટ માટે સરકારી અમલદારશાહીને ખતમ કરવા, બિનજરૂરી નિયમો ઘટાડવા, નકામા ખર્ચને રોકવા અને ફેડરલ એજન્સીઓને પુનઃસંગઠિત કરવાનો માર્ગ મોકળો કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પે DOGE ને તેમના સમયનો મેનહટન પ્રોજેક્ટ ગણાવ્યો છે. આ વાક્યમાં ઐતિહાસિક અમેરિકન યોજનાનો સંદર્ભ હતો, જેણે બીજા વિશ્વયુદ્ધને સમાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમની નોકરી ૪ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં સમાપ્ત થઈ જશે ત્યારે એક વધુ અસરકારક સરકારી માળખું દેશને તેની સ્વતંત્રતાની ૨૫૦મી વર્ષગાંઠ પર ભેટ હશે. વિવેક રામાસ્વામીએ કહ્યું કે અમે વહીવટી સુધારણાનું કાર્ય સરળતાથી છોડીશું નહીં. તેમણે તેમના પ્રખ્યાત સૂત્ર “શટ ડાઉન’નો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉપયોગ તેમણે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ફેડરલ એજન્સીઓને તોડી પાડવા માટે કર્યો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top