Dakshin Gujarat Main

ઝઘડિયા GIDCની નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતાં ભારે દોડધામ

ઝઘડિયા,ભરૂચઃ ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં આચનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં કામદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ આદર્યો હતો.10 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

  • કામદારો બહાર નીકળી ગયા, ફાયર વિભાગે માંડ માંડ કાબૂ મેળવ્યો

બુધવારે સવારે પણ ઝઘડિયા GIDC માં આવેલી નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગનો મેજર કોલ જાહેર થતા જ ઝઘડિયા GIDC ના માર્ગો ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યો હતો.આસપાસના ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ કરવામાં પ્રયાસ આદર્યા હતા.

આગ એટલી વિકરાળ હતી કે, પ્લાન્ટમાંથી કાળા ડિબાગ ધુમાડા દૂરથી નજરે પડી રહ્યા હતા.આગના પગલે કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં જ ફેકટરી ઇન્સ્પેક્ટર, GPCB અને પોલીસ સહિતના અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા.નાઇટેક્સ કેમિકલ કંપનીના ડી હાઈડ્રેશન પ્લાન્ટમાં લાગેલી આગ મટીરીયલ સ્ટોર અને પેકેજીંગ ડિપાર્ટમેન્ટમાં ફેલાય હતી.

ઇથાઇલ આલ્કોહોલના જથ્થામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જોકે 10 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ પણ જાનહાની ન થઈ હોય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.ઘટના સ્થળે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top