મુંબઈઃ મહારાષ્ટ્રના યવતમાલમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સામાનની નિયમિત તપાસ બાદ રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. દરમિયાન આજે બુધવારે ભાજપે બૌર એક્સ પર એક વીડિયો શેર કરીને ઠાકરે જૂથ પર વળતો પ્રહાર કર્યો છે. આ વીડિયોમાં એરપોર્ટ અધિકારીઓ પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસની બેગ ચેક કરતા જોવા મળી રહ્યાં છે.
ભાજપે ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું, જવા દો, કેટલાક લોકોને દેખાડો કરવાની આદત હોય છે. 7 નવેમ્બરે યવતમાલ જિલ્લામાં દેવેન્દ્ર ફડણવીસની બેગની પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ, તેમણે કોઈ વિડિયો કે કોઈ મુદ્દો બનાવ્યો ન હતો. આ પહેલા 5 નવેમ્બરે પણ કોલ્હાપુર એરપોર્ટ પર ફડણવીસની બેગની તપાસ કરવામાં આવી હતી. આ વીડિયો 5 નવેમ્બરનો છે.
બંધારણ હાથમાં રાખવું પૂરતું નથી
આ વીડિયો શેર કરતા ભાજપે કહ્યું કે, માત્ર દેખાડો કરવા માટે બંધારણને હાથમાં રાખવું પૂરતું નથી પરંતુ બંધારણીય પ્રક્રિયાઓનું પણ સન્માન કરવું જોઈએ. અમારી એક જ વિનંતી છે કે દરેક વ્યક્તિમાં બંધારણ પ્રત્યે આદરની લાગણી હોવી જોઈએ.
ઉદ્ધવ ગુસ્સે થયાનો વીડિયો સામે આવ્યો
અગાઉ X પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા તેમની બેગની તપાસ કરવા પર ઉદ્ધવ ઠાકરે નારાજ જોવા મળ્યા હતા. ઉદ્ધવ અધિકારીઓને પૂછતા સાંભળવામાં આવે છે કે શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ જ્યારે રેલીઓને સંબોધવા મહારાષ્ટ્ર આવે છે ત્યારે તેઓ પણ સમાન તપાસને પાત્ર છે. મંગળવારે લાતુર પહોંચ્યા બાદ ચૂંટણી અધિકારીઓએ ઉદ્ધવની બેગની તપાસ કરી હતી. અગાઉ સોમવારે અધિકારીઓએ યવતમાલ જિલ્લાના વાની ખાતે તેની બેગની તપાસ કરી હતી.
શિવસેના (UBT) એ તેના X હેન્ડલ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ઠાકરે ચૂંટણી અધિકારીઓને તેમની બેગ તપાસતી વખતે તેમના નામ અને તેમની પોસ્ટિંગ માટે પૂછતા સાંભળવામાં આવે છે. બાદમાં ઠાકરે કહે છે, હું તમારાથી નારાજ નથી, પરંતુ જ્યારે નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે ત્યારે તેમના પર પણ આ જ કાયદો લાગુ થવો જોઈએ.
ઉદ્ધવ ઠાકરે મતદારોનું ધ્યાન દોરવામાં વ્યસ્ત છે
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ પર તેમની બેગ ચેકના વિવાદ પર નિશાન સાધ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે, શિવસેના (UBT) પ્રમુખ બેગ ચેકિંગ સામે બિનજરૂરી રીતે વિરોધ કરીને મતદારોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મહત્વના વિષયોની ગેરહાજરીમાં ઠાકરે હવે રડીને મત માંગી રહ્યા છે. ફડણવીસે કહ્યું, બેગ ચેક કરવામાં ખોટું શું છે? ચૂંટણી પ્રચાર દરમિયાન અમે અમારી બેગની પણ તપાસ કરાવી હતી અને આ સ્તરની હતાશા બતાવવાની જરૂર નથી.
લાતુરમાં ગડકરીના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી
આ પહેલા મંગળવારે ચૂંટણી અધિકારીઓએ મહારાષ્ટ્રના લાતુરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરનું પણ નિરીક્ષણ કર્યું હતું. ગડકરી એક ચૂંટણી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
અજિત પવારની બેગની પણ તપાસ કરવામાં આવી હતી
એનસીપી ચીફ અને ડેપ્યુટી સીએમ અજિત પવારની બેગ પણ ચેક કરવામાં આવી છે. અજિત પવારે જણાવ્યું કે આજે જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા ત્યારે ચૂંટણી પંચની ટીમ નિયમિતપણે તેમની બેગ અને હેલિકોપ્ટરની તપાસ કરતી હતી. તેમણે કહ્યું કે, મેં સંપૂર્ણ સહકાર આપ્યો અને માન્યું કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે આવા પગલાં જરૂરી છે. આપણે બધાએ કાયદાનું સન્માન કરવું જોઈએ અને લોકશાહીની અખંડિતતા જાળવવાના પ્રયાસોને સમર્થન આપવું જોઈએ.
અધિકારીઓ કેમ તપાસ કરે છે?
વાસ્તવમાં ચૂંટણીની જાહેરાત બાદ આદર્શ આચારસંહિતા લાગુ થઈ જાય છે. આવી સ્થિતિમાં અધિકારીઓની જવાબદારી છે કે તેઓ નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં તેમની મહત્વની ભૂમિકા ભજવે. અધિકારીઓને મતદારોને રીઝવવા માટે ભેટ અને રોકડનું વિતરણ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. આ માટે ચૂંટણી અધિકારીઓ એલર્ટ છે. આ શ્રેણીમાં, ફરજ પરના અધિકારીઓ નિયમિતપણે ઓચિંતી તપાસ માટે આવે છે અને રસ્તાથી એરપોર્ટ સુધી દેખરેખ વધારતા હોય છે.