તેલ, ગેસ, કોલસો (ફોસીલ ફયુઅલ) સળગાવીને વાહન ચલાવવાનું કે વીજળી મેળવવાનું હવે પર્યાવરણના હિતોમાં નારાયણ નથી. ઊર્જાનાં વૈકલ્પિક સ્ત્રોતોમાં કશીકને કશીક ખામીઓ સ્વચ્છ ઊર્જા આપે પણ તે જટિલ, અસલામત અને ખર્ચાળ છે. તે પેદા કરવાનાં મશીનો ખૂબ મોટાં અને વજનદાર હોવાથી મોટા દરિયાઈ જહાજોમાં તેને કામે લગાડી શકાય. પણ નાનાં વાહનો માટે હાલમાં અવ્યવહારૂ છે. ભવિષ્યમાં તેમાં પ્રગતિ થશે તો જમીન પર શહેરોને કે વસતિઓને તેની વીજળી મળી શકે, પણ હાલ તુરંત એવી કોઇ શકયતા નથી. સૌર (સૂર્ય ઊર્જા અને પવન ચક્કીઓ થકી પેદા થતી ઊર્જા સ્વચ્છ છે પણ તેના ઉત્પાદનનો આધાર સૂર્ય અને પવનની હાજરી કે મોસમ પર રહે છે. આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જરૂરી સર્વરો અને ડેટા સેન્ટરો ચલાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં અને અવિરત વીજળીની જરૂર પડી રહી છે અને જેમ જેમ AIનું ચલણ વધશે તેમ તેમ ખૂબ ઊર્જાની જરૂર પડશે.
હમણાં બ્રિટને તેનો છેલ્લો કોલસા-આધારિત વીજળીનો પ્લાન્ટ કાયમને માટે બંધ કરી દીધો. જળવિદ્યુતના પ્લાન્ટો પણ પર્યાવરણ અને વન અને વન્યજીવનને પારાવાર નુકશાન પહોંચાડે છે જેનો અનુભવ ભારતે કેદારનાથ (ઉત્તરાખંડ)ની દુર્ઘટના વખતે કર્યો છે.
બેટરીથી ચાલતાં વાહનો કે મશીનો બાબતમાં ઝડપભેર પ્રગતિ થઇ રહી છે. કેટલીક ટે્કનિક્લ અડચણોને કારણે હમણાં પ્રગતિમાં ઝોલ પડ્યો છે. ચાર્જીંગ સ્ટેશનોની કમી છે. પણ કશી અડચણ ન હોય તો પણ બેટરીઓ માટેની વીજળીનું ઉત્પાદન કોઇક સ્થળે તો કરવું જ પડે. વીજળીથી ચાલતાં વાહનો જ્યાં ચાલતાં હોય એ જગ્યાએ પ્રદૂષણ ન ફેલાવે, શહેરોની હવા પ્રમાણમાં ચોખ્ખી બને, પણ જ્યાં વીજળીનું ઉત્પાદન થતું હોય એ સ્થળોએ તો પ્રદૂષણ ફેલાય. સિવાય કે સોલાર અને વિન્ડ એનર્જી વડે તેને ચાર્જ કરવાની હોય. વરસ 2023ના આંકડા મુજબ પવન ચક્કીઓ દ્વારા દુનિયાના કુલ ઉત્પાદનમાંથી માત્ર પોણા આઠ ટકા વીજ ઉત્પાદન થાય છે. અને સોલાર (સૂર્ય) ઊર્જાના ઉત્પાદનનું પ્રમાણ 5 ટકાની આસપાસ છે. ટુકંમાં આ બન્ને સોર્સ મળીને પણ 13 થી 14 ટકાનું ઉત્પાદન થાય છે. બન્ને પદ્ધતિઓમાં જમીનની પણ ખૂબ જરૂર પડે છે. જો કે સોલાર એનર્જીના ક્ષેત્રમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે.
તો આ બધામાં શ્રેષ્ઠ વિકલ્પ કયો? અશ્મિભૂત ઇંધણ હવે વાપરવાનું બંધ કરવાનું છે. અનેક દેશોએ 2030 સુધીમાં તેલ-ગેસની ચાલતાં વાહનો સદંતર બંધ કરી દેવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ઘણા દેશોએ ડેડલાઈન વધુ આગળ પર ઠેલી છે, કારણ કે કોઇ સારો વિકલ્પ ઉપલબ્ધ જ નથી. જે એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ ઉપલબ્ધ છે તે અણુવિજળીનો છે. પરંતુ તેની એક ખામી અથવા માઈનસ પોઇન્ટ છે તે પરમાણુના વિકિરણો અથવા રેડીએશન લીક થવાનો છે. પરમાણુ ઊર્જા ખૂબ બદનામ થઇ છે. કારણ કે અણુ શબ્દ સાથે જ ભયાવહ શસ્ત્રો અને એ શસ્ત્રોનાં ભયાવહ પરિણામો જોડાઈ જાય છે. 1986માં સોવિયેત સંઘના ત્યારના પ્રદેશ યુક્રેનના ચેર્નોબીલ ખાતે પરમાણું ઉર્જાના રિએકટરમાં વિસ્ફોટ થયો અને અનેક લોકો અને આખું નગર તેની અસરમાં આવી ગયાં. 30 જણ મરણ પામ્યાં તેવું સત્તાવાર રીતે જાહેર કરાયું હતું. પરંતુ ખરેખર આંકડો ઘણો મોટો હતો. એ સિવાય સેંકડો અને હજારો લોકોને તેનું રેડીએશન લાગી ગયું અને આજીવન બિમાર રહ્યા. આવી જ ઘટના જાપાન સમુદ્ર કાંઠે આવેલા ફુકુશીમાં અણુઊર્જા પ્લાન્ટમાં સર્જાઈ હતી. 1911માં સુનામી આવવાથી પ્લાન્ટની ઇમારતો તૂટી ગઇ હતી અને હવા તેમ જ દરિયાના પાણીમાં વિકિરણોનું રેડીએશન 600 ચોરસ કિલોમીટરમાં ફેલાયું હતું. એ કેન્દ્રની આસપાસ અને આકાશમાં 30 કિલોમીટર સુધીનો નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં કોઇ પણ વિમાનને પ્રવેશવાની મનાઈ હતી. અણુ ઊર્જા પ્લાન્ટની દુર્ઘટનાઓ પછી જે તે વિસ્તારની અને લોકોની વરસો સુધી માવજત લેવી પડે તકેદારીઓ જાળવવી પડે તે ખૂબ ઝંઝટભર્યું હોય છે.
અણુઊર્જા પ્લાન્ટમાં વિશ્વમાં આ બે ટ્રેજેડીઓ નોંધાઈ છે. જો કે પ્લાન્ટસની સંખ્યા ખૂબ મોટી નથી. 32 દેશોમાં મળીને કુલ 440 ન્યુકલીઅર પાવર પ્લાન્ટ છે. નાગાસાકી અને હીરોશીમા પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા અને લાખો લોકો ભસ્મીભૂત બની ગયા તે ઘટના બાદ લોકો અણુનાં નામથી ડરી ગયા છે. બાકી એકલા ભોપાલમાં જ યુનિયન કાર્બાઈડના ખાતરના પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક થયો તેમાં આશરે 25,000 લોકો માર્યા ગયા હતા અને લાખો વિકલાંગ થયાં અને તેઓને ત્યાં પણ વિકલાંગ બાળકો જન્મ્યાં. અણુ પ્લાન્ટસની આવડી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ નથી. તેના બાંધકામ અને વ્યવસ્થામાં ખૂબ ઊંચી કોટીની તકેદારી લેવાય છે. છતાં લોકો અણુ વીજળી કારખાનાઓથી ડરે છે. વાસ્તવમાં એકલા ભારતમાં જ સાત રાજ્યોમાં બાવીસ અણુવિદ્યુત કેન્દ્રો છે અને તે બધા સલામત રીતે ચાલે છે. ભારત સરકારે બીજા બાર જેટલા નવા પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી છે. તમિલનાડુના કુડાકુલમ પાવરપ્લાન્ટ બંધ કરવાની લોકો માંગણી કરી રહ્યા છે. મહારાષ્ટ્રના જૈતાપુર અને રાજસ્થાનના બાંસવાડામાં પાવર પ્લાન્ટ સ્થાપવા સામે લોકો વિરોધ કરી રહ્યા છે.
મનમોહન સિંહની પ્રથમ ટર્મ (2004થી 2009ની સરકારે લગભગ ચારેક વરસ પુરાં કર્યા ત્યારે ભારતમાં અણુઊર્જા પ્લાન્ટ સ્થાપવા માટે એમની સરકાર અમેરિકા સાથે કરાર કરવા હતા. સામ્યવાદીઓએ તેનો વિરોધ કર્યો અને સરકાર તેઓના ટેકા વડે ચાલતી હતી. ટેકો પાછો ખેંચી લીધો. આમેય ચૂંટણીની મુદ્દત આવી ગઈ હતી. મનમોહનસિંહ સ્પષ્ટ બહુમતીથી ચુંટાઈ આવ્યા. તેનો અર્થ એ કે દેશના લોકોને દેશમાં અણુઊર્જા મથકો સ્થાપવા કોઇ વાંધો ન હતો. જો કે અમેરિકા સાથેના એ કરારોનું ફીંડલું વળગી ગયું. કોઇ સાર્થક પરિણામ આવ્યું નહીં. પરંતુ હવે ભારત અને દુનિયા પાસે શુદ્ધ વીજળી પ્રાપ્ત કરવા માટે અણુશક્તિ સિવાય બીજો કોઇ અસરકારક વિકલ્પ નથી. વળી ટેકનોલોજીમાં પ્રગતિ થવાથી અણુઊર્જા મથકનો વિકલ્પ વધુ આકર્ષક બન્યો છે. ભારતની લગભગ દોઢ અબજની આબાદી જેમ જેમ પૈસા પાત્ર બની રહી છે તેમ તેમ વીજળીની ડિમાન્ડ ખૂબ વધતી જશે. વળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો વપરાશ વધશે તેમ વીજળીની ડિમાન્ડ વધશે. કારણ કે આવી ટેકનોલોજીઓને ખૂબ મોટી માત્રામાં વીજળીની જરૂર પડે છે.
ચેટ-GPT એક AI એપ્લિકેશન છે અને હવે ઘણા લોકો તે વાપરવા લાગ્યા છે. ઉત્તરોત્તર વપરાશ વધી રહ્યો છે. અમુક લોકોનું કહેવું છે કે ચેટ-GPT ઘણી સારી સલાહો અને ઉપયોગી માર્ગદર્શન પૂરાં પાડે છે. નિર્ણયો લેવામાં મદદરૂપ બને છે. કસરત કરવી હોય તે વાનગી રાંધવી હોય કે લેખ લખવો હો, લેખને શિર્ષક આપવાનું હોય, નિબંધો કે ગીતો, કાવ્યો લખવાનાં હોય, ચેટ-GPT તમામ કામોમાં મદદરૂપ બને. આજકાલ સ્માર્ટ ફોનમાં કે ગૂગલ સર્ચમાં પણ AI (કૃત્રિમ બુદ્ધિ) સાથ આપતું હોય છે. અમુકને તો ખબર પણ નહીં હોય કે એમને સ્માર્ટફોનમાં AIનો સાથ મળી રહ્યો છે. પણ આ AI પૂર્ણ રૂપમાં વાપરવા માટે વીજળીની ખૂબ જરૂર પડે છે. ખાસ કરીને એ કંપનીઓને જે AIના એપ્લિકેશન પૂરાં પાડે છે. જેમ કે ચેટ-GPTના કિસ્સામાં તેની માલિક ઓપનAI 47 ટકા હિસ્સો ધરાવતી માઈક્રોસોફટ કંપનીને મોટી માત્રામાં અસ્ખલિત વીજ પુરવઠાની જરૂર પડે છે. દુનિયા ભરના લોકો ઓપનAIના પાવરફૂલ સર્વેરોમાંથી ડાટા મેળવતા હોય ત્યારે અમાપ વીજળી વપરાય છે. આ હેતુથી માઈક્રોસોફટ કંપનીએ તાજેતરમાં અમેરિકાની કોન્સ્ટેલેશન એનર્જી કંપનીનું એક કુપ્રસિદ્ધ ન્યુકલીઅર પાવર સ્ટેશન ખરીદી લીધું છે. આ પાવર સ્ટેશન થ્રી માઈલ આયલેન્ડ ખાતે આવેલું છે. માઈક્રોસોફટ કંપનીએ પ્રિમિયમ તરીકે મોટી રકમ ચૂકવીને તે ખરીદ્યું છે. પેન્સિલવેનિયા (યુએસ) રાજ્યમાં વધુ સસ્તા દરે વિન્ડ અને સોલાર પાવર ઉપલબ્ધ છે. પણ તેનો પુરવઠો સતત ચાલુ રહે તેનો કોઈ ભરોસો નથી. અણુ ઊર્જા ચોવીસે કલાક મળી રહે છે.
માત્ર AI માટે જ વધુ વીજળી પુરવઠાની જરૂર છે તેવું નથી. ફોસીલ ફયુઅલમાંથી પણ જગતને તત્કાળ છૂટકારો જોઈએ છે અને તેના વિકલ્પ ઝડપભેર મળી રહે તેમ દુનિયાભરના હાકેમો ઇચ્છી રહ્યા છે. નેતાઓ પર પ્રજા દબાણ લાવી રહી છે. તે માટેનો હાલમાં અણુઊર્જાએ જ એક માત્ર ઉપાય છે તે દુનિયાને સમજાઈ રહ્યું છે. પરંતુ એ વ્યવસ્થા ઝડપભેર થઇ જશે એવું નથી. કારણ કે તેની તમામ યંત્રણાઓ પૂરી કરવામાં ઘણો લાંબો સમય લાગે છે. કારણ કે તેનું આયોજન કરવામાં, કાયદાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે વડીલોને તેમજ કન્સલ્ટન્ટોને જ ચૂકવવા પાછળ અબજો ડોલર ખર્ચાઇ જાય છે. અણુ મથકને મોટો ખતરો બતાવવામાં આવે છે. આજકાલ એવા કોઇ ખતરાઓ રહ્યા નથી. અણુમથકોની રચનામાં સુરક્ષાના એક ઉપર બીજું, બીજાં ઉપર ત્રીજું એમ અનેક કવચો બાંધવામાં આવે છે. જોકે અણુમથકની મંજૂરીથી માંડીને બાંધકામ દરમિયાનની વિધિઓ લાંબી લચક અને નિરાશ કરી મૂકે તેવી હોય છે. પ્લાનિંગ બિલ્ડીંગ અને ઉદ્દઘાટન સુધીમાં ખૂબ લાંબો સમય લાગી જાય છે. તેનાથી ખર્ચમાં વધારો થાય છે.અને જો જૂદો વિચારધારાની સરકાર ચૂંટાઈ આવે તો તમામ યોજનાઓ અભેરાઈ પર ચડાવી દેવામાં આવતી હોય છે. અમુક રાજકીય પક્ષો તો યોજના રદ કરવાનાં વચનો સાથે ચૂંટણી લડતા હોય છે. આવી અનિશ્ચિતાઓને કારણે મોટા ભાગના ઉદ્યમીઓ આવી યોજનાઓમાં મૂડીરોકાણ કરતા નથી. પરંતુ હવે દુનિયાની ઘણી સરકારો ઊંઘમાંથી જાગી છે. તેઓને સમજાયું છે કે હવે એક માત્ર ઉપાય પરમાણુ વીજળી છે. અણુ ઊર્જા બાબતના વિચારો અને વલણ બદલાઈ રહ્યાં છે. તે ઉપરાંત સારી વાત એ છે કે પરમાણુ વીજળી મથકો બાંધવાની ટેકનોલોજી વધુ સલામત અને વધુ સરળ બની છે. હવે નવા જમાનામાં નવાં આધુનિક પ્રકારના અણુવીજળી સંયંત્રો બની રહ્યાં છે અને જેટલા પ્રમાણમાં વીજળીની જરૂર હોય તે અનુસાર નાનાંથી મોટાં પરમાણુ વીજળી કેન્દ્રો સ્થાપી શકાય છે. એક મોટી ફેકટરી માટે જોઇએ એટલી વીજળી પુરૂં પાડતી પરમાણું ઊર્જા વ્યવસ્થા બાંધી શકાય. એક ગામ, નગર કે શહેર માટે અલાયદા અને સુવાંગ મથક સ્થાપી શકાયે તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. જો કે અણું પાવર સ્ટેશનની ડિઝાઇન અને બાંધકામ પૂર્ણ કરવામાં ઘણો સમય લાગી જાય છે.
હવે સ્મોલ મોડયુલર રિએક્ટરો (SMR)નો સમય શરૂ થયો છે. જો કે નાના કદનાં અણું રિએક્ટરો, સબમરીનો, વિમાનવાહક લશ્કરી દરિયાઇ જાહોજો તેમ જ બરફ તોડવાનાં મશીનોમાં લગભગ છેલ્લા 70 વરસથી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે. નાની અણુ વીજળી ઉત્પાન સંયંત્રણા કંઇ આજકાલની વાત નથી. ફરક એટલો જ કે નાગરિકા માટેની સુવિધા માટે નાના કદમાં તેનો ઉપયોગ થતો નથી. મોટાં કદનાં અણું ઊર્જા કેન્દ્રો તો આગળ લખ્યું તેમ, ભારતમાં અને દુનિયામાં છે જ.
છેલ્લાં થોડાં વરસોથી જમીન પર SMRની યંત્રણાઓ સ્થાયી તેનો વપરાશ કરવાની શરૂઆત થઇ છે. જે ઘણી સલામત અને સરળ પુરવાર થઇ રહી છે. આજની ટેકનોલોજીમાં ન્યુકલીઅર પાવર પ્લાનટની રચના અને બાંધકામોમાં સુરક્ષાના એક પછી એક એમ અનેક કવચો અથવા કોઠાઓ ઊભાં કરવામાં આવે છે. બાંધકારમની મંજૂરીથી માંડીને બાંધકામ પુરૂં થાય ત્યાં સુધીમાં અનેક સરકારી તેમ જ ટેકનિકલ વિધિઓ કરવી પડે છે. તેમાં ઘણો સમય અને નાણાં લાગી જાય છે. મોડ્યુલર પદ્ધતિમાં એક બાદ એક હિસ્સાને જોડી શકાય છે. જરૂર પડે તો વચ્ચેના કોઇ હિસ્સાને ખસેડીને તેની જગ્યાએ નવું મોડ્યુલ બેસાડી શકાય છે. આખી વ્યવસ્થાને જોઇને એટલા પ્રમાણમાં વિસ્તારી કે ટુંકાવી શકાય છે. કમ્બાઇન, મોડીફાય કે રિપ્લેસ કરવાની વિધિ દરમ્યાન બાકીની વ્યવસ્થા ચાલતી રહે છે. તેના પર કોઇ પ્રતિકૂળ અસર પડતી નથી. આ પ્રકારની સ્થિતિ સ્થાપકતાને કારણે સિસ્ટમનું ઉત્પાદન, ટ્રાન્સપોર્ટેશન અને ઇસ્ટોલેશનના કામો સરળ બની જાય છે. ખર્ચ અને સમયની પણ બચત થાય છે. આ નવા યુગના અણુ ઊર્જા કેન્દ્રો બાંધવા માટે જૂની પુરવાર થયેલી ટેકનોલોજી વપરાય છે. અને જૂનાં સમયનાં મોટાં અણુ ઊર્જા કેન્દ્રોની સરખામણીમાં SMR ઘણા સલામત છે. તેની સામગ્રીની રચના અને નિર્માણ ફેક્ટરીઓમાં થઇ શકે છે અને સ્થળ પર લઇ જઇ તેને એક સળંગ વ્યવસ્થાના રૂપમાં ગોઠવી શકાય છે.
રાજકોટ શહેર માટે બે અણું મથક બાંધવા હોય તો કુલ 50 એકર જમીનની જરૂર પડે. તેની સામે એટલી જ વીજળીનું સૌરપેનલ દ્વારા ઉત્પાદન કરવું હોય તો 26,000 એકર જમીનની જરૂર પડે અને પવનચક્કીનાં ફાર્મ (વિન્ડ ફાર્મ) માટે 64,000 એકર જમીનની જરૂર પડે. સૌર ઊર્જાના યંત્રો, પવનચક્કી દૂર દૂર અને દુર્ગમ વિસ્તારોમાં હોય તેથી તેની જાળવણી, નિભાવ અને લોજીસ્ટીકમાં પણ ઘણો ખર્ચ થાય. 440 મેગાવોટનાં ત્રણથી પાંચ SMR હોય તો અમદાવાદ, સુરત કે મુંબઇ જેવા મહાનગરો માટે પૂરતાં થઇ પડે. SMRની સારી વાત એ છે કે હવામાને કારણે તેના ઉત્પાદન પર કશી અસર પડતી નથી. આ કારણથી જ બિલ ગેટ્સની માઇકોસોફટે થ્રી માઇલ આઇલેન્ડનું પાવર સ્ટેશન 85 ટકા પ્રિમિયમ, લગભગ બમણી રકમ ચૂકવીને ખરીદ્યું છે. SMRનો બીજો એક ફાયદો છે કે વીજળીની જેટલી માગણી હોય તે મુજબ તેનાં ઉત્પાદનમાં તત્કાળ વધારો કે ઘટાડો કરી શકાય છે. ડિમાન્ડ મૂજબિ આપો આપ ઉત્પાન વધતું કે ઘટતું રહે એવી વ્યવસ્થા ગોઠવી શકાય છે. પરિણામે વોલ્ટેજ સ્થિર રહે છે. અણુ વીજળી ઉત્પાદન માટે યુરેનિયમ મહત્વની ધાતું છે. આજે દુનિયામાં દર વરસે લગભગ 91 કરોડ કિલોગ્રામ યુરેનિયમની ડિમાન્ડ છે જેની સામે તેનું ખાણોમાં ઉત્પાદન લગભગ 64 કરોડ કિલોગ્રામ જેટલું થાય છે. બીજું 12 કરોડ કિલોગ્રામ ભંગાર અને રિસાઈક્લીંગ જેવાં સેકન્ડરી સોર્સમાંથી મળે છે. ટુંકમાં તેની સપ્લાય ડિમાન્ડ સામે ટુંકી પડે છે. જો કે નવી ખાણોના સંશોધન અને ડેવલપમેન્ટ માટે જૂની કંપનીઓ છે જ અને કેટલીક સ્ટાર્ટ-અપ આવી રહી છે. કારણ કે યુરેનિયમ ધાતુનું ભવિષ્ય સારૂ છે. વળી SMRના બિઝનેસમાં પ્રસિદ્ધ રોલ્સ રોયસ કંપની પણ આવી છે. આજે યુરેનીયમની વૈશ્વિક કિંમત 1 કિલોગ્રામનાં 13 થી 14 હજાર રૂપિયાની આસપાસ રહે છે. 2006માં યુરેનિયમની કિંમત સૌથી વધુ 140 ડોલર થઇ હતી. પણ ત્યારે ડોલર 42 થી 45 રૂપિયા વચ્ચે ચાલતો હતો.
- વિન્સી મરચન્ટ