આજે આપણને એક વિચાર ચોક્કસ આવશે કે આપણે તથા આપણાં નેતાઓ લોકશાહીને લાયક છીએ ખરા? એનું કારણ સ્પષ્ટ છે કે આપણે, જે નેતાઓને ચૂંટીને લોકસભા અને વિધાનસભામાં મોકલીએ છીએ તે નેતાઓને આપણે પારખીને મોકલ્યાં છે ખરા? આપણે એમના બેકગ્રાઉન્ડ વિશે જાણતાં નથી, એમનાં ભૂતકાળ વિશે જાણતાં નથી કે એમના શિક્ષણ વિશે કશું જાણતા નથી. એવા નેતાઓ આપણું શું પ્રતિનિધિત્વ કરવાનાં છે.એમને તો બસ એમની ખુરશીમાં જ રસ છે. આવા અડબંગ નેતાઓ લોકસભા તથા વિધાનસભામાં જઈને કશું ઉકાળતા નથી પરંતુ લોકશાહીને કલંકિત કરે છે.
લોકસભા કે વિધાનસભામાં લોકશાહીની કોઈ ગરિમા જળવાતી નથી. આ લોકો બિભત્સ ચાળા, બૂમબરાડા, નકામો અને બીનજરૂરી બકવાશ કરે છે, સદનની કાર્યવાહી સારી રીતે ચાલવા દેતાં નથી. તાજેતરમાં જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કલમ ૩૭૦ ના મુદ્દે ધારાસભ્યો વચ્ચે સ્કૂલમાં ભણતાં બાળકો જેવી હાથાપાઈ થઈ. આવા દૃશ્યો હવે કાયમના થઈ ગયાં છે. હવે દરેક મતદારે જાગૃત થઈને સારા નેતાઓને ચૂંટવા જોઈશે, નહીં તો લોકશાહીની બેઇજ્જતી થશે એ વાત નક્કી છે.
હાલોલ – યોગેશભાઈ આર જોશી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પોહળો-પોહળો, પૈહા વાળીને જજે…
ગ્રામ્ય જીવન અને સંસ્કૃતિ અનેરી છે. કેતરોમાં લહેરાતો લીલોછમ પાક જાણે લીલુડી ધરતી જેવો લાગે છે. લીમડાના ઝાડની મીઠી-ઠંડક જાણે એ.સી.ની ગરજ સારે છે. નદી-તળાવમાં વહેતું પાણી જે પ્રગતિનો પૈગામ આપે છે. ગામડાની તળપદી-ગામઠી બોલી સાંભળવાની ખુબ મઝા- આનંદઆફએછે. ગામડામાં મોટો ખેડૂત હોય તે ચાર-પાંચ ચાકરો રાખે, ચાકરોને કાયમી સાચવે, વારે-તહેવારે પૈસા (ઉપાડ) આપે, ચૌધરી ગામિત, વસાવા, હફતિ આદિવાસીઓ ખેડૂતને ધણીયામો કહેતા હોય છે ધણીયામો ચાકરના પૈસા ન વાળે એટલે કાયમી કામમાં પરોવાયેલા રહેતા હોયછે.
હાલમાં દિવાળીનો તહેવાર ગયો, બે-ત્રણદિવસ મગન નામનો ચાકર ખેડૂતના ઘરે કામે ન આવ્યો આથી ધણીયામો (ખેડૂત) ચાકરના છાપરા પર પહોંચી ગયો અને કહ્યું ‘કેમ-મગના કામે નથી આવતો, ખેડૂતને ગભરાતા-ગભરાતા ચાકર (મગને) કહ્યું હવે હું ફેકટરીમાં કામે જવાનો છું એટલે કામે નથી આવવાનો, એટલે ધણીયામો ગુસ્સે થયો. અને ગામઠી-સુરતી ભાષામાં કહ્યું ‘પોહળો-પોહળો પૈહા વાળીને જજ’ એટલે શુદ્ધ ગુજરાતીમાં કહેવાય સીધો સીધો પૈસા (ઉપાડ) વાળીને જયાં જવું હોય ત્યાં જજે, આમ ગામડાની ભાષા (બોલી) ભલે તોછડી બરછટલાગે પરંતુ શબ્દોના ટોન સાંભળવાની બહુ મઝા આવે…
તરસાડા – પ્રવિણસિંહ મહિડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.