Comments

ઘરનું કામ એજ શ્રેષ્ઠ વ્યાયામ છે

આજકાલ શહેરોમાં ટ્રાફિક, પોલ્યુશન, ગીચ વિસ્તારોમાં નાના આવાસો આથી ઘરના વડીલો રસ્તો ઓળંગી બગીચા સુધી જાય પણ કેવી રીતે? એકાદ બસ કે રીક્ષા કરી દેવદર્શને પણ કેમ કરી જાય? પાકટ ઉંમર આથી તબિયતનું જરા નરમ-ગરમ રહેવાનું અને ડોક્ટર પાસે જઈએ એટલે કડક ભાષામાં સૂચના મળે “सरत.. કાના માત્ર વિનાની પ્રવૃત્તિ નહિ અપનાવો તો કાના માત્ર વિના નરકમાં પહોંચી જવું પડશે’!!!

શહેરી ભીડમાં આજકાલ બને પણ કેવું કે જોગર્સ પાર્કમાં ચાલવા માટે ઘર બહાર નીકળ્યાં ત્યાં જ રોંગ સાઈટમાંથી ઓવરટેક કરતાં વાહન પછાડે અને થાપાનો જોડ ભાંગતા ૭૦ વર્ષની વયે દોઢ માસ હોસ્પીટલમાં અને પછી કાયમ માટે શરીર માંદગીમાં જકડાઈ જાય. સ્વાસ્થ્ય માટે થઇ સવારે ઘરેથી બે કિલોમીટર ચાલી દુકાને પહોંચે. બપોરનું સાત્ત્વિક ભોજન દુકાનમાં જ લે અને રાત્રે ૮ વાગ્યે ધંધો વધાવી લાંબા આયુષ્ય ખાતર પગપાળા ઘરે પહોંચનાર ઘડિયાળના કાંટે જીવતરને એક રાત્રે હૃદયમાં તકલીફ થાય. હોસ્પીટલમાં ટેસ્ટ થયા ત્યારે રિપોર્ટ આવે કે બજાર વચ્ચે આવેલ દુકાનમાં પોલ્યુશનના કારણે ફેફસાંમાં ૭૬ % કંજેશન વ્યાપી ગયું છે.

સ્વાસ્થ્યના હોલીસ્ટીક વ્યૂહનો પ્રથમ આધાર પોષક આહાર છે. એક વયસ્ક વ્યક્તિએ પોતાના દિવસભરના ખોરાકમાં ૧૩૫ થી ૧૫૦ ગ્રામ તાજાં શાકભાજી અને સીઝનલ ફ્રુટ લેવાનું રાખવું જોઈએ. પણ ખ્યાલ રહે બજારમાં લીલાંછમ અને આકારમાં સામાન્યથી મોટાં દેખાતાં ફળ, શાકભાજી ઓક્સીટોસીન અને કોપર સલ્ફેટની કેમીકલ ટ્રીટમેન્ટમાંથી પસાર કરેલાં જોવા મળે છે. ચીન કે ઓસ્ટ્રેલિયા જેવા દૂરના દેશોમાંથી આવતાં ફળ-શાકભાજીમાંથી પાણીનું પ્રમાણ ઘટી ન જાય તે માટે વેકસ કોટ કરવામાં આવે છે. આવી અશુધ્ધિ સાથેના ખોરાકનું સેવન કરવાથી ફેફસાં અને લીવરને ભારે નુકસાન થાય છે. આથી ફળ-શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં મીઠાના પાણીમાં પલાળી રાખવાં, છાલ કાઢી નાખવી અને પ્રેશરકૂકરમાં વરાળના દબાણ વચ્ચે બાફી ખાવાનું રાખવું.

૬૦ વર્ષ પછી માણસ ૮૦૦ ગ્રામથી ૧ કિલો સુધીનો ખોરાક પચાવી શકે છે. મનની ભૂખથી આરોગેલો વધારાનો બધો જ આહાર શરીર માટે બહાર નીકળતાં સુધી બોજ બની રહે છે. તુવેરદાળ સાથે ભેળસેળ થતી લાલ દાળ મોટી ઉંમરનાં લોકોએ ન ખાવી કારણ તેમાંનું સેલ્યુલોઝ હાડકાં બરડ કરી નાખે છે. તેમ રાજમા, વાલ, પાપડીના વધુ સેવનથી કઠોળમાં રહેલ હિમેગ્લુટીન તત્ત્વ લોહીના લાલ કણને ઘટાડી નાખે છે. બટાકાના અતિ સેવનથી શરીરમાં  આયોડિનની માત્રા અ-સમતુલિત બની જાય છે. શરીર અન્નથી ટકે છે તે સત્યને નકારી શકાય તેમ નથી. પરંતુ રેફ્રિજરેટરમા સાચવી રાખેલ અને માઈક્રો ઓવનમાં ગરમ કરીને કે પછી બજારમાંથી લાવેલ ભજીયાં, ખમણ પ્રકારના જંક ફુડથી શરીરને માત્ર નુકસાન જ થાય છે.

ઇંગ્લેન્ડમાં જેલનાં કેદીઓ ઉપરના અભ્યાસથી જાણવા મળેલ છે કે જેઓને ૧ વર્ષ સુધી જંક ફુડ ઉપર રાખવામાં આવેલ તેઓની ગ્રહણશક્તિમાં ઘટાડો થયો અને સામુહિક વર્તનમાં અ-શિત્વ વધી અને જે ગુનેગારોને ચરબી, કાર્બોહાઈડ્રેટ, મીનરલ, પ્રોટિન, વિટામીનની સમતુલાવાળો તાજો ખોરાક આપવામાં આવ્યો. તેઓમાં શીખવાની અને પરસ્પરને સહકાર આપવાની વૃત્તિમાં વધારો થયો. આપણે ત્યાં પ્રચલિત કહેવત છે, ‘અન્ન તેવો ઓડકાર.’’આ ઓડકાર તે ખોરાકની શરીર ઉપરની અસર.

વનપ્રવેશ થઈ ચૂક્યો હોય છે, ત્યારે રોગપ્રતિકારકશક્તિ ઘટી જાય છે. વૃધ્ધોએ ઔષધીઓનો આધાર લેવો પડે છે. પરંતુ મેડીસીન સાયન્સ કહે છે, “ધેરીઝ ઈફેકટ, ધેરીઝ એ સાઈડ ઈફેકટ.’’ આથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળતી દવાઓ (પણ ચણા-મમરા માફક ન લેવી. જરા અમસ્તી શરદી, શરીરના દુખાવામાં એસ્પિરિન લઈએ છીએ. પરંતુ ટેબલેટમાં રહેલ સ્ટરોડાઈલ એન્ટી ઇન્ફલમટરી ડ્રગ્સથી લાંબે ગાળે લીવરમાં અલ્સર થાય છે. ચામડી ઉપર લાલ ચાંઠાં પડે છે અને ચળ આવે છે.

વ્યાપારીઓ બજારમાં ટકી રહેવા હાનિકારક સંયોજનથી દવાઓ વહેંચે છે. પેરાસિટામોલ સાથે અપ્રાઝોલમનું કોમ્બીનેશન પ્રોટેસ્ટ ગ્લેન્ડ નબળી પાડે છે. આપણા રુધિરાભિષરણ તંત્ર ઉપર માઠી અસર પહોંચાડતી કેટલીક દવાઓ યુરોપ, અમેરિકામાં વર્જિત છે. પણ આવી ૨૯૪ દવાઓ ભારતનાં શહેરીજનો કોઈ વિશેષ સમજ વિના લીધે રાખે છે. આથી ડોકટરની સલાહ વિના છાપા-ટી.વી.ની જાહેરાતના આધારે દવા લેશો નહીં. રોગનો ઉપાય કરતાં પહેલાં તેનું કારણ જાણવાનો પ્રયત્ન કરો.

સ્ત્રી – પુરુષોમાં ૫૦-૬૦ વર્ષે ભારે બદલાવ આવે છે. શરીર બહારથી કંઈ ફેરફાર નોંધતું નથી પરંતુ વ્યક્તિ વધુ સંવેદનશીલ બની જાય છે. રોગપ્રતિકારકશક્તિ ઘટી જાય છે. શરીરના મસલ્સ શિથિલ થવા લાગે છે અને મગજના સંદેશાઓના અમલમાં થોડી ઢીલાશ આવે છે. શરીર વિટામીન ડી. અને ઈ. પ્રકારનાં કેટલાંક જરૂરી તત્ત્વો ખોરાકમાંથી છૂટાં પાડવાની ક્ષમતા ગુમાવી દે છે. પ્રાકૃતિક ફેરફારવશાત્ વ્યક્તિનો દિવસભરનો પરિશ્રમ ઘટે છે. પરાવલંબી અવસ્થાના લીધે ખોરાક લેવામાં અનિયમિતતા વધે છે અને સરવાળે એસીડીટીની ફરિયાદ રહે છે, પણ તેથી ગભરાયા વિના મનને મજબૂત રાખો.

પ્રથમ તીખું, તળેલું, ખાટું, આથો લાવીને બનાવેલી વાનગી ઓછી કરવી. શરીરના દુખાવા માટેની, દવાઓ લેવાનું ઘટાડવું. તમાકુનું કોઈ પણ પ્રકારનુ સેવન બંધ કરવું. સવારનો પૌષ્ટિક નાસ્તો અને રાત્રે માત્ર શાકભાજીના સૂપ સાથે ૨-ખાખરા ખાવાથી સ્વાસ્થ્ય સારું રહેશે. મેયો કિલનિક પ્રોસીડિંગ્સ અહેવાલ અનુસાર શહેરોમાં નાગરિકો અઠવાડિયામાં સરેરાશ ૧૮થી ૨૩ કલાક ટી.વી. સામે બેસી રહે છે. આથી લેવાયેલ ખોરાકમાંથી લગભગ ૨૭૫ યુનિટ કેલેરી વણવપરાયેલી પડી રહે છે જે ફેટમાં કન્વર્ટ થતા સાંધાના દુખાવા, હાડકાંમાં કળતર, લોહીના પરિભ્રમણના અટકાવના પ્રશ્નો ઊભા કરે છે. ધ્યાન રહે, બે પગ ઉપર ઊભેલા અને હાથ-પગથી ચાલતા શરીર માટે મસ્તિષ્કની ૬ર લાખ પેશીય સક્રિય રહે છે. આથી વધતી ઉંમરે મગજને લોહીના પરિભ્રમણથી પૂરતો ઓકિસજન મળે તે જરૂરી છે.

આ માટે સવારે ઊઠી પથારીમાં બેસીને અથવા સૂતાં-સૂતાં લાંબા શ્વાસની કસરત કરો. પાણીની ખાલી પ્લાસ્ટીક બોટલમાં શક્ય દબાણથી હવા ભરવાની કસરત થઈ શકે છે. તે પછી પથારીમાં ક્રમશ: પગ અને હાથ ઊંચાં કરો. શયનખંડની બે દિવાલોને અડવાનું છે તેવી ચેષ્ટાથી શરીરને ખેંચો. જમણે-ડાબે પડખે ફરો. શક્ય હોય તો પથારીમાં જ ઊંધા સૂઈ ક્રમશઃ હાથ-પગ અને પછી કમરથી ઊંચા થવા પ્રયત્ન કરો. સવારનો ચા-નાસ્તો પૂરો થયા પછી ફરવા જવાનો સમય થયો છે તેમ જાણી ઘરની સાફ સફાઈ, વાસણ ગોઠવવા, ખુરશી- છાપાં વ્યવસ્થિત કરવા જેવા કાર્યથી પણ શરીરને પૂરતો વ્યાયામ મળી રહેશે. સ્નાન સમયે સાબુના ફીણ થાય તેમ શરીરને મસાજ આપી પાણી વડે ઘસીને સાફ કરો. શરીરના મસલ્સ, લોહીની નળીઓ માટે આ પ્રકારની ઉષ્માપ્રેરક કસરત લોહીનું પરિભ્રમણ વધારશે. શરીરમાં લચીલાપણું જળવાઈ રહેશે.

હરતું-ફરતું પોતાનું કામ કરતું આનંદિત શરીર સ્વયં તંદુરસ્તીની નિશાની છે. બે રૂમ, રસોડાના નાના ઘરમાં પણ ટી.વી., રેડિયો સાંભળતાં ખાતાં-પીતાં માણસ પોતાના શરીર માટે જરૂરી વ્યાયામ કરી શકે છે. મહાત્મા ગાંધીએ આશ્રમ ભજનાવલીની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘કોઈએ ઘરકામ છોડીને ઈશ્વર સ્મરણ માટે બેસવાની જરૂર નથી.’ તે પ્રકારે સ્વાસ્થ્ય માટે જોગસ પાર્ક, કોઈ કલબમાં જવાને બદલે રોજબરોજના જીવન સાથે જ આહાર, નિદ્રા, વ્યાયામ અને મનની સ્વસ્થતાના કાર્યક્રમમાં આપણે ભાગીદાર થઈશું તો આયુષ્ય આનંદમય અને મૃત્યુ સુખસભર બની રહેશે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top