Columns

ઝારખંડમાં ભાજપ બાંગ્લા દેશી ઘૂસણખોરોનો મુદ્દો કેમ ચગાવી રહ્યો છે?

ચૂંટણીઓ ક્યારેય નક્કર વાસ્તવિક મુદ્દાઓના આધારે નથી જીતાતી પણ મતદારોની લાગણીઓના આધારે જીતાતી હોય છે. ભારતની કોઈ પણ ચૂંટણીમાં મહત્ત્વના મુદ્દાઓ રોટી, કપડાં, મકાન, રોજગાર, મોંઘવારી, ગરીબી, શિક્ષણ અને આરોગ્ય હોય છે, પણ તે મોરચે નિષ્ફળ ગયેલા રાજકીય પક્ષો દર વખતે તે મુદ્દાઓને ભૂલવાડીને લોકોની લાગણીને ઢંઢોળે તેવા કોઈ મુદ્દાઓ શોધી કાઢે છે અને તેના આધારે ચૂંટણી જીતી જાય છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીઓ ભાજપ ભ્રષ્ટાચારના મુદ્દા પર જીત્યો હતો. ચૂંટાઈને આવ્યા પછી તેણે ભ્રષ્ટાચારના મુદ્દાને જ ભૂલવાડી દીધો હતો.

આજે ભાજપશાસિત રાજ્યોમાં જેટલો ભ્રષ્ટાચાર જોવા મળે છે, તેટલો ભ્રષ્ટાચાર અન્ય રાજ્યોમાં જોવા મળતો નથી. તાજેતરમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે ધૂમ પ્રચાર ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપના ગઠબંધન પાસે ખાસ કોઈ મુદ્દો નથી, જ્યારે મહા વિકાસ અઘાડીના હાથમાં મરાઠી નેતાઓના અપમાનનો મજબૂત મુદ્દો આવી ગયો છે. ઝારખંડમાં ભાજપે બાંગ્લા દેશી ઘૂસણખોરીને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવ્યો છે. ઝારખંડની આદિવાસી કન્યાઓ બાંગ્લા દેશથી આવેલા મુસ્લિમ યુવાનો સાથે લગ્ન કરીને મોટી સંખ્યામાં છેતરાતી હોવાથી ભાજપ આદિવાસીઓના મતો મેળવવા આ મુદ્દાને ચગાવી રહ્યો છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી સતત કહી રહી છે કે બાંગ્લા દેશી ઘૂસણખોરો અહીંની આદિવાસી મહિલાઓ સાથે લગ્ન કરીને તેમને મળેલા ફાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે અને તેમના નામે જમીન હડપ કરી રહ્યા છે. ઝારખંડમાં ૧૩ અને ૨૦ નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી છે. ઝારખંડના સંથાલ પરગણાની ઘણી પંચાયતોનાં વડાં સંથાલી આદિવાસી સમુદાયની મહિલા છે અને તેમના પતિ મુસ્લિમ છે, તે ચૂંટણીનો મુદ્દો બની ગયો છે. એવું માનવામાં આવે છે કે રાજ્યમાં સત્તાની ચાવી સંથાલ પરગણાના છ જિલ્લાના મતદારોના હાથમાં છે. જે પણ અહીંથી ફાયદો મેળવે છે, તેની સરકાર બનાવવાની શક્યતાઓ પણ પ્રબળ બની જાય છે. આ પ્રદેશે ઝારખંડને બે મુખ્ય મંત્રીઓ શિબુ સોરેન અને હેમંત સોરેન આપ્યા છે.

એવું માનવામાં આવે છે કે ઝારખંડ ચૂંટણીમાં હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા માટે આ વિસ્તાર પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. બીજી તરફ, ભાજપ માટે આ વિસ્તાર સત્તામાં પાછા આવવા માટેનું સૌથી મહત્ત્વપૂર્ણ સાધન છે અને તેથી, આ વિસ્તારમાં ચૂંટણી પ્રચારની શરૂઆતથી જ ભાજપે આદિવાસીઓની ઓળખ, કથિત બાંગ્લા દેશી ઘૂસણખોરીથી આદિવાસીઓ માટે જોખમને મુદ્દાઓ બનાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે બાંગ્લા દેશી ઘૂસણખોરીના વર્ણનને લઈને કેન્દ્ર સરકારનું કોર્ટમાં કંઈક બીજું કહેવું છે, જેની ભારતીય જનતા પાર્ટી ઝારખંડ ચૂંટણી પ્રચાર દરમિયાન જોરશોરથી ચર્ચા કરી રહી છે.

વર્ષ ૨૦૨૨માં જમશેદપુરના રહેવાસી દાનિયલ દાનિશે બાંગ્લા દેશી ઘૂસણખોરીને લઈને ઝારખંડ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. ગૃહ મંત્રાલયે કોર્ટમાં તેના જવાબમાં કહ્યું છે કે ઝારખંડ રાજ્ય સહિત દેશમાં આવા ગેરકાયદેસર વસાહતીઓની સંખ્યા અંગે ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. બીજી તરફ કમિશને ભાજપના નેતા અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય આશા લાકરાના નેતૃત્વમાં એક રિપોર્ટ જાહેર કર્યો. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઝારખંડના સંથાલ પરગણામાં છેલ્લા સાત દાયકામાં વસ્તીમાં થયેલો ફેરફાર બાંગ્લાદેશી ઘૂસણખોરીને કારણે છે.

આ જ અહેવાલમાં સાહિબગંજ જિલ્લાની નવ પંચાયતોનું ઉદાહરણ આપીને બાંગ્લાદેશી ઘૂસણખોરીને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે હાલના જમીન કાયદાઓમાં છટકબારીઓના દુરુપયોગના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમ કે આ વિસ્તારમાં જમીન સંપાદન કરવા માટે દાનપત્રના સોગંદનામા દ્વારા આદિવાસીઓની જમીન મુસ્લિમને આપી હોય તો જાહેર ન કરવી. આવા જ એક કિસ્સામાં આદિવાસીઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદ થયો, જ્યારે એક મુસ્લિમ પરિવારે દાનખતના આધારે આદિવાસીઓની જમીનનો ટુકડો લીધો. આમાંથી કોઈ પણ જમીન સંબંધિત કેસમાં બાંગ્લા દેશી સ્થળાંતર કરનારાઓ સાથે સંબંધ સ્થાપિત થયા નથી.

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે બાંગ્લા દેશી ઘૂસણખોરીના કારણે સંથાલ પરગણાની વસ્તી બદલાઈ ગઈ છે. ૧૯૫૧ અને ૨૦૧૧ ની વસ્તીની તુલના કરતી વખતે કેન્દ્ર સરકારે કહ્યું કે વર્ષ ૧૯૫૧ માં સંથાલ પરગણામાં અનુસૂચિત જનજાતિની વસ્તીનો હિસ્સો ૪૪.૬૭ ટકા હતો, જે ૨૦૧૧માં ઘટીને ૨૮.૧૧ ટકા થયો. બાહ્ય સ્થળાંતર, ખ્રિસ્તી ધર્મ અપનાવનારા આદિવાસીઓમાં નીચો બાળજન્મ દર વગેરે કારણોને લીધે આદિવાસીઓની વસ્તીમાં ઘટાડો થયો છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા વધી રહી હોવાના દાવા સંદર્ભે કેન્દ્ર સરકારે કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા ન હોવા છતાં ભાજપના નેતાઓ આ મુદ્દે ચૂંટણી લડવાના છે.

છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસે મળીને સંથાલ પરગણામાં ૧૮માંથી ૧૩ બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને માત્ર ચાર બેઠકો મળી હતી. નિષ્ણાતો માને છે કે ભારતીય જનતા પાર્ટીને લાગે છે કે બાંગ્લા દેશી ઘૂસણખોરીના મુદ્દાથી તેમને વિસ્તારના આદિવાસી સમુદાયના મત મળી શકે છે. સ્થાનિક પત્રકાર અને લગભગ બે દાયકા સુધી વિદ્યાર્થી જીવન દરમિયાન ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખમાંથી રાજકારણમાં સક્રિય સુનીલ ઠાકુર કહે છે કે આ મુદ્દો સંથાલી આદિવાસી મતદારોને આકર્ષવા માટે ચગાવવામાં આવી રહ્યો છે. ખરેખર અહીં ત્રણ મુખ્ય વોટ બેંક છે. એક હિંદુ વોટ બેંક છે, જે મુખ્યત્વે ભાજપ તરફ જાય છે. એક મુસ્લિમ વોટ બેંક છે, જે મુખ્યત્વે ઇન્ડિયા જોડાણને ફાળે જાય છે. ત્રીજો મત સાંથલ આદિવાસીઓનો છે. બાંગ્લા દેશી ઘૂસણખોરીનો મુદ્દો હવે ઉઠાવવામાં આવ્યો છે, તેનું કારણ એટલું જ છે કે ભાજપના હિંદુ મતો અકબંધ રહે અને સાથે જ સંથાલ આદિવાસીઓના મતો પણ ભાજપને મળી જાય.

ઝારખંડમાં વિધાનસભાની ૮૧ અને લોકસભાની ૧૪ બેઠકો છે. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં JMM ગઠબંધન ૪૭ બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. ચૂંટણીમાં ભાજપને માત્ર ૨૫ બેઠકો મળી હતી. ઝારખંડમાં આદિવાસી વસ્તી લગભગ ૨૬ ટકા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આદિવાસીઓ માટે આરક્ષિત તમામ પાંચ બેઠકો પર ભાજપનો પરાજય થયો હતો. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં JMM ગઠબંધને આ પ્રદેશની ૧૪ વિધાનસભા બેઠકોમાંથી ૧૩ બેઠકો જીતી હતી. ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં કોલ્હન વિભાગમાં ભાજપના રઘુવર દાસ એકમાત્ર ઉમેદવાર હતા જે ૭૦ હજાર મતોથી જીત્યા હતા. ૨૦૧૯ની ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. રઘુબર દાસ પણ પોતાની સીટ બચાવી શક્યા ન હતા અને ભાજપના બળવાખોર સરયુ રાયે તેમને હરાવ્યા હતા. આ હાર પછી રઘુબર દાસ ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ ગયા અને આખરે તેમને ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

અર્જુન મુંડા ઝારખંડ ભાજપમાં પણ મોટા નેતા રહી ચૂક્યા છે. રાજ્યના મુખ્યમંત્રી હોવાની સાથે તેઓ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં કેબિનેટ મંત્રી પણ હતા, પરંતુ આ વખતે તેઓ લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. અર્જુન મુંડા પણ ઝારખંડ મુક્તિ મોરચામાંથી ભાજપમાં જોડાયા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે શું ચંપાઈ સોરેન ઝારખંડમાં ભાજપને ફરી સત્તામાં લાવી શકશે? ભાજપમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે? શું ભાજપ આ વખતે પણ બિનઆદિવાસી પર દાવ લગાવશે? કદાચ ભાજપ પાસે પણ આ ત્રણ પ્રશ્નોના જવાબ અત્યારે નહીં હોય. આ ત્રણ પ્રશ્નોના જવાબ મેળવવા માટે મતદાન પતી જાય તે પછી પરિણામોની રાહ જોવી પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top