SURAT

સિટીલાઈટ જીમ-સ્પા અગ્નિકાંડ : પોલીસ કોકડું ઉકેલે છે કે ગુંચવે છે?

સુરત: સિટીલાઈટ ખાતે શિવપૂજા બિલ્ડિંગમાં આગમાં બે યુવતીના મોતમાં હજુ સુધી પોલીસ મુખ્ય જવાબદારોને પકડી શકી નથી. ઢીલી તપાસ કરતી પોલીસે અત્યાર સુધી માત્ર સંચાલકોને જ બલીનો બકરો બનાવ્યા છે પરંતુ આ મિલકતના અગાઉના માલિક ભૂપેન્દ્ર પોપટ કે હાલના માલિક બિલ્ડર અનિલ રૂંગટાના નિવેદનો પોલીસ લઈ શકી નથી.

  • ઘટનાના દિવસો વીતવા છતાં પોલીસ ભૂપેન્દ્ર પોપટ કે અનિલ રૂંગટાનું નિવેદન નોંધી શકી નથી
  • શકમંદોની પૂછપરછમાં જ પોલીસ શંકાના દાયરામાં?

ઉમરા પોલીસ એવું કહીં રહી છે કે તેણે ભૂપેન્દ્ર પોપટને બોલાવ્યો છે. પરંતુ આજે મોડી રાત સુધી પોલીસ તેનું નિવેદન લઈ શકી નથી. બીજી તરફ ઉમરા પોલીસે હજુ સુધી બિલ્ડર અનિલ રૂંગટાનું પણ નિવેદન લીધું નથી. જો ઉમરા પોલીસ એ વિગતો મેળવે કે ભૂપત પોપટે આ મિલકત કયારે અનિલ રૂંગટાને વેચી હતી.

આ ઉપરાંત આ મિલકત ભાડા પટ્ટે આપવાનું જયારે શાહનવાઝને નિયત કરાયું ત્યારે તે ભાડા કરારની કોપી પોલીસ મેળવે, આ ઉપરાંત વર્ષ 2025 સુધીનું જીમનું ભાડું ભૂપત જાતે લઇ રહ્યા હતા કે તે અનિલ રૂંગટાને મળતું હતું ? મિલકતમાં જે રિનોવેશન થયું હતું તેની ફાયર નોટિસ એક વર્ષ પહેલા આપવામાં આવી હતી તો તે મામલે વાસ્તવમાં ભૂપત પોપટને જાણ હતી કે નહી ?

આ ઉપરાંત આ પ્રોજેકટમાં તેની જવાબદારી કેટલી આ માટેના તમામ દસ્તાવેજો ઉમરા પોલીસે મેળવવાની જરૂરીયાત છે. જો ઉમરા પોલીસ આ તમામ વિગતો મેળવી લેશે તો જવાબદાર આપોઆપ બહાર આવી જશે. જો કે આ પ્રોપર્ટી ભૂપત પોપટે અગાઉ જણાવ્યા મુજબ અનિલ રૂંગટાના નામે કરી દેવાઇ છે. તેમાં નાણાની લેતી દેતીમાં આ પ્રોપર્ટી આપી હોવાની કબૂલાત કરી છે.

ભૂપત પોપટને સમન્સ પાઠવવામાં આવ્યા પરંતુ અન્ય કોઇને નહીં
શહેરના સત્તાધીશો જાણે ભયાનક કરૂણાંતિકાની રાહ જોઇ રહ્યા છે. બે યુવતીના મોત અને ફાયર વિભાગની ગુનાહિત બેદરકારી સીધી દેખાય છે. આ મામલે અનિલ રૂંગટા જયારે ઓન રેકર્ડ પ્રોપર્ટી ઓનર હોવાની વાત ભૂપત પોપટ કરી રહ્યો છે. ભૂપત પોપટને ચોવીસ કલાકમા હાજર થવા સમન્સ પાઠવવામા આવ્યું છે પરંતુ ઉમરા પોલીસે હજુ સુધી અનિલ રૂંગટાને હાજર થવા કોઈ સમન્સ આપ્યું નથી તે અનેક આશંકાઓ ઉભી કરી રહ્યું છે. બીજી તરફ અનિલ રૂંગટાએ જણાવ્યું હતું કે તેઓ આગામી તા. 17 બાદ સુરત આવવવાના છે. અનિલ રૂંગટાએ જણાવ્યું હતું કે તેમને કોઇ સમન્સ પાઠવાયું નથી.

નબળો ધણી બૈરી પર શૂરો, આ છે પૂરાવા

  • ફાયર વિભાગ એક વર્ષ સુધી નોટિસ આપીને બેસી રહ્યું કોઇ કાર્યવાહી નહીં, આ મામલે પોલીસ મગનું નામ મરી પાડી રહી નથી.
  • આ આખા કાંડમા ગેરકાયદે બાંધકામ અઠવાઝોન સત્તાધીશોની હદમાં કરાયું ત્યારે આ અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવા કોઇ સંકેત નથી.
  • આ ઉપરાંત જો તક્ષશિલામાં મૂળ માલિકે તેની પ્રોપર્ટી પંદર વર્ષ પહેલા વેચી હતી તો પછી આ પ્રોપર્ટીમાં ઓન રેકર્ડ માલિક અને જૂના માલિક સામે શા માટે કોઇ કાર્યવાહી કરાઇ રહી નથી?

રાજકીય દબાણોની સામે પોલીસનું વલણ ઠંડુ હોવાની વાત
બે યુવતીઓના મોત બાદ એવું કહેવાય છે કે પોલીસે ૯ દિવસના રિમાન્ડ માંગ્યા પરંતુ કોર્ટે તે ગ્રાહ્ય રાખ્યા નથી. હવે પોલીસે આ મામલે વાસ્તવમાં નબળા આધાર રજૂ કર્યા છે કે પછી રાજકીય દબાણો આગળ પોલીસ નતમસ્તક થઇ ગઇ છે. ગેરકાયદે સ્પામાં બે યુવતી હોમાય અને પોલીસ રિમાન્ડ નહીં મેળવી શકી તો પછી પરદા પાછળ રાજકીય દબાણો ચર્ચામાં હોવાની વિગતો હાલમાં ચર્ચાઇ રહી છે. આ આખા મામલે જાણે મોટા માથાઓને બચાવી લેવાની પેરવીઓ થઇ રહી હોય તેવી ચર્ચાઓ છેડાઇ છે.

Most Popular

To Top