સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મોબાઈલ પર ધમકી મળ્યા બાદ શાહરૂખની ટીમે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળતા જ મુંબઈ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ધમકી મળ્યા બાદ શાહરૂખના ઘર મન્નતની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેતાને ધમકીનો ફોન આવ્યો છે. પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. હાલ મુંબઈ પોલીસે આ મામલાના ઉંડી તપાસ શરૂ કરી છે અને તે અંગે વધુ માહિતી મેળવવામાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે જે નંબર પરથી ફોન કોલ આવ્યો છે તે ફૈઝાન નામથી રજિસ્ટર્ડ છે.
બીજી તરફ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 308 (4), 351 (3) (4) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જે નંબર પરથી ધમકી આપવામાં આવી છે તે નંબર છત્તીસગઢના ફૈઝાન નામના વ્યક્તિના નામે નોંધાયેલ છે. નંબર ટ્રેસ થતાં જ મુંબઈ પોલીસ રાયપુર પહોંચી ગઈ હતી. મામલો 5મી નવેમ્બરનો હોવાનું કહેવાય છે.
ડીસીપીના જણાવ્યા અનુસાર બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા કોલરનો કોલ આવ્યો હતો. ધમકી આપતી વખતે ફોન કરનારે કહ્યું કે હું બેન્ડ સ્ટેન્ડના શાહરૂખ ખાનને મારી નાખીશ. જો મને 50 લાખ નહીં આપવામાં આવે તો હું શાહરૂખ ખાનને મારી નાખીશ. જ્યારે ફોન કરનારને તેનું નામ પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો કે મને કોઈ ફરક નથી પડતો, મારું નામ હિન્દુસ્તાની છે.
શાહરૂખને આ પહેલા પણ ધમકીઓ મળી ચુકી છે
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન હંમેશા અંડરવર્લ્ડના હિટ લિસ્ટમાં રહે છે. તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેમને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ ‘પઠાણ’ અને ‘જવાન’ ફિલ્મોની સફળતા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. અભિનેતાએ આ અંગે મહારાષ્ટ્ર પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તેને Y+ સુરક્ષા આપવામાં આવી હતી.
જણાવી દઈએ કે શાહરૂખ ખાને 2 નવેમ્બરે પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. દર વર્ષે તે પોતાના જન્મદિવસ પર ચાહકોને મળવા મન્નતની બાલ્કનીમાં આવે છે. જોકે આ વર્ષે શાહરૂખ સુરક્ષાના કારણોસર બાલ્કનીમાં આવ્યો ન હતો. જો કે જન્મદિવસની સાંજે લગભગ 6 વાગ્યે તે બાંદ્રાના રંગ મંદિર ઓડિટોરિયમમાં એક કાર્યક્રમનો ભાગ બન્યો હતો.