સુરત: સુરત મનપાના અધિકારીઓ દ્વારા કોઇ જાતની નોટિસ આપ્યા વગર રહેણાંક તોડી પાડ્યાની રીટ હાઇકોર્ટમાં સાધનાબેન બડગુજરે નામના અરજદારે કરી હતી. આ અરજી પરની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મૌના ભટ્ટે સુરત મ્યુનિ. કમિશનર તથા કોર્પોરેશનના અન્ય અધિકારીઓને નોટિસ ફટકારવાનો હુક્મ કર્યો છે. તેમજ વધુ સુનાવણી માટે 19મી નવેમ્બરનો દિવસ આપ્યો છે.
- ઉધના ઝોનના વડોદમાં વર્ષોથી રહેતાં પરિવારને ઘરની બહાર કાઢી, સામાન ફેંકી ઘરનું ડિમોલીશન કરી નાંખ્યું હતું
વિસ્તૃત વિગતો મુજબ ઉધના ઝોનમાં સમાવિષ્ટ વડોદની સત્યનારાયણ નગર સોસાયટીના પ્લોટ નં. 16, 17 ઉપર પાકું ઘર બાંધીને રહેતાં સાધનાબેન ઇશ્વરભાઇ બડગુજરે તેમના એડવોકેટ નિમિષ એમ. કાપડિયા મારફત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી રજૂઆત કરી હતી કે, તેઓ વડોદ વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટીમાં પોતાના પતિ અને એક દિવ્યાંગ સહીત બે બાળકો સાથે રહેતાં હતા.
વર્ષ 2021માં તેમણે બંને પ્લોટ બાંધકામ સહિત ખરીદીને એસ.એમ.સીના ટેક્સ બિલમાં પોતાના નામે ચઢાવેલા હતા. પાણી કનેક્શનની ફી ભરેલી, પોતે ઇલેક્ટ્રિસિટી કનેક્શન ધરાવતા હતા અને એક વર્ષ પહેલાં લગભગ 634 સ્કવેર ફિટનું રૂપિયા 9.5 લાખના ખર્ચે રિનોવેશન કરાવ્યું હતું. જે ઘરની હાલની કિંમત રૂપિયા ત્રીસ લાખ છે.
દરમિયાન અગાઉ કોઇ જાતની નોટિસ આપ્યા વગર 1લી ઓક્ટોબરના રોજ ઉધના ઝોનના અધિકારીએ પરિવારને ઘરની બહાર કાઢી સામાન ફેંકી દઇ ઘરનું ડિમોલિશન કર્યું હતું. તેથી અરજદારે પોલીસ ફરિયાદથી માંડીને વિવિધ સક્ષમ સત્તા સામે રજુઆત કરી હતી. પરંતુ કોઈ જવાબ ન મળવાથી તેમણે હાઇકોર્ટમાં ઉક્ત રિટ પિટિશન કરી મનપા દ્વારા તેનું ઘર ફરીથી બનાવી આપવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે તાકીદે પગલા ભરવા અને તમામ જવાબદાર અધિકારીઓ પાસેથી 45 લાખનું વળતર પણ માંગ્યું છે.
આ કેસની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટિસ મૌના ભટ્ટે સુરત મ્યુનિસિપલ કમિશ્નર તથા ઉપરોક્ત અધિકારીઓ વિરુદ્ધ નોટિસ કાઢી કેસની વધુ સુનાવણી 19મી નવેમ્બરે રાખી છે.