મનોજકુમારની ફિલ્મોમાં એકથી વધુ પાત્રો હોય અને બધાં જ જાનદાર હોય. ‘રોટી કપડાં ઔર મકાન’°બનાવી ત્યારે તો મોટા સફળ નિર્માતા-દિગ્દર્શક બની ચૂકયા હતા એટલે તેમાં મનોજકુમાર ઉપરાંત શશી કપૂર, અમિતાભ બચ્ચન છે. ઝિન્નત અમાન અને મૌસમી ચેટરજી છે અને પ્રેમનાથ અરુણા ઇરાની છે. મનોજકુમાર બ્રેન્ડની ફિલ્મોમાં દેશભક્તિ તો હોય જ પણ સાથે તેઓ પ્રેમત્રિકોણ પણ હંમેશા રચતાં. મનોજકુમાર હંમેશા મધ્યમવર્ગીય સમસ્યાવાળા હોય પણ ઊંચાં સ્વપ્ન સાચાં કરવાની મથામણમાં હોય. આવા પાત્ર પ્રત્યે પ્રેક્ષકને સહાનુભૂતિ જાગે જ. આ ફિલ્મમાં પણ તે ત્રણ ભાઈમાં મોટો ભાઈ છે અને પિતા રિટાયર થતાં ઘરની આર્થિક જવાબદારી તેના માથે આવી જાય છે. ભારત (મનોજકુમાર)ના બે નાનાભાઈ વિજય (અમિતાભ બચ્ચન) અને દીપક (ધીરજકુમાર) કોલેજ કરી રહ્યા છે. તેને ચંપા (મીના ટી.) નામની બહેન પણ છે, પરણવાની ઉંમરમાં છે. ભારત આમ તો કોલેજ ગ્રેજ્યુએટ છે પણ નોકરી નથી, ગાયક તરીકે તે થોડી કમાણી કરી લે છે પણ તે અપૂરતી છે. શીતલ (ઝિન્નત અમાન) સાથે તેને પ્રેમ છે પણ શીતલ એ વાત હતાશ છે કે ભારત વધુ કમાતો નથી.
ભારત પોતે હતાશ છે અને હારેલો છે અને સંજોગોમાં તેની સામે જવા માંડે છે. નાનોભાઈ વિજય અપરાધની દુનિયામાં ચાલી જાય છે. ભરતને આ બિલકુલ મંજૂર નથી.આખર લાંબી દલીલ પછી તે સેનામાં ભરતી થવા માટે ઘર છોડી દે છે. બીજી તરફ ભારતની પ્રેમિકાએ પણ જીવન તો આગળ જીવવાનું છે એટલે તે મોહનબાબુ (શશીકપૂર)ની ઓફિસમાં અંગત સેક્રેટરી તરીકે કામ કરવા માંડે છે.આ કામ દરમ્યાન તે મોહન તરફ આકર્ષાય છે અને આ આકર્ષણનું કારણ મોહન પાસે જ ખૂબ પૈસો છે તે છે. તે ભારતને પ્રેમ તો કરે છે પણ ગરીબીમાં જીવવા નથી માંગતી. (તેરી દો ટકિયા કી નૌકરી મેં મેરા લાખોં કા સાવન જાયે. હાય હાય યે મજબૂરી). ભારતને પણ એક બિલ્ડરને ત્યાં નોકરી મળે છે પણ જે જમીન પર બિલ્ડિંગ બની રહ્યું છે તે જમીન સરકાર લઇ લે છે.ભારત ફરી નોકરી વિનાનો થઇ જાય છે. પ્રેમિકાને તો ગુમાવી છે અને આ દુ:ખમાં વધારો કરવા જ ઇશ્વરે ગોઠવ્યું હોય તેમ પિતા પણ ગુમાવે છે. તે હતાશ થઇ પિતાની ચિતા પર જ પોતાને મળેલી ડિગ્રી સળગાવી દે છે. (ઓર નહીં બસ ઓર નહીં ગમ કે પ્યાલે ઓર નહીં, દિલ મેં જગા નહીં બાકી રોક નજર તેરી સાકી)
ભારત કરે તો શું કરે? ખૂબ સંઘર્ષ કરે તો પણ રોટી, કપડાં અને મકાનનાં ઠેકાણાં નથી. પોતાના કહેવાય તે છૂટી રહ્યા છે. બહેનનાં લગ્નનું નક્કી થવામાં છે પણ ભારત પાસે બહેનને પરણાવવાના પૈસા નથી એટલે લગ્ન પણ અટકી જાય છે. એવામાં તેને એક તુલસી (મૌસમી ચેટરજી) નામની ગરીબ યુવતી મળે છે અને તેના મળ્યા પછી તે શાંતિ અનુભવે છે. તેને સરદાર હરનામસિંહ (પ્રેમનાથ) નામનો મિત્ર પણ છે જે ભારતને મદદ કરવા કાંઇ પણ કરવા માટે તૈયાર છે.
તુલસી જ્યારે બદમાશો વચ્ચે ફસાઈ ગયેલી ત્યારે હરનામે જ મદદ કરીને બચાવેલી. પણ ભારતની મુસીબતો હજુ પણ ઘટી નથી. નેકીરામ (મદનપુરી) નામનો એક ભ્રષ્ટ ધંધા કરનારો ભારતને ખોટા, ગેરરીતિવાળા ધંધામાં લગાડી દે છે અને ભારતને થાય છે કે પૈસા આવશે તો પોતાના કુટુંબને સારી જગ્યાએ લઇ જશે. પણ ભારત તો રાષ્ટ્રપ્રેમી છે. નીતિમાં માને છે. તે શું નેકીરામના ધંધામાં રહી શકે? આખર તે પોતાની નૈતિકતા જાળવી રાખે છે અને અંત બદલાઈ જાય છે.
નિર્માતા દિગ્દર્શક –લેખ મનોજકુમારે આખી ફિલ્મને મનોરંજક બનાવવાના પ્રયત્ન સાથે રાષ્ટ્રપ્રેમી તરીકેની ઇમેજ પણ જાળવાનો પૂરો પ્રયત્ન કર્યો છે.થોડું તાલમેલિયું લાગે તો પણ ઘટનાક્રમો, સારા ડાયલોગ અને લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતને કારણે ફિલ્મ ગમે છે. સંતોષ આનંદે લખેલું ‘મેં ના ભૂલુંગા, મેં ના ભૂલુંગી’ ગીત તો આજે પણ લોકપ્રિય છે અને તે ઉપરાંત ‘હાય હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દૂરી (વર્મા મલિક) પંડિતજી મેરે મરને કે બાદ, ઓર નહીં બસ ઔર નહીં, મહેંગાઈ માર ગઇ સહિતનાં ગીતો ફિલ્મને મઝાની બનાવે છે. 1974ની ફિલ્મ છે એટલે ‘ઝંઝીર’ રજૂ થયા પછીના વર્ષની ફિલ્મ છે અને અમિતાભનું નામ આ ફિલ્મમાં પણ વિજય છે. એટલે લોકો મનોજકુમાર,અમિતાભ, શશી કપૂર, ઝિન્નત અમાન, મૌસમીને આ ફિલ્મમાં જોઈ શકે છે. મનોજકુમારનું પાત્ર હંમેશા ટ્રેજેડીમાં જ હોય ‘ઉપકાર’ ‘પૂરબ ઔર પશ્ચિમ’ કે ‘શોર’. આ ફિલ્મમાં પણ એવું છે છતાં એ ટ્રેજેડી સાથે પ્રણયત્રિકોણ, સગપણનાં સુખ-દુ:ખ, દેશનાં અપરાધી તત્ત્વો, સરહદની ચિંતા અને સામાન્ય માણસની માનવતા તેઓ સરસ રીતે ઉમેરી શકે છે.આ ફિલ્મ 18 ઓકટોબર 1974માં રજૂ થયેલી અને ખૂબ સફળ રહેલી. ‘ઉપકાર’ ફિલ્મ તેમણે ‘જય જવાન જય કિસાન’ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ આપેલા સૂત્ર પર બનાવેલી તો આ ફિલ્મ ઇન્દિરા ગાંધીના કાર્યક્રમ સૂત આધારિત છે. 1974માં આ ફિલ્મે સૌથી વધુ કમાણી કરેલી અને તેના પછી ‘પ્રેમનગર’, ‘રોટી’, ‘દોસ્ત’, ‘ચોર મચાયે શોર’ ફિલ્મો રહેલી. એ વર્ષે અમિતાભની આ ‘રોટી, કપડાં ઔર મકાન’ ઉપરાંત ‘મજબૂર’, ‘કસૌટી’, ‘બેનામ’ રજૂ થયેલી. દિલીપકુમારની ‘સગીના’ રજૂ થયેલી અને રાજેશ ખન્નાની ‘રોટી’ ઉપરાંત ‘આપ કી કસમ’, ‘અજનબી’ રજૂ થયેલી. સંજીવકુમારની મસ્ત કોમેડી ફિલ્મ ‘મનચલી’ પણ આ વર્ષની છે. પણ રોટી, કપડાં ઔર મકાન’ની કમાણી ટોપ પર રહેલી. •
મનોજકુમારની ‘રોટી, કપડાં ઔર મકાન’માં મનોરંજનનો ભરપૂર મસાલો હતો
By
Posted on