બિમલરોય જેવા ફિલ્મસર્જકને યાદ કરો તો થાય કે તેઓ ન હોત, મહેબુબખાન, રાજકપૂર, ગુરુદત્ત, બી. આર.ચોપરા કે આસિફ, ઋષિકેશ મુખરજી વગેરે ન હોત તો આજે સિનમાના જે સુવર્ણયુગની વાત કરીએ છીએ તે કરી ન શકતા હોત. તેઓ પૂરેપૂરા ફિલ્મના માણસ પણ ફિલ્મવાળાઓને હોય તેવી ખોટી આદતોથી મુક્ત રહ્યા. તેમના શિષ્યો ઋષિકેશ મુખરજી, ગુલઝારમાં પણ જોવા મળ્યા. બિમલદાને સિગરેટ પીધા વિના ચાલતું ન હતું.પણ ‘દેવદાસ’ બનાવનાર આ દિગ્દર્શક -નિર્માતાએ કયારેય દારૂને હાથ ન લગાડયો. જુદી જુદી ભાષા સહિત ‘દેવદાસ’ વીસ વાર બની હશે પણ બિમલરોયની સર્વોત્તમ છે. ગુલઝારે ધર્મેન્દ્ર, હેમામાલિનીને લઇ ‘દેવદાસ’ની યોજના બનાવી પણ આગળ નહોતી વધારી કારણકે તેઓ સજી ગયા હતા કે ગુરુની શ્રેષ્ઠતાને આંબવી મુશ્કેલ પડશે.
બિમલરોયને યાદ કરો તો ‘દો બીઘા જમીન’ ‘બંદિની’ ‘સુજાતા’ અને ‘દેવદાસ’ તરત યાદ આવે અને ‘મધુમતી’ ‘યહુદી’ની સ્મૃતિ પણ જાગે. જુદા જુદા વિષય પ્રમાણે જુદી ટ્રીટમેન્ટ અને બધી જ ફિલ્મમાં સંગીતનું ઊંચું સ્તર. સચિનદેવ બર્મન અને સલીલ ચૌધરી તેમના મનપસંદ સંગીતકાર શંકર-જયકિશનને પણ સ્થાન છે. ‘ઉદયયેર પાર્થે’ (હિન્દીમાં ‘હમરાહી’) ફિલ્મથી શરૂઆત થઇ અને જે ફિલ્મ બનાવવાની તૈયારી દરમ્યાન મૃત્યુ આવી ગયું તે હતી સમરેશ બસુની નવલકથાનું ફિલ્મ રૂપ જેમાં કુંભમેળામાં અમૃતની શોધ માટે જતાં ભારતીય મનની કથા કહે છે. તેમની ‘હમરાહી’ ફિલ્મનો આધાર લઇને પ્રમોદ ચક્રવર્તીએ ધર્મેન્દ્ર, હેમામાલિની, પ્રાણને લઇ ‘નયા જમાના’ બનાવેલી. ‘બંદિની’ અને ‘સુજાતા’ની કે ‘દો બીંઘાં જમીન’ની રિમેક કોઇ ન બનાવી શકે. સ્ત્રીના મનના એકાંતના પ્રેમના પવિત્ર તત્ત્વને આ ફિલ્મમાં જે રીતે તેમણે રજૂ કર્યું તે બીજા ન કરી શકે.‘દેવદાસ’માં એવા પુરુષની વાત છે જેણે પારોનો જ પ્રેમ પામવો હતો ને ન પામી શક્યો તો જીવનને રઝળાવી કાઢયું. નષ્ટ કરી નાંખ્યું. ‘જેના પ્રેમથી હું જીવન અનુભવું તે પ્રેમ જ ન મળે તો ધિક્કાર છે આ મને મળેલા શરીરને, ખતમ કરો તેને એવો ભાવ દિલીપકુમારના પાત્રમાં બિમલ રોયે જીવંત કર્યો. અસ્પૃશ્યતાની વાત ‘સુજાતા’માં હૃદયદાહક પ્રસંગ અને પ્રેમથી પ્રગટ કરી. નૂતનના જીવનની બે ઉત્તમ તક ભૂમિકા તે ‘બંદિની’ની કલ્યાણી અને ‘સુજાતા’ની સુજાતા. પણ ‘બિરાજ બહુ’ પણ તેમની જ ફિલ્મ છે જે શરદબાબુની નવલકથા પરથી જ બનેલી અને કામિની કૌશલ, અભિ ભટ્ટાચાર્ય એ ફિલ્મમાં હતા. અરે, શરદબાબુની જ નવલકથા પરથી તેમણે ‘પરિણીતા’ પણ બનાવેલી, જેમાં મીનાકુમારી-અશોકકુમાર હતાં અને એ ફિલ્મના નિર્માતા અશોકકુમાર હતા. વર્ષો પછી એ ફિલ્મની રિમેક બની તે પણ એવી જ પ્રેક્ષક પસંદ બની.
સાહિત્યકૃતિ પરથી ફિલ્મો બનાવવી સરળ નથી. જરાસંઘ નામના બંગાળના લેખક કે જે મૂળ જેલર હતા અને જેલનાં કેદીઓનાં અપરાધનાં સંઘર્ષ-મંથન તેમણે માનવીય ભૂમિકાએ આલેખેલા. ‘બંદિની’ તેમાંની જ એક સ્ત્રી અપરાધની કથા હતી. જે જરાસંઘ ‘તામસી’ નામે લખી હતી. ફિલ્મ જોતાં આપણા મનમાં નૂતનના અશોકકુમાર માટેના પ્રેમ પ્રત્યે જે ભાવ જાગે છે તે અધ્યાત્મ તરફ દોરવે તેવો છે. સાહિત્યકૃતિનું રૂપાંતરણ તેઓ ઉત્તમ કરી શકતા એટલે જ શરદબાબુની ત્રણ નવલકથા પરથી ફિલ્મ બનાવી. તેમણે હંમેશ ઉત્તમ સાહિત્ય કૃતિનો આધાર લીધો છે. ‘હમરાહી’ નો આધાર જયોતિર્મય રોયની વાર્તા હતી. ‘અંજારગઢ’ ફિલ્મ સુબોધ ઘોષની વાર્તા પરથી બનેલી ‘મંત્રમુગ્ધ’ (બંગાળી) નો આધાર બનફૂલની વાર્તા છે. ‘દો વીંઘા જમીન’ સલીલ ચૌધરીની વાર્તા અને ઋષિકેશ મુખરજીની પટકથા આધારે બનેલી. ‘પરિણીતા’ ‘બિરાજબહુ’ ‘દેવદાસ’ની વાત તો કરી. ‘નોકરી’ ફિલ્મ સુબોધ ઘોષની વાર્તા, ‘મધુમતી’ ઋત્વિક ઘટકની વાર્તા-પટકથા, ‘યહુદી’ આગા જાની કાશ્મીરીની વાર્તા, ‘સુજાતા’ સુબોધ ઘોષની વાર્તા ‘પરખ’ સલીલ ચૌધરીની વાર્તા પરથી બની છે.
બિમલદાનું અંગત જીવન પણ રસપ્રદ છે. તેમના કુટુંબનાં સભ્યો લંપટ અને દારૂડિયા તરીકે જાણીતાં હતાં. બિમલદાએ દારૂ ન પીધો. પણ સિગરેટ તો ફેફસાંનું કેન્સર થયું તો પણ છોડી નહોતી. રાત્રે બધા સૂઇ ગયા હોય ત્યારે તેઓ જાગી જતાં અને આરામથી સિગરેટ પીતાં. મૃત્યુ સામે હતું અને તેઓ સિગરેટનાં કશમાં લીન હતા. બિમલદા પિતા તરીકે કેવા હતા તેનો એક પરિચય તેમની દીકરી રિંકી બાસુ ભટ્ટાચાર્યના પ્રેમમાં પડી ત્યારે થાય છે. બાસુ ભટ્ટાચાર્ય બિમલદાના સહાયક હતા અને બિમલદાને આ લગ્ન મંજૂર નહોતા એટલે રિંકી બાસુએ શૈલેન્દ્રની મદદથી લગ્ન કરેલા. બિમલદાના ગમતા ગીતકાર શૈલેન્દ્ર હતા અને તેથી તેઓ શૈલેન્દ્ર પ્રત્યે નારાજ થઇ ગયેલા. એ શૈલેન્દ્રે તો પોતાના વડે નિર્મિત એક માત્ર ફિલ્મ ‘તિસરી કસમ’નું દિગ્દર્શન પણ બાસુ ભટ્ટાચાર્યને સોંપલું. જો કે રિંકી-બાસુ ભટ્ટાચાર્યનો લગ્ન સંબંધ તૂટી ગયો ત્યારે સમજાયું કે બિમલદાની સંબંધની અને વ્યકિતની પરખ યોગ્ય હતી. બિમલરોયને કુંભમેળાનો વિષય ખૂબ પ્રિય હતો. બિમલરોય પ્રોડકશનનું પ્રતીક ચિહ્ન મુંબઇના રાજાબાઇ ટાવરની ઘડિયાળ હતું. સમય શું છે તે તેઓ સતત સમજતા રહ્યા. કુંભમેળામાં જનારો ભારતીય માણસ એક સાથે વિતેલા સમયને અને આવનારા સમયને પણ અનુભવે છે. મૂળ નવલકથા અત્યંત દળદાર હતી. બિમલદા એ વાંચતા ગયા અને જે જે વાત પટકથામાં લાવવાની હોય ત્યાં ટાંકણી સાથે કાપલી લગાડતા ગયા. કાપલી એટલી બધી થઇ ગયેલી કે પુસ્તક આખું ફાટી જાય એમ હતું. બિમલ રાય ખૂબ ઝીણવટથી નવલકથાને પકડતા એટલે જ ‘બંદિની ‘સુજાતા’ અને દેવદાસ’ બની છે. છેલ્લી ફિલ્મ ન બની અને પછી કોઇ ન બનાવી શક્યું. બિમલ રોયની કલ્પના સાકાર કરવા બિમલરોય જોઇએ તે ક્યાંથી લાવવા? •
