સુરત: રાજ્યમાં સતત આગની હોનારતો થતી હોવા છતાં પણ સરકારી તંત્રની બેદરકારીને કારણે આવી ઘટનાઓ બંધ થઈ નથી. સુરતમાં લાભપાંચમના દિવસે જ પોશ વિસ્તાર મનાતા સિટીલાઇટ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓફિસની સામે જ શિવપૂજા અભિષેક બિલ્ડિંગમાં ફોર્ચ્યુન બેંકવેટ હોલની ઉપર બિલ્ડીંગના ટોપ ફલોર પર ચાલતા જીમ અને સ્પા એન્ડ સલુનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ગુંગળામણથી બે યુવતીના મોત થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં ફાયરની 10 ગાડીઓ સાથે અધિકારીઓએ દોડી જઈને બે કલાકની જહેમતે આગને કાબુમાં લીધી હતી. સ્પામાં કામ કરતી બંને યુવતી આગથી બચવા માટે બાથરૂમમાં દોડી ગઈ હતી અને શાવર ચાલુ કરી દીધો હતો પરંતુ આગનો ધુમાડો એટલો પ્રબળ હતો કે ગુંગળામણથી બંને યુવતીના મોત થઈ ગયા હતા.
જે બે યુવતીના મોત થયા તે સિક્કમની હતી તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બંને યુવતી અલીષા અને મનીષા નામથી સ્પામાં ઓળખાતી હતી પરંતુ બે પૈકી એકનું આધાર કાર્ડ મળી આવ્યું હોય તેમાં તેનું નામ બેનુ હંગમા લીંબુ હોવાનું અને તે 40 વર્ષની હોવાનું અને બીજી યુવતીનું નામ મનીષા રોય હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિસ્તૃત વિગત પ્રમાણે આગની ઘટનામાં શિવપૂજા અભિષેક બિલ્ડિંગમાં ટોપ ફલોર પર ચાલતા સનસિટી જીમ અને અમુતિયા સ્પા એન્ડ સલુનમાં લાગી હતી. આ મોલની ઇમારત સાડા ત્રણ માળની છે, જેના ટોપ ફલોર પર સનસિટી જીમ છે. જીમવાળી જગ્યામાં ડબલ હાઇટથી સ્લેબ લઇને અંદરથી દાદર બનાવી ઉપર અમૃતિયા સ્પા એન્ડ સલુન ચાલે છે. શોર્ટ સર્કિટને કારણે પહેલા જીમમાં આગ લાગ્યા બાદ આગનો ધુમાડો જીમમાં જ અંદર માળ લઇને બનાવેલા સ્પા અને સલુન સુધી પહોંચ્યો હતો.
જ્યારે આગ લાગી ત્યારે સ્પામાં ચાર યુવતી અને એક હાઉસકીપર હાજર હતા. જે પૈકી ત્રણ યુવતીઓ બહારની તરફ ભાગી હતી. જેથી તે બચી ગઈ હતી. જ્યારે અન્ય બે યુવતી ગભરાઈને દાદર પર ચડીને સ્પા માટે ઉપરની સાઈડે બનાવવામાં આવેલા રૂમોમાં દોડી ગઈ હતી અને દરવાજો બંધ કરી દીધો હતો. દરમિયાન ધુમાડો રૂમમાં પણ પ્રસરવા માંડતા બન્ને યુવતીઓ રૂમના વોશરૂમમાં ચાલી ગઇ હતી અને કાચનો દરવાજો બંધ કરી દીધો હતો પરંતુ ધુમાડો ત્યાં પણ ફેલાઇ જતા બન્ને યુવતીઓ ગુંગળાઇને મોતને ભેટી હતી. ફાયરના જવાનોએ તેને મહામહેનતે કાચનો દરવાજો તોડીને બહાર કાઢી હતી પરંતુ ત્યાં સુધીમાં બંનેનું મોત થઈ ચૂક્યું હતું.
મોતને ભેટનારી બે યુવતી પૈકી એકનો આજે નોકરીનો પ્રથમ જ દિવસ હતો
આગની દુર્ઘટનામાં મોતને ભેટલી બે યુવતીઓ બાબતે એક ચોંકાવનારી વિગત મળી હતી કે, મનીષા પુર્ણ બદ્ર દમાઇ નામની જે યુવતી આગમાં ફસાયા બાદ ગુંગણામણથી મોતને ભેટી તે 15 દિવસ પહેલા જ અમુતિયા સ્પા એન્ડ સલુનમાં નોકરી પર લાગી હતી. જયારે બીજી યુવતી બીનુ હાંગ્મા લીમ્બુનો તો આજે નોકરીનો પહેલો દિવસ જ હતો. બંને હતભાગી યુવતીઓ પશ્ચિમ સિક્કીમથી રોજીરોટી માટે સુરત આવી હતી પરંતુ કાળનો કોળિયો બની ગઇ હતી.
જીમ બંધ હતું પરંતુ લાભપાંચનું મુહુર્ત સાચવવા સાફ સફાઇ માટે ખોલ્યું હતું
જ્યાં આગ લાગી હતી તે સનસિટી જીમ હાલમાં વેકેશનને કારણે બંધ હતું. પરંતુ આજે લાભપાંચમ નિમિત્તે તે ચાલુ કરવાનું હોવાથી તેને સફાઈ માટે ખોલવામાં આવ્યું હતું. જોકે, શોર્ટ સર્કિટથી આગ લાગી અને ધુમાડો ઉપર અમૃતિયા સ્પા એન્ડ સુલન સુધી ફેલાયા હતા અને ઉપર ફસાયેલી બે યુવતીઓના મોત થયા હતા.
મને ધુમાડો દેખાયો એટલે તુરંત ફાયર કંટ્રોલમાં ફોન કર્યો : ફસ્ટ પર્સન આકાશ જયસવાલ
જીમ અને સ્પામાં આગ લાગવા બાબતે ફાયર કંટ્રોલમાં જાણ કરનાર આકાશ જયસવાલ નામના યુવાને મીડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું પોણા સાત વાગ્યાની આસપાસ અહી મારા મિત્ર આવવાની રાહ જોઈ રહ્યો હતો ત્યારે કંઈક સળગ્યું હોય એવી સ્મેલ આવી રહી હતી.
દરમિયાન અચાનક મારી નજર ઉપર ગઇ તો ફોર્ચ્યુન બેંકવેટ હોલની ઉપર જીમમાંથી નિકળતા ધુમાડા દેખાયા હતા. હું દોડીને ત્યાં ગયો ત્યારે જાણવા મળ્યું કે, આગ લાગી છે. અને કોઇ ફસાયેલું છે તેથી મે તુરંત ફાયર વિભાગ અને 108માં ફોન કરીને ઘટના અંગે જાણ કરી હતી.
જીમ અને સ્પાના માલીક તેમજ બચી જનાર ત્રણ યુવતીઓને પોલીસ લઇ ગઇ
જયાં આગ લાગી હતી તે જીમના માલિક સાનુવાસ મીત્રી અને વસીમ ચૌહાણ છે. જયારે સ્પા અને સલુનના માલીક દિલશાન ખાન છે. આગની ઘટનામાં બચી જનાર ત્રણ યુવતીઓના નામ જયુસેલા સંગતમ થરકયુસી અને થસરોલા છોતકસમીંગ અને અમી અવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગની ઘટનાને પગલે સ્પા અને જીમના માલીકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમને પોલીસ પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. અને મોડી રાત સુધી પુછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આગનો મામલો રફે-દફે કરવા જીમ સંચાલકના ઉધામાની ચર્ચા
આગની દુર્ઘટનામાં બે યુવતીઓના મોત બાદ જીમ અને સ્પા સંચાલકોને પોલીસ લઇ ગઇ હતી. જો કે એવી પણ ચર્ચા ઉઠી હતી કે મામલો રફે દફે કરવા માટે જીમ અને સ્પાના સંચાલકો, બિલ્ડર અને તેના મળતીયાઓ દ્વારા ઉધામા શરૂ થયા હતા. રાજકીય વગ વાપરીને આ મામલામાં અકસ્માત ગુનો દાખલ થાય અને તમામ લોકો બચી જાય તેવા પ્રયાસો થઇ રહ્યા હોવાની પણ ચર્ચા ઉઠી હતી.
ઓગષ્ટમાં ફાયર એનઓસી રિન્યુ માટેની નોટિસ અપાયા બાદ તપાસ જ કરાઈ નહોતી
આ ઘટનામાં ફાયર વિભાગની બેદરકારી વધુ એક વખત બહાર આવી છે. જ્યાં આગ લાગી તે શિવપૂજા અભિષેક બિલ્ડિંગમાં ત્રીજા માળે દોઢી હાઇટના સ્લેબ લઇને બનાવેલા માળમાં સનસિટી જીમ ચાલતું હતું. આ જીમમાં ગત ઓગષ્ટ માસમાં એટલે કે, રાજકોટની દુર્ઘટના બાદ ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે તેની ફાયર એનઓસીની ડેટ પુરી થઇ ચૂકી હોવાથી એનઓસી રિન્યુ કરવા માટે નોટિસ પાઠવાઇ હતી પરંતુ ત્યાર બાદ શું થયું? ફાયર સેફ્ટીના નિયમોનો અમલ કરીને એનઓસી રિન્યુ કરવામાં આવી કે કેમ? તેની ફાયરના અધિકારીઓને કોઈ જાણ જ નથી.
ફાયર એનઓસી મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે : મેયર માવાણી
ઘટના સ્થળે દોડી ગયેલા મેયર દક્ષેશ માવાણીએ દુર્ઘટના મુદ્દે દુ:ખ વ્યકત કર્યુ હતું અને જણાવ્યું હતું કે, ફાયર એનઓસી રિન્યુ કરવા માટે મનપાના ફાયર વિભાગે નોટીસ ફટકારી હતી. ફાયર એનઓસી સરકારી એજન્સી રિન્યુ કરે છે. પરંતુ તેનું પાલન થયું છે કે નહી તે તપાસવાની જવાબદારી સુરત મનપાના ફાયર વિભાગની છે, તેથી આ ઘટનામાં જે અધિકારીની જવાબદારી બનતી હશે. તેની સામે કાર્યવાહી કરી દાખલો બેસાડાશે.
તક્ષશિલા જેવા ગેરકાયદે બાંધકામમાં જિમ-સ્પા ધમધમતું હતું
શહેરમાં આગની દુર્ઘટનામાં બે યુવતીઓના મોત સાથે ફરી એકવાર 22 નિદોર્ષ ભુલકાઓનો ભોગ લેનાર વરાછાના તક્ષશિલા કાંડની યાદ અપાવી દીધી છે. સીટી લાઇટના શીવપુજા અભિષેકમાં લાગેલી આગ અને મોતનો આંકડો તક્ષશિલાની સરખામણીએ ભલે નાનો હોય પણ આ બન્ને ઘટનામાં સુરત મનપાના તંત્રવાહકોની બેદરકારી તો સરખી જ હોવાનું જણાઇ રહયું છે.
જેમ તક્ષશિલા કોમ્પલેક્ષમાં પણ ડબલ ઊંચાઇએ સ્લેબ લઇ ટયુશન કલાસીસની અંદરથી જ દાદર બનાવી ઉપરનો માળ લીધો હતો, જેમાં આગ લાગતા ફસાઇ ગયેલા 22 ભુલકાઓના મોત થયા હતા. તેમ શીવપુજા અભિષેકમાં ચાલતા સનસિટી જીમમાં પણ અંદરથી માળ બનાવી એક જ દાદર અવર-જવર માટે રખાયો હતો અને ઉપરના માળે 10થી વધુ રૂમો બનાવી સ્પા ચાલતું હતું, રૂમોમાં કાચના દરવાજા બનાવી વોશરૂમ પણ બનાવાયા હતા, જે શંકાસ્પદ છે.
વળી ઇમરજન્સી ઉભી થાય તો બચીને જવા માટે અન્ય કોઇ દાદર નથી. મનપાએ ફાયર એનઓસી રિન્યુ કરાવવા નોટીસ આપી હતી ત્યારબાદ કોઇ તપાસ કરી નહોતી, સુરતની દુર્ધટના બાદ આ પ્રકારે દુકાનોની અંદર માળીયા બનાવી દેનારા વેપારીઓ પર તવાઇ આવી હતી અને ડબલ હાઇટના સ્લેબમાં આ રીતે બનેલા માળો સામે પણ કાર્યવાહી થઇ હતી. તો આ જગ્યાએ કેમ હજુ સ્પા ચાલતું હતું ? રાજકોટની દુર્ધટના બાદ ફાયર એનઓસી અને બીયુસી મામલે જે ચેકિંગ અભિયાન ચાલ્યું ત્યારે કેમ સબંધિત અધિકારીઓના ધ્યાનમાં ના આવ્યું? વગેરે તપાસનો વિષય અને શંકાના વમળો ઉભા કરે છે.