SURAT

સુરતના બે યુવાનના સાંબા ગામે અંબિકા નદીમાં ડૂબી જતાં મોત

અનાવલ: મહુવાના સાંબા ગામે અંબિકા નદીમાં નાહવા ગયેલા બે યુવાન પાણીમાં ડૂબી જતાં મોતને ભેટતાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. બે મિત્રો રોશન પટેલ તથા વિરલ ખલાસી ખેતીકામ માટે સાંબા ગામે ગયા હતા. બામણીયા ભૂત મંદિરે દર્શન કર્યા બાદ તેઓ નદીમાં નાહવા પડ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

સુરત શહેરના રૂદરપુરાની લાપસીવાલા ચાલ, નાનપુરા મુકામે રહેતા બે મિત્ર રોશન સુભાષ પટેલ તથા વિરલ કિશોર ખલાસી સાંબા ગામે તેમના મામાને ત્યાં ખેતીના કામકાજ માટે આવ્યા હતા. ખેતીના કામકાજ બાદ બપોરે તેમના કુટુંબી ભાઈ સાથે બંને જણા સાંબા ગામે આવેલી અંબિકા નદી પારના બામણીયા ભૂત મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પાછા ફરતા સમયે તેઓ નદીમાં નાહવા પડ્યા હતા. નાહીને બહાર નીકળતા સમયે બંને પૈકીના એક યુવકનો પગ લપસી જતાં તે નદીના પાણીના ઊંડા ખાડામાં ડૂબી ગયો હતો. તેને બચાવવા જતાં અન્ય યુવક પણ પાણીમાં ઊતરતાં તે પણ ઊંડા વહેણમાં તણાયો હતો.

બંને યુવક અંબિકા નદીના પાણીમાં ગરકાવ થતાં ભારે હોહા વચ્ચે સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં શોધખોળ ચાલુ કરી હતી. પણ નદીમાં ડૂબનાર બંને યુવાનની કોઈ ભાળ ન મળતાં ઘટના અંગે બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરાતાં ઘટના સ્થળે પહોંચેલી બારડોલી ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયોએ ભેગા મળી ગણતરીના કલાકોમાં નદીમાં ડૂબનાર રોશન પટેલ (ઉં.વ.27) અને વિરલ ખલાસી (ઉં.વ.35)નો મૃતદેહ શોધી કાઢ્યો હતો. મહુવા પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે આવી બંને યુવકની લાશનો કબજો લઈ તેમના સંબંધીઓને જાણ કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. બંને યુવકના નદીના વહેણમાં ડૂબીને મોત થતાં પરિવારજનોના આક્રંદને લઈ ઘટના સ્થળનું વાતાવરણ ગમગીન બની ગયું હતું.

Most Popular

To Top