Gujarat

અમરેલીમાં સાત વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી

ગાંધીનગર: અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં ખાલસા કંથારિયા ગામે સિંહણે સાત વર્ષની બાળકીને ઉપાડી જઈ ફાડી ખાધી હતી. વન વિભાગે આખી રાત કામગીરી કરી વહેલી સવારે નરભક્ષી સિંહણને પાંજરે પૂરી હતી.

જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારિયા ગામે સિંહણ દ્વારા હુમલો થયો હતો. સિંહણે આ હુમલો ત્યારે કર્યો હતો જ્યારે સાત વર્ષની બાળકી કીર્તિ મનોજ ધાપા ખેતરમાંથી ઘરે પરત ફરી રહી હતી. સિંહણ સાત વર્ષની બાળકી ઉપર હુમલો કરી ખેતરમાં ખેંચી ગઈ હતી અને ખેતરમાં બાળકીને ફાડી ખાધી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી અને ભારે શોધખોળ બાદ બાળકીનાં પગ જેવાં અવશેષો હાથ લાગ્યાં હતાં.

ગ્રામજનોએ આ વાતની જાણ વનવિભાગને પણ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ધારાસભ્ય અને સ્થાનિક લોકોએ બાળકીના બાકીનાં અવશેષોની શોધખોળ ચાલુ રાખી હતી.
બીજી તરફ નરભક્ષી સિંહણને શોધવા માટે વનવિભાગે પણ કવાયત શરૂ કરી હતી. વન વિભાગે આખી રાત કામગીરી કરી વહેલી સવારે નરભક્ષી સિંહણને પાંજરે પૂરી હતી. જાફરાબાદ પંથકમાં 15 દિવસની અંદર સિંહ દ્વારા હુમલાની આ બીજી ઘટના બની છે. અગાઉ અમરેલીના ખાંભાના ગીદરડી ગામે સિંહે એક માલધારી યુવક પર હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. મળતી વિગતો મુજબ ખાંભાના ગીદરડી ગામે એક માલધારી પશુ ચરાવતો હતો. એ સમયે સિંહે આવીને વાછરડી પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાથી વાછરડીને બચાવવા ગયેલા માલધારી યુવક પર સિંહે હુમલો કર્યો હતો.

Most Popular

To Top