રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું અને રશિયા – યુક્રેન યુદ્ધ શરૂ થયું તેને અઢી વર્ષ કરતા વધુ સમય થઇ ગયો છે અને હજી આ યુદ્ધ વધતી ઓછી તીવ્રતા સાથે ચાલુ જ છે ત્યારે હાલમાં આ યુદ્ધમાં એક નવો જ વળાંક આવ્યો છે અને તે એ કે રશિયાના ઝનૂની મિત્ર દેશ એવા ઉત્તર કોરિયાએ રશિયામાં લડવા માટે પોતાના હજારો સૈનિકોને મોકલ્યા છે. એક માહિતી એવી હતી કે ઉત્તર કોરિયાએ ઘણી મોટી સંખ્યામાં પોતાના સૈનિકોને રશિયામાં યુક્રેન સામે લડવા માટે મોકલ્યા છે.
હવે હાલમાં અમેરિકાના લશ્કરી મુખ્યાલયે આંકડો આપ્યો છે કે ઉત્તર કોરિયાએ દસ હજાર જેટલા સૈનિકોને રશિયામાં લડવા માટે મોકલ્યા છે. ઉત્તર કોરિયાએ યુક્રેનમાં રશિયા સાથે મળીને લડવા માટે દસ હજાર જેટલા સૈનિકો મોકલ્યા છે જે આગામી ઘણા સપ્તાહો દરમ્યાન લડી શકે છે એ મુજબ અમેરિકી લશ્કરી વડામથક પેન્ટાગોને જણાવ્યું છે. અમેરિકાનુ ગુપ્તચર તંત્ર ઘણુ મજબૂત છે અને તેની માહિતી મોટે ભાગે ઘણી સચોટ હોય છે અને તે જોતા પેન્ટાગોને આપેલી આ માહિતી સાચી જ હશે એમ માની લઇએ. અને ઉત્તર કોરિયાના દસ હજાર સૈનિકો રશિયાની મદદે આવે તે બાબત થોડી અચરજપ્રેરક પણ અને થોડી ચિંતાજનક પણ છે.
અમેરિકાએ તો એટલે સુધી કહ્યું છે કે રશિયામાં સૈનિકો મોકલવાના ઉત્તર કોરિયાના પગલાથી ઇન્ડો-પેસેફિક પ્રદેશમાં પણ સુરક્ષાલક્ષી અસરો સર્જાશે. પેન્ટાગોનના પ્રવકતા સબરીના સિંહે જણાવ્યું છે કે આ સૈનિકોને યુક્રેન નજીક ખસેડવામાં આવ્યા છે. અમને વધતા જતા પ્રમાણમાં એ બાબતની ચિંતા થાય છે કે રશિયા આ કોરિયન સૈનિકોનો ઉપયોગ રશિયાના કુર્સ્ક પ્રદેશમાં યુક્રેનિયન દળો સામે કરી શકે છે એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિને જાહેરમાં ચેતવણી આપી જ છે કે જો ઉત્તર કોરીયાના સૈનિકોનો ઉપયોગ યુદ્ધ ભૂમિમાં થશે તો તેમને પણ યુદ્ધમાં શત્રુ ગણવામાં આવશે અને કાયદેસરના લક્ષ્ય તરીકે ગણવામાં આવશે અને તેમનો ઉપયોગ ઇન્ડો-પેસેફિક પ્રદેશમાં પણ સુરક્ષા પર ગંભીર અસર કરશે.
જો અમે ઉત્તર કોરિયન સૈનિકોને સરહદ તરફ આગળ વધતા જોઇશું તેમને સહ શત્રુઓ ગણવામાં આવશે આ બાબતની ગણતરી ઉત્તર કોરિયાએ કરી લેવી જોઇએ એમ પેન્ટાગોનના આ ભારતીય મૂળના પ્રવકતાએ અમેરિકી સંરક્ષણ મંત્રીને ટાંકતા કહ્યું હતું. અમેરિકાના સંરક્ષણ મંત્રીની ચેતવણી બિલકુલ યોગ્ય છે. જો ઉત્તર કોરિયા પોતાના સૈનિકો રશિયામાં મોકલે તો સ્વાભાવિક રીતે યુક્રેન અને તેના સાથી દેશો આ સૈનિકોને શત્રુ સૈનિકો તરીકે જ જુએ અને તેમને પણ લક્ષ્ય બનાવે. આ બાબતે ઉત્તર કોરિયા તકરાર કરે તે ચાલી શકે નહીં. બીજી બાજુ , નાટોએ પણ એ વાતને સમર્થન આપ્યું છે કે યુક્રેન સામેની લડાઇમાં રશિયાને મદદ કરવા માટે ઉત્તર કોરિયાએ રશિયાના કુર્સ્ક પ્રદેશમાં પોતાના સૈનિકો મોકલ્યા છે.
હું એ વાતને સમર્થન આપી શકુ઼ છું કે ઉત્તર કોરિયન સૈનિકોને રશિયા મોકલવામાં આવ્યા છે અને ઉત્તર કોરિયન લશ્કરી એકમોને કુર્સ્ક પ્રદેશમાં તૈનાત કરવામાં આવ્યા છે એ મુજબ નાટોના મહામંત્રી માર્ક રટ્ટે પત્રકારોને જણાવ્યું હતું. ઉત્તર કોરિયાએ કયા સોદા કે કરાર હેઠળ પોતાના સૈનિકો રશિયાની મદદ માટે મોકલ્યા છે તે હજી જાણવા મળતું નથી પણ આમ કરીને તેણે ચિંતાઓ તો ઉભી કરી જ દીધી છે કારણ કે જો યુક્રેન કોરિયન સૈનિકોને નિશાન બનાવે તો ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં ઉત્તર કોરિયાના ભેજાગેપ સરમુખત્યાર કિમ જોંગ યુક્રેનના ટેકેદાર દેશોના હિતોને નુકસાન પહોંચાડે અને તેમાંથી મોટો ભડકો થાય તેવો ભય રહે છે.
રશિયાએ ઉત્તર કોરિયાના સૈનિકોની મદદ લીધી તે બાબતે ફરી એક વાર રશિયાની નબળાઇ છતી કરી દીધી છે. મહાસત્તા ગણાતા રશિયા પાસે પૂરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સૈનિકો નથી? એવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે. અમેરિકા ફક્ત પોતાના જ સૈનિકોના જોરે વિશ્વમાં અનેક સ્થળે થાણાઓ ધરાવે છે અને પોતાના મિત્ર દેશોની વહારે પણ ધસી જાય છે જ્યારે એક યુક્રેન સામે લડવા માટે પણ રશિaયાએ અન્ય દેશોના કે ભાડૂતી સૈનિકોની મદદ લેવી પડે છે. શરૂઆતમાં રશિયાએ ચેચેન લડવૈયાઓની મદદ લીધી, પછી યેવજેની પ્રિગોઝીને તૈયાર કરેલા ખાનગી લશ્કરની મદદ લીધી અને હવે ઉત્તર કોરિયાના સૈનિકોની મદદ લીધી છે. આ બધી જ બાબતો રશિયાની નબળાઇ છતી કરનારી છે.