Charchapatra

રસોડું, ઔષધ અને ઉપચાર

આરોગ્યમય જીવન માટે ઘણાં પરિબળો જવાબદાર છે, જેમાં પ્રથમ છે આહાર. રોગપ્રતિકારકશક્તિ વધારવા માટેનું સ્થળ તે રસોડું  એમ કહી શકાય. રસોડામાં વિવિધ મસાલા ઉપલબ્ધ હોય છે, જે તાત્કાલિક સારવાર માટે ઉપયોગી છે. આપણે ત્યાં “પહેલું સુખ તે જાતે નર્યા “ તેવી કહેવત છે. આજનો માનવી સારું આરોગ્ય બાબતે ઘણો બેદરકાર છે. રોગ થાય ત્યારે સારવાર કરવી તેથી ઉત્તમ રોગ ન થાય તેમ વર્તવું અતિ ઉત્તમ છે. આદિકાળથી આપણા સમાજમાં આયુર્વેદિક ઔષધોનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. રોજબરોજના આહારમાં અને ખાસ કરીને ગુજરાતી આહારમાં કઠોળ, અનાજ, શાકભાજી, ફળ, કંદમૂળ, દૂધ અને તેની બનાવટો, તેલ-ઘી, ખાંડ-ગોળ, મસાલા અને પ્રવાહી વગેરે સમપ્રમાણ હોય તે જરૂરી છે.

રસોડામાં પોષણયુક્ત, સમતોલ અને સ્વાદિષ્ટ રસોઈ બને અને ભોજન માટે સરસ થાળી પીરસવી એ આગવી કલા છે. ભોજન કરવાની કળા પણ શીખવા જેવી છે. શાકભાજી અને વિવિધ મસાલાના વપરાશથી સમતોલ આહાર બને છે. આપણા રસોડામાં વપરાતાં વિવિધ મસાલાના દ્રવ્યોનો ઉલ્લેખ આયુર્વેદમાં વિસ્તારપૂર્વક કરવામાં આવેલ છે. આ ઔષધ દ્રવ્યોનો પ્રયોગ આપણી ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી થતો આવેલ છે. પરિણામે પરિવારને સ્વસ્થ બનાવી શકાય છે.  વાઘની જેમ મોં ફાડીને ઊભેલો પ્રશ્ન, આ મસાલાઓ, આહારમાં ભેળસેળ, નકલી હોય તો? સ્વાસ્થ્ય બગડે અને ગંભીર રોગના ભોગ બની શકીએ.
નવસારી           – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દિવાળી નથી આવવાની!
ચર્ચાપત્રોનો પ્રભાવ અદ્દભુત હોય છે. વિચારકો, ચિંતકો, લેખકોના અભ્યાસનો નિચોડ અવતરણોમાં અંકિત હોય છે. પતિ-પત્નીના વાર્તાલાપમાંથી પણ નીપજે. પતિ કહે દિવાળી નથી આવવાની! પત્ની ચિડાઈને બોલ્યા, દેખાતું નથી, બજારોમાં ભીડ, પ્રજાની તૈયારી, મેં ત્રણ દિવસ ઘર ચોકખું કરવામાં કાઢયા ને તમે…… ફરીથી કહુ છું દિવાળી નથી આવવાની. માથાફોડ સપરમા દિવસે બંધ કરવા પત્નીએ મૌન લીધું. કાળીચૌદસનો દિવસ. સાંજે જતાં જતાં કામવાળી કહી ગઇ. હું પાંચ દિવસ નથી આવવાની. સાંભળી પતિ જીતના નશામાં ડૂબી ગયા. કેમ, મેં કહ્યું હતું ને દિવાળી નથી આવવાની, કામવાળીનું નામ હતું દિવાળી.’ લોંગફેલોએ નોંધ્યું છે. ભવિષ્ય ગમે તેટલું સોનેરી દેખાતું હોય, પરંતુ તેમાં વિશ્વાસ ન રાખવો, મન મક્કમ કરી ઉત્સાહપૂર્વક વર્તમાનકાળમાં સતત કાર્યશીલ રહેવું.’
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top