ખેરગામ : પુરુષોની અર્થ વ્યવસ્થાવાળી આ દુનિયામાં સ્ત્રી આજે પણ એક રમકડું બનીને રહી ગઈ હોય એવી અનેક ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે કાયદાને માત્ર મજાક સમજનારા સામે દાખલો બેસે એવી કામગીરી જરૂરી છે, પરંતુ સાત ફેરા લઈ સુખી લગ્નજીવનના સપના બતાવનારા જ સંજોગો સામે લાચાર થઈ જાય ત્યારે એક સ્ત્રીએ કેટકેટલી વિટંબણામાંથી પસાર થવું પડે છે, એવો જ એક દર્દનાક કિસ્સો સ્ત્રીઓની સુરક્ષાના દાવા કરનારાઓના ગાલ પર એક તમાચો છે.
ખેરગામની એક મહિલાના પતિને લકવો મારી જતાં આર્થિક ભીંસમાં મુકાઈ હતી. બે બાળકો અને પતિનું ભરણ પોષણ કરી શકે એ માટે મહિલા ચીખલી તરફ રોજગારની શોધમાં ગઈ હતી. રોજિંદા બસમાં અવરજવર કરતી, દરમિયાન તેની સાથે ટાઇલ્સ ફિટિંગનો કોન્ટ્રાક્ટર કમ વેપાર સાથે સંકળાયેલા વેપારી સાથે પરિચય થયો. મજબૂરીમાં મહિલાએ નાનું-મોટું કામ સ્વીકારી લીધું. પરંતુ નિયતમાં ખોટ ધરાવતા આ કામુક વેપારીએ રૂમમાં કપડાં ધોવા અને વાસણ ઘસવાના નામે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત ધમકી આપી હતી કે, જો તેં આ વાત કોઈને કરી છે તો તારા પતિને જાણ કરી દઈશ. આમને આમ ત્રણ વર્ષ સુધી મહિલાનું શિયળ લૂંટતો રહ્યો, નરાધમ વેપારીના પાપે મહિલા ત્રણવાર પ્રેગ્નેટ થઈ હતી. પરંતુ ત્રણેયવાર ગર્ભપાતની ગોળી આપી વેપારીએ પોતાનું પાપ છુપાવી લીધું હતું. દરમિયાન ચોથીવાર પણ મહિલા પ્રેગ્નેટ થઈ હતી. આ કોન્ટ્રાક્ટર કમ વેપારીએ મહિલાને ટેબ્લેટ લઈને ગર્ભપાત કરાવવા કહ્યું તો મહિલાએ ના પાડી દીધી હતી.
વેપારીના મિત્ર અને મિત્રની પત્નીએ ગાળો આપી ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. ઉપરાંત મહિલા વિરુદ્ધ ચીખલી પોલીસ મથકમાં અરજી કરી હતી. વાત અહીંથી ન અટકતા દોષ જાણે લાચાર મહિલાનો જ હોય તેમ ચીખલી પોલીસ મથક લઈ ગયા હતા. જ્યાં કોન્ટ્રાક્ટર કમ વેપારીના મિત્રએ પણ વેપારીનું ઉપરાણું લઈને અણછાજતું વર્તન કર્યું હતું. ત્યારે જિંદગી સામે લડે કે કાયદા સામે એવી વિમાસણમાં મુકાયેલી મહિલાએ ખેરગામ પોલીસને એક અરજી કરીને જણાવ્યું હતું કે, સાહેબ, મારી પાસે આ સ્થિતિમાં હવે મરવા સિવાય કોઈ રસ્તો નથી. આપને મારી વિનંતી છે કે સામેવાળા સામે કાયદેસર કાર્યવાહી કરો. આ બાબતે ખેરગામ પોલીસે ભોગ બનનાર મહિલાનું નિવેદન લઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું હાલ જાણવા મળ્યું હતું.