સુરત : હીરા, બાંધકામ અને કેમિકલ ઉદ્યોગની મંદી વચ્ચે પુષ્ય નક્ષત્રનાં શુભ મુહૂર્તમાં સોનાં ચાંદીનો સારો વેપાર થયો હોવાનો દાવો કરનાર સુરતનાં 4 મોટા ગજાના જ્વેલર્સ ગ્રુપના 8 સ્થળે તપાસનો ધમધમાટ શરૂ થતાં ધનતેરસની ઘરાકીના સમયે જ્વેલર્સને ત્યાં નાસભાગ મચી હતી. પાર્લે પોઇન્ટ, ઘોડદૌડ રોડ અને ભાગળ સ્થિત જ્વેલર્સને ત્યાં ધનતેરસે SGST વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ કરતાં શહેર ભરના મોટા જ્વેલર્સે બે ત્રણ કલાક ડિલિવરી અટકાવી નિયમિત ગ્રાહકોને તેઓ ફોન કરે પછી આવવા જણાવ્યું હતું.
સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર કલામંદિર જ્વેલર્સ, બિશન દયાળ જ્વેલર્સ, દાગીના જ્વેલર્સ, નાકરાણી જ્વેલર્સ અને મહાવીર જ્વેલર્સ સહિત અનેક જ્વેલર્સના ત્યાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. ધનતેરસ જેવા તહેવારના દિવસે અધિકારીઓ રેડ કરવા પહોંચતા જ્વેલર્સ અકળાયા હતા. ઘરાકી વચ્ચે રેડને પગલે હેરાન પરેશાન થઈ ગયા હતા.
- સુરતમાં 4 મોટા ગજાના જ્વેલર્સ ગ્રુપના 8 સ્થળે SGSTના દરોડા
- પાર્લે પોઇન્ટ, ઘોડદોરોડ અને ભાગળ સ્થિત જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન
- સવારે સોનાં ચાંદીની ડિલિવરી લેવા આવેલા ગ્રાહકો GSTના દરોડા ભાળી ભાગી છૂટ્યા
મંગળવારે ધનતેરસની સવારે સોનાં ચાંદીની ડિલિવરી લેવા ગ્રાહકો આવ્યા ત્યારે જ GST વિભાગ ત્રાટકતા રોકડ રકમ લઈ આવેલા ગ્રાહકોમાં ભાગદૌડ મચી હતી. બે લાખથી વધુ રોકડ રકમ લઈ આવેલા ગ્રાહકો ખરીદી કર્યા વિના જતાં રહ્યાં હતાં. સોનાનાં વેચાણ પર 3 ટકા અને દાગીનાના મેકિંગ ચાર્જ પર 18 ટકા જીએસટી દર લાગુ પડે છે.
ધનતેરસના જ દિવસે જ એસજીએસટી વિભાગે જ્વેલર્સને સાણસામાં લીધા લેતા જ્વેલરી ઉદ્યોગમાં સોંપો પડી ગયો છે. સાધારણ રીતે જીએસટી વિભાગ દિવાળીની સિઝનમાં સર્ચ અને સર્વેની કામગીરી કરતું નથી. પણ સુરતનાં મોટા ગજાના જ્વેલર્સ વેચાણ કવોન્ટિટી સામે ઓછો ટેકસ રિટર્નમાં દર્શાવતા હોવાની શંકાના આધારે તપાસ કરવામાં આવી છે.
SGST વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ તહેવારો અને લગ્નસરાની સિઝન પૂર્વે જ્વેલર્સ દ્વારા સોનાનાં વધતા ભાવ વચ્ચે ગોલ્ડનો મોટો સ્ટોક કરવામાં આવતા દશેરા અને પુષ્ય નક્ષત્ર પછી ધનતેરસની ખરીદી વખતે જ જીએસટી વિભાગે ત્રાટકી સિઝનમાં આખા વેપારના ડિજીટલ રેકર્ડ અને ચોપડાઓ જપ્ત કરી લીધા હતાં. તહેવારના દિવસોમાં વેપારીઓએ જમાં કરેલો સ્ટોક ચોપડે દર્શાવ્યો છે કે, કેમ એની તપાસ થઈ રહી છે.
4 જ્વેલર્સ ગ્રુપના 8 સ્થળોએ સર્ચ કાર્યવાહી પછી અન્ય જ્વેલર્સે દરોડાના ભયે શોરૂમમાંથી હાઇ વેલ્યુ આઇટમો સલામત સ્થળે ખસેડી લીધી હતી. જોકે આ સર્ચ ઓપરેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી એસજીએસટી વિભાગનાં અધિકારીઓએ કોઈપણ માહિતી આપવા ઈનકાર કર્યો હતો. કરોડોનો સ્ટોક વેપારીઓએ ભેગો કર્યો છે, પણ મોટાભાગનો સ્ટોક ચોપડે દર્શાવ્યો નથી.
સર્ચ ઓપરેશન પાછળનું એક કારણ દાણચોરીનું સોનું ક્યાં જાય છે, એ શોધવાનું પણ હોઈ શકે
સુરતમાં સોનાની દાણચોરીનું પ્રમાણ વધ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય રેવન્યુ એજન્સી સીધી કાર્યવાહી ન કરી શકે એવી સ્થિતિમાં દાણચોરીનું સોનું ક્યાં જાય છે, એ શોધવા જીએસટી વિભાગની મદદ લેવામાં આવી રહી છે. દાણચોરીનું સોનુ ક્યાં જાય છે, એજન્સીઓ એ શોધવા માંગે છે.
ડીઆરઆઇ અને ક્સ્ટમ વિભાગ દ્વારા સુરતમાં છેલ્લા એક વર્ષમાં 33 કરોડની કિંમતનું સોનું પકડી પાડવામાં આવ્યું હતું. કેટલીક ઇકો સેલ પોલીસે પણ પકડ્યું હતું. એ જોતાં ઘણું સોનું એજન્સીઓની નજર ચૂકવી ગયું હોઈ શકે છે. એના ખરીદનારા કે મંગાવનારા કોણ છે, એનું મૂળ શોધવા મોટા જ્વેલર્સને ત્યાં સર્ચ કરવામાં આવ્યું છે. GST વિભાગ પાસે મેકીંગ ચાર્જની અને ગોલ્ડ સેલ સામે ટેકસ વસુલાતની હથિયાર હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.