પ્રકૃતિએ માનવને સ્વસ્થ રહેવા શરીરરૂપી સાધન સાથે પાંચ ઈન્દ્રિયની વ્યવસ્થા જોડી આપી છે. મનુષ્ય ધારે તો પ્રાણ (ઓક્સીજન)ના અતિ સંચયથી મસ્તિષ્કમાં રહેલ બહુહેતુક યાદદાસ્તને છઠ્ઠી ઈન્દ્રિય તરીકે કાર્યાન્વિત કરી શકે છે. આ ઈન્દ્રિયો (રિસિવર તરીકે) માણસને સુખી રાખે છે અને મનુષ્ય પ્રયત્ન કરી સુખ જાળવી રાખે છે ત્યારે મસ્તિષ્કનાં ન્યુરોન્સ તેને જીન્સની યાદદાસ્તમાં તબદિલ કરતાં સુખની સ્થિતિ આનંદ નામે કાયમી સ્થિતિમાં રૂપાંતર પામે છે.
ઘ્રાણેન્દ્રિયના દ્વારે નાક, દૃષ્ય અને શ્રાવ્ય માટે આંખ-કાન તેમજ શરીરના બાહ્ય ભાગે સ્પર્શેન્દ્રિયથી માહિતીની આપ-લે કરતાં લાલ અને સફેદ લોહી ધરાવતા પૃથ્વી ઉપરનાં ૮૦-૮૫% જીવ મૂળભૂત રીતે સમાન છે. પરંતુ માહિતીના સંકલન માટેનું બે ભાગમાં વિકસિત મસ્તિષ્ક અને મધ્ય ભાગમાં કોર્ટ કેસના પ્રાકૃતિક આવિષ્કારથી પૃથ્વી ઉપર માણસ નામે એક પ્રાણી બહુઆયામી સ્થાપિત થયું. એટલું જ નહીં પણ પૃથ્વી ઉપર લગભગ ચાર કરોડ વર્ષથી વિકસિત જીવોમાં માનવ જાતે માત્ર ૨૮૦૦૦ વર્ષમાં પોતાની બુદ્ધિમતાનો પરિચય આપતા ઈન્દ્રિય સુખ અને આનંદના સાતત્યમાં નોંધનીય વિકાસ સાધ્યો છે.
સમય જતાં જૂથમાં રહેતા માનવ સમુદાયે બળશાળી અને જોખમ ખેડવાની વ્યૂહરચના ધરાવતા વ્યક્તિને સમાજનું નેતૃત્વ સોંપતા કાળક્રમે રાજા તરીકે એક નવો વર્ગ સ્વીકૃતિ પામ્યો. જંગલના કાયદાઓ માફક શરીર સંપત્તિથી સમૃદ્ધ વ્યક્તિ ગણો ને નેતા બનતાં તેની અનુકંપા ઉપર જીવવાનું પસંદ કરનાર કેટલાક માણસો રાજાની ભલાઈથી વિકસ્યા. ભાટ, ચારણ જેવા વીગણો એ રાજાની વાહવાઈ વિસ્તારી તે સામાજિક પરિવર્તનના પડાવે રાજાએ શસ્ત્ર અને સત્તાના જોરે પોતાને પરમ શક્તિના વારસદાર રૂપે ઠોકી બેસાડયા. ધર્મનું વહન કરતા સમુદાયે રાજયાશ્રય સ્વીકાર્યો આથી તો રાજા પૃથ્વીનું કેન્દ્ર બની કેઠા રોમન અને આર્ય સંસ્કૃતિમાં તેમ બાયબલ અને કુરાનમાં તેનાં ભરપૂર ઉદાહરણ છે.
રાજવી પોતે સૂર્ય રૂપે ઈશ્વરનો વારસદાર છે અને કુદરતના કાયદાઓ રાજાની ઈચ્છાથી વરતે છે તેવું પ્રમાણ ભારતીય દર્શનમાં પણ ઉપલબ્ધ છે. આગળ જતાં આ પરિસ્થિતિ સાંસ્કૃતિક પરિવર્તન સાથે જોડાતા ભારતમાં શંકરાચાર્યજીએ મુંડક ઉપનિષદમાં મનુષ્ય અવતારને જ પૃથ્વી ઉપર શ્રેષ્ઠ પુણ્યનાં પરિણામ તરીકે ઘોષિત કર્યું. આધુનિક યુગમાં માનવતાવાદી જૂથે ઉત્કૃષ્ટ બાયો ઈન્જીનિયરીંગ ધરાવતા માણસની સ્વાતંત્ર્યનું મહિમાગાન ગાયું અને બીજા વિશ્વયુદ્ધ પછી યુનોના ચાર્ટર્ડમાં માનવ અધિકારને પ્રચલિત કરવામાં આવ્યો.
જનમોજનમનાં પુણ્યથી માણસ તરીકે અવતાર મળે છે. તેવી ધાર્મિક અવધારણા અને ઈશ્વરની વિશેષ અનુકંપાથી મનુષ્ય અને તેના અસ્તિત્વને જાળવી રાખવું તે રાજયની પ્રાથમિક્તા બને છે તેવી રાજય નીતિ બનતાં કાયદાકીય રીતે માણસની મરજીથી પોતાના અસ્તિત્વના નાશને ગુનો ગણવાનો રિવાજ દુનિયાના લગભગ તમામ દેશોએ બંધારણીય રીતે આજે અપનાવી લીધો છે. લોકશાહી વ્યવસ્થા અપનાવનાર દેશોએ પણ રાજાને ચૂંટવો તે પ્રજાની પવિત્ર ફરજ ગણી. તો રાજા કાયદો અને ન્યાયના ટેકે પ્રજાનું રક્ષણ કરવા માટે હંમેશા તત્પર રહેવાનું છે તેવી અવધારણા વિકસાવવામાં આવી.
પરંતુ અહીં પ્રશ્ન એ ઊઠે છે કે શરીર રૂપે મનુષ્યની અનિવાર્ય હયાતીના તત્ત્વજ્ઞાનમાં પ્રાકૃતિક સત્યની હાજરી શાથી એક તરફ કરવામાં આવે છે? અસ્તિત્વનો કુદરતી ખ્યાલ તે એવો છે કે પૃથ્વી ઉપરનાં તમામ જીવો માટે જન્મ આકસ્મિક છે. તેમાં પસંદગીનો કોઈ અવકાશ જ નથી. તેમ મૃત્યુ પણ સહજ છે. એક જ સપ્તાહનું જીવન ચક્ર ધરાવતા મચ્છરો પણ ૮-૧૨ દિવસમાં ઈડામાંથી લારવા અને પાંખવાળા પુખ્ત મચ્છર તરીકે વંશવૃદ્ધિની પ્રક્રિયા પૂરી કરી જમીનમાં ભળી જાય છે. પ્રક્રિયા તરીકે આ જ હકીકત ૫૦૦ વર્ષનું આયુષ્ય ભોગવતા કાચબાની વિવિધ પ્રજાતિઓમાં આકાર લે છે.
તો સ્ત્રી માનવનાં ઈંડાને પુરુષ ફલિત કરે છે. ૯ માસની પ્રક્રિયા થકી વિકસિત મનુષ્યનો પ્રસવ થાય છે અને ૭૫-૧૦૦ વરસે માનવ આકારનો જીવ નાશ પામે છે. અહીં અસ્તિત્વ ના હોવા કે નાશ પામવાની પ્રક્રિયાને કંઈ વિશેષ મહત્ત્વ આપવાની જરૂરત જ નથી અને અસ્તિત્વના આગ્રહભર્યા સ્વીકારનો ખ્યાલ પૃથ્વી ઉપર માત્ર ૩% સંખ્યાબળ ધરાવતા મનુષ્ય સિવાય કોઈએ અપનાવ્યો જ નથી!!! આ ભૂમિકા આધારે પ્રશ્ન છે કે “જીવન એ વ્યક્તિનો સ્વતંત્ર અધિકાર છે તો મૃત્યુ શા માટે નહી’’? બૌધ્ધ અને જૈન ધર્મની પરંપરામાં મૃત્યુ સહજ રીતે સ્વીકાર્ય અને વ્યક્તિની નિજી પસંદગી સાથે તેનું ટકાવપણું જોડાયું છે તે રાય શા માટે આત્મહત્યાને ગુનો ગણે છે?
કાયદાની દૃષ્ટિએ બળજબરીથી અન્યને મોતને ઘાટે ઉતારનારા અને વ્યક્તિગત પસંદગી દ્વારા મૃત્યુ પસંદ કરનારનો ભેદ અલગ કરવાનું કપરું છે. આમ છતાં આધુનિક સમાજમાં વ્યક્તિ સ્વાતંત્ર્યને બહુમૂલ્ય ગણનાર વિચારકોને અસાધ્ય માંદગી, શરીરનાં અંગ-ઉપાંગ ખોયાની સ્થિતિ, અ-સામાન્ય આર્થિક સંકડામણ, પારિવારિક કંકાસ પ્રકારે જીવનનાં સુખ અને આનંદ સ્વરૂપને ખોઈ બેસનાર માણસને શરીરમાં વિદ્યમાન ઓરાનાં આકલન દ્વારા મૃત્યુ પામવાની સ્વતંત્રતા આપવી જોઈએ. જન્મ એ સ્વતંત્ર અને સ્વૈચ્છિક છે તો મૃત્યુ પણ સ્વતંત્ર અને સ્વૈચ્છિક હોવું ઘટે. માણસનો જન્મ પુણ્ય, પાપ નથી તો સ્વેચ્છાથી શ્વાસ અને હૃદયમાં વીજ સંચારનો અંત પાપ નથી..
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.