ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝા યુદ્ધનું મેદાન બની રહ્યું છે. ઈઝરાયેલે ગાઝામાં ફરી એકવાર મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલે મંગળવારે વહેલી સવારે ઉત્તર ગાઝામાં પાંચ માળની ઇમારત પર હુમલો કર્યો હતો. ગાઝા પટ્ટીના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વિસ્થાપિત લોકોને આશ્રય આપતી ઇમારત પર ઇઝરાયેલના હુમલામાં મૃત્યુઆંક વધીને 60 થયો છે. મંત્રાલયના ફિલ્ડ હોસ્પિટલ વિભાગના ડાયરેક્ટર ડૉ. મારવાન અલ-હમ્સે એક ન્યૂઝ કોન્ફરન્સમાં મંગળવારના હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અન્ય 17 લોકો ગુમ છે.
આ હુમલો ઈઝરાયેલની સરહદ પાસે ઉત્તરીય શહેર બેત લાહિયામાં થયો હતો જ્યાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી ઈઝરાયેલનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું કે હુમલામાં અન્ય 20 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલની સેનાએ આ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. ગાઝામાં પેલેસ્ટિનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું છે કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે વર્ષોથી ચાલેલા યુદ્ધમાં 43,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.
આ દરમિયાન હમાસ વિરુદ્ધ યુદ્ધ લડી રહેલી ઈઝરાયેલની સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલી દળોએ ઉત્તરી ગાઝામાં કમાલ અદવાન હોસ્પિટલ પર દરોડા દરમિયાન લગભગ 100 શંકાસ્પદ હમાસ આતંકવાદીઓને પકડી લીધા છે. આમાં તે આતંકવાદીઓ પણ સામેલ છે જેમણે નાગરિકોને બહાર કાઢવા દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સેનાને હોસ્પિટલની અંદરથી હથિયારો, આતંકવાદી ભંડોળ અને ગુપ્તચર દસ્તાવેજો મળ્યા છે.