અમદાવાદ : રાજ્યના સરકારી વિભાગની બેદરકારી, ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ શ્રમિકો જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય ના શ્રમ વિભાગના ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી અને હેલ્થના આંકડા મુજબ ૫ વર્ષ માં ફેક્ટરી દુર્ઘટના માં 992 શ્રમિકો એ જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્ય માં વર્ષ 2018 થી વર્ષ 2022માં સૌથી વધુ મૃત્યુ સુરતમાં થયાં છે. સુરત જિલ્લામાં પાંચ વર્ષમાં 155 શ્રમિકના ફેક્ટરી દુર્ઘટનામાં મોત થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં પાંચ વર્ષ 126 શ્રમિકો એ ફેક્ટરી અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે અને વલસાડ જિલ્લા માં 92 શ્રમિકો એ ફેક્ટરી અકસ્માતથી જીવ ગુમાવ્યા છે, તેવું પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ હતું.
પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ નારોલ ફેક્ટરીમાં ગેસગળતરની બનેલી ઘટના માં બે લોકોએ જીવ ગુમાવ્યા, અને 4 શ્રમિકો ની ગંભીર પરિસ્થિતિ છે. થોડાક સમય પહેલા કચ્છ, વડોદરામાં ફેક્ટરી અકસ્માતના કિસ્સામાં નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્ય માં વર્ષ 2021 સુધી હેઝાર્ડસ વેસ્ટ પ્રોડ્યુસ કરતી 20,433 ફેકટરી છે ત્યારે ગુજરાત અને ગુજરાતની જનતાનો જીવ જોખમ માં મુકાય રહ્યો છે ગુજરાત રાજ્યનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સરકારી કર્મીઓના રહેમ હેઠળ ખુલ્લેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં પર્યાવરણના નિયમોનો ભંગ કરીને ગુજરાત ની જનતાના જીવ જોખમમાં મુકાય રહ્યા છે. જોખમી પદાર્થ ઉત્પાદન કરતી ફેક્ટરીમાં તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવે અને ગુજરાત રાજ્યમાં પર્યાવરણના નિયમ ભંગ કરતી ફેક્ટરીઓ અને ઉદ્યોગો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ત્વરિત માંગ છે.