IPS હસમુખ પટેલ વધુ એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સરકારે તેમને મોટી જવાબદારી સોંપી છે. હસમુખ પટેલને GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) ના નવા ચેરમેન બનાવ્યા છે. રાજ્ય સરકારના સમાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો આદેશ જાહેર કર્યો હતો. IPS કેડરના અધિકારી હસમુખ પટેલ હવે GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ પણ સંભાળશે.
ગુજરાત જાહેર સેવા કમિશન (GPSC)ના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને સરકારે IPS હસમુખ પટેલને ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી છે. જણાવી દઈએ કે 2016થી 2022 સુધી GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ દિનેશ દાસાએ સંભાળ્યો હતો. જોકે તેમની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું, જેથી આ ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો હતો.
IPS હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પણ છે. તેઓને ઓગસ્ટ 2023માં આ જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા નવા પોલીસ ભરતી બોર્ડની રચના કર્યા બાદ હસમુખ પટેલ તેના પ્રથમ અધ્યક્ષ છે. આ ભરતી બોર્ડે પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજી હતી. હવે હસમુખ પટેલ જાહેર સેવા કમિશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. જણાવી દઈએ કે DIG, IGP તરીકે સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યૂરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવી ચુકેલા તેમજ વર્ષ 2018થી ADGP હસમુખ પટેલ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.