જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના એક વાહનને નિશાન બનાવ્યું અને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. સુરક્ષા દળો હાલમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. બીજી તરફ હુમલા દરમિયાન એક આતંકી માર્યો ગયો છે. હજુ સત્તાવાર રીતે પુષ્ટિ કરવાની બાકી છે.
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો છે. ગોળીબાર કરનારા આતંકવાદીઓની સંખ્યા ત્રણથી ચાર હોવાનું કહેવાય છે. આતંકવાદીઓ સ્થાનિક મંદિરની આસપાસ છુપાયેલા હોઈ શકે છે. હુમલા બાદ એક મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આતંકવાદીઓએ પહેલાં મંદિરમાં ઘૂસીને એક મૂર્તિ તોડી હતી. પરંતુ ત્યાં હાજર લોકોને કોઈ નુકસાન થયું ન હતું. ભાગતી વખતે આતંકીઓએ આર્મીના એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ અહીં આર્મી અને આતંકીઓ વચ્ચે સામસામે ગોળીબારથયો હતો. જમ્મુ-કાશ્મીરના એક સંવેદનશીલ વિસ્તારમાં જ્યાં ગોળીબારની ઘટનાઓ બની રહી છે ત્યાં સ્થિતિ તણાવપૂર્ણ છે. મળતી માહિતી મુજબ ફાયરિંગ સ્થળથી માત્ર પાંચસો મીટરના અંતરે આર્મી યુનિટનું લોકેશન આવેલું છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હાલમાં વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
માહિતી મળી રહી છે કે આ હુમલો સોમવારે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ થયો હતો. અખનૂરના બટાલ ગામમાં શિવ મંદિર પાસે ઓચિંતો હુમલો કરીને બેઠેલા ત્રણથી ચાર આતંકવાદીઓએ સેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો.
જમ્મુના એસએસપીએ કહ્યું કે જમ્મુ જિલ્લાના અખનૂરમાં આસન મંદિર પાસે ત્રણ આતંકવાદીઓ જોવા મળ્યા હોવાનું માનવામાં આવે છે. તેઓએ આર્મી એમ્બ્યુલન્સ પર કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
એલઓસી પર પાલનવાલા સેક્ટરના સરહદી ગામ બટાલમાં સ્થિત શિવ આસન મંદિરમાં સવારે લગભગ 7.15 વાગ્યે ત્રણ આતંકવાદીઓને જોવામાં આવ્યા હતા. જેઓ આર્મી યુનિફોર્મમાં હતા. ત્રણેય હથિયારોથી સજ્જ હતા. મંદિરમાં ટ્યુશન માટે આવેલા ત્રણ વિદ્યાર્થીઓને આતંકવાદીઓએ પકડી લીધા હતા. પરંતુ થોડા સમય પછી તેઓએ બાળકોને છોડી દીધા હતા. ટ્યુશન સેન્ટર ચલાવતા માસ્ટર મનોજ કુમારે પણ ત્રણેય આતંકીઓને જોયા હતા. તેમણે કહ્યું કે હું મંદિરના દરવાજા પર હતો. મેં આતંકવાદીઓને જોયા હતા.