ભારતમાં દરેક તહેવાર આનંદ, જાહોજલાલી અને જોરશોરથી ઉજવવામાં આવે છે. પણ દિવાળીનો તહેવાર બધા તહેવાર કરતાં થોડો અલગ છે. આ તહેવારની રજા પણ લાંબી હોય છે. જેના કારણે લોકો પરિવારને મળે છે. ફરવા જાય છે. ખાસ ધ્યાન ઘરનું પણ રાખવામાં આવે છે. ઘર સાફ કરશે. પાકું મકાન હશે તો રંગરોગાન કરાવશે. કાચું હશે તો લિંપણ કરી ધનતેરસથી ઘરના આંગણામાં ચિત્ર દોરશે જે એક અઠવાડિયા સુધી દિવસ મુજબ અલગ અલગ રંગોળી પૂરશે. બેસતા વર્ષમાં પોતાનાં સંબંધીઓને મળશે. જમણવાર કરશે. આ બધું દરેક વર્ષમાં જોવા મળે છે. જે સારી વાત છે. આ બધી તૈયારીમાં આખા વર્ષનું જે માળિયું સાફ કરવામાં આવે છે તે કચરો ખુલ્લા રસ્તા પર ફેંકવામાં આવે છે. ઘણી વાર લોકોને અવરજવર કરવાની મુશ્કેલી થાય તેમ ફેંકવામાં આવે છે.
ઘણાં નગરોમાં રસ્તાના મુખ્ય ચોરા પર ફેંકવામાં આવે છે. નગરપાલિકાનાં કર્મચારીઓ આવતી કાલે લઈ જશે તે આશા મુજબ કચરો ફેંકી ગંદકી કરતો આજનો હોશિયાર નાગરિક! જ્યાં સફાઈ થઈ ગઈ છે. સાફ સુથરું છે ત્યાં કચરો નાખીને ભાગી જવું, તે પણ પોતાનાં માળિયાનો કચરો ઉતારીને. શું આ દિવાળી તહેવાર ખાલી પોતાના ઘર પૂરતો જ સારો છે? શું માળિયું સાફ કરીને કોઈ કર્મચારીને હેરાન કરવાનું છે? શું માર્ગ પર જતાં લોકોને મુશ્કેલી આપવાનો છે? ખરેખર માળિયાનો કચરો માળિયા પરથી ક્યાં ફેંકવો જોઈએ તે માટે ક્લાસ કરવાની સુવિધા સરકારે ઊભી કરવી જોઈએ. ઘર સાફ, આંગણું સાફ. આપણું કામ પૂરું.
તાપી – ચૌધરી હરીશકુમાર એચ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે