કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે TMC પર “સરકાર પ્રાયોજિત ઘૂસણખોરી” અને ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. આ સિવાય અમિત શાહે દાવો કર્યો હતો કે સંદેશખાલીમાં મહિલાઓ પર હુમલા અને આરજી કર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર અને હત્યા જેવા કિસ્સાઓ એ વાતનો પુરાવો છે કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી.
ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ
અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપનું સભ્યપદ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં એક કરોડ સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ ઉપરાંત તેમણે 2026માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતિયાંશ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવવા માટે નક્કર પ્રયાસ કરવાની હાકલ કરી હતી. અમિત શાહે કહ્યું કે ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરી જેવા સળગતા મુદ્દાઓને ઉકેલવાનો આ એકમાત્ર રસ્તો છે. તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવાના પક્ષના ઉદ્દેશ્યને રેખાંકિત કર્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમારે 2026માં બે તૃતીયાંશ બહુમતી સાથે બંગાળમાં આગામી સરકાર બનાવવાની છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને રાજ્યમાં તેમના પ્રભાવને ઓછો ન આંકવાની વિનંતી કરતાં કહ્યું કે મમતા દીદીએ એવું ન વિચારવું જોઈએ કે અમને બંગાળમાં થોડી બેઠકો મળી છે તેથી અમે નિષ્ક્રિય બેઠા છીએ. તમને જણાવી દઈએ કે ભાજપે લોકસભા ચૂંટણીમાં બંગાળમાંથી 30થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું પરંતુ પાર્ટી 2019ની સરખામણીમાં માત્ર છ ઓછી એટલે કે 12 સીટો જીતી શકી. રાજ્યમાં લોકસભાની 42 બેઠકો છે.
રાજ્યમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતી વખતે અમિત શાહે સંદેશખાલી અને આરજી કર મેડિકલ કોલેજના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટનાઓ પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાનો અભાવ દર્શાવે છે. અમિત શાહે કહ્યું કે બંગાળમાં અમારી માતાઓ અને બહેનો સુરક્ષિત નથી. તેમણે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરી હતી.