પ્રતિનિધિ વડોદરા તા.26
વડોદરાના હરણી રોડ પર રહેતી આધેડ વયની મહિલાને અમદાવાદના ભેજાબાજે કોમોડિટી તથા શેર બજારમાં ઇન્વેસ્ટ કરશો તો સારુ વળતર મળશે તેવી લાલચ આપીને રૂ. 63.50 લાખનો જૂનો ચોપડ્યો હતો. વર્ષ 2020થી અત્યાર સુધીમાં કોઇ વળતર કે વારંવાર માગણી કરવા છતા એક રૂપિયા આપ્યો ન હતો. જેથી મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મૂળ વડોદરા શહેરના હરણી વિસ્તારમા સિગ્નસ સ્કૂલની પાછળ આવેલા મધુબન ક્લબ લાઇફ એપાર્ટમેન્ટમાં રહેતા એક આધેડ વયના મહિલા હાલમાં બેંગ્લોર ખાતે રહે છે. તેઓ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી મયુરકુમાર સંજય પટેલ (રહે.અમદાવાદ)એ કોમોડિટી તથા શેર બજારમાં રૂપિયાનું રોકાણ કરવાની લાલચ આપી હતી. જો તમે કોમોડિટી તથા શેર બજારમાં રોકાણ કરશો તો સારુ વળતર તેમ કહી લોભામણી તથા ખોટી વાતો કરી તેમને વિશ્વાસ કેળવ્યો હતો. જેથી તેમને મયુર પટેલ પર ભરોષો આવી જતા વર્ષ 202થી 2021થી સુધીમાં રૂ. 63.50 લાખ ઓનલાઇન તેના પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. ઇન્વેસ્ટ કરશો તો સારુ એવુ વળતર મળશે તેમ કહ્યું હતું પરંતુ એક વર્ષ દરમિયાન કોઇ કમિશન કે વળતર તેમને આપ્યું હતું. જેથી તેઓએ ચૂકવેલા રૂપિયા પરત આપી દેવા માટે વારંવાર મુયર પટેલ સામે માગણી કરી હતી. પરંતુ ઠગ તેમને ખોટા વાયદા આપે રાખતો હતો. વારંવાર માગણી કરવા છતાં રૂપિયા આજ દીન સુધી તેણે પરત નહી કરતા મહિલાએ પોલીસના દ્વારા ખખડાવ્યા છે. પોલીસે તેમની ફરિયાદના આધારે ઠગને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.