Sports

રોહિતના શેર પૂણેમાં ઢેર, ન્યુઝીલેન્ડ ઈતિહાસમાં પહેલીવાર ભારતમાં ટેસ્ટ સિરિઝ જીત્યું

પૂણેઃ બેંગ્લુરુમાં પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ પૂણે ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પણ ભારત હારની નજીક પહોંચી ગયું છે. બેંગ્લુરુ બાદ ભારતના શેર પૂણેમાં પણ ઢેર થયા છે. આજે તા. 26 ઓક્ટોબરે મેચના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં 359 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમ 245 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત 113 રનથી પૂણે ટેસ્ટ મેચ હાર્યું હતું. આ સાથે જ ઈતિહાસમાં પહેલીવાર ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં ટેસ્ટ સિરિઝ જીત્યું છે.

મિશેલ સેન્ટનરના સ્પીન જાદુ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યાં હતાં. યશસ્વી જયસ્વાલ (77) અને રવિન્દ્ર જાડેજા (44) સિવાય તમામ બેટ્સમેન નિષ્ફળ રહ્યાં હતાં. ન્યૂઝીલેન્ડની જીતનો હીરો લેફ્ટ આર્મ સ્પિનર ​​મિચેલ સેન્ટનર રહ્યો હતો, જેણે મેચમાં કુલ 13 વિકેટ ઝડપી હતી. સેન્ટનરે પ્રથમ દાવમાં 7 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી. બંને ટીમો વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

આ અગાઉ બીજી ઇનિંગમાં જ્યારે ભારત 359 રનનો પીછો કરવા ભારતીય ટીમ મેદાનમાં ઉતરી ત્યારે શરૂઆત મજબૂત રહી હતી પરંતુ રોહિત શર્મા માત્ર 8 રન બનાવીને મિશેલ સેન્ટનરની બોલિંગ પર ફરી એકવાર સસ્તામાં આઉટ થયો. તે સમયે ભારતીય ટીમનો સ્કોર 34 રન હતો. ગિલ (23) સાવધાનીપૂર્વક રમી રહ્યો હતો પરંતુ તે લંચ પછી તરત જ સેન્ટનરની સ્પિનમાં કેચ થઈ ગયો અને આઉટ થઈ ગયો.

ભારતીય ઇનિંગ્સ દરમિયાન, જયસ્વાલે 41 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી, જે ન્યૂઝીલેન્ડ સામે કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી અર્ધસદી હતી. જયસ્વાલ સારા ટચમાં હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ તે પણ 77 રન પર સેન્ટનરની સ્પિનમાં ફસાઈ ગયો હતો. તે સ્લીપમાં કેચ આઉટ થઈ ગયો. જયસ્વાલ મેચમાં સેન્ટનરની 10મી વિકેટ હતી.

આ પછી પંત (0) 127ના સ્કોર પર રનઆઉટ થયો હતો. કોહલી (17) પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી પરંતુ તે પણ સેન્ટનરના બોલ પર LBW આઉટ થયો હતો. કોહલી જ્યારે આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 147/5 થઈ ગયો હતો. સેન્ટનરનો જાદુ ફરી એક વાર કામ આવ્યો અને તેણે સરફરાઝ ખાન (9)ને ક્લીન બોલ્ડ કર્યો.

Most Popular

To Top