Editorial

ચીન સાથે LAC પર પેટ્રોલિંગ માટે સમજુતી થઈ પણ ભારતે સ્હેજેય ગાફેલ રહેવા જેવું નથી

જેમ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષના સંબંધો છે તેમ ચીન સાથે પણ ભારતના સંઘર્ષના સંબંધો છે. ચીન એક મહત્વાકાંક્ષી દેશ છે અને તેની નીતિ વિસ્તારવાદની છે. આ કારણે જ ચીને તિબેટ, હોંગકોંગ જેવા દેશો પચાવી પાડ્યા છે. ચીનને પોતાની પ્રગતિમાં જે નડે તેની સાથે માથાકૂટ કરે છે અને અંતે તે પડાવી લે છે. ચીને આખા વિશ્વમાં પોતાનો વેપાર ઘુસાડી દેવો છે. આ માટે ચીન કોઈપણ હદે જવા માટે તૈયાર છે. આ જ કારણે ચીને પાકિસ્તાન સાથે સાંઠગાંઠ કરીને ચીનથી તિબેટ થઈને છેક પાકિસ્તાન સુધીનો રસ્તો બનાવી લીધો. ચીને બાંગ્લાદેશના વ્યુહાત્મક બંદરનો લાભ લેવો છે. આ માટે તેને ડોકલામ પ્રદેશની જરૂર છે.

ચીને ડોકલામ પર ડોળો સ્થિર કરી તેને પચાવી પાડવાની તજવીજ છેલ્લા કેટલાય સમયથી કરી છે. આટલું જ નહીં ચીને લડાખના પણ પ્રદેશો પચાવી પાડવા માટે ધીરેધીરે શરૂઆતો કરી દીધી છે. સને 2020માં ભારત અને ચીન વચ્ચે  LAC પર માથાકૂટ થતાં ભારત અને ચીન વચ્ચે સેનાનું પેટ્રોલિંગ બંધ થઈ ગયું હતું. ભારત અ્ને ચીને  LAC  પર સામસામે સેના ગોઠવી દીધી હતી. જોકે, બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાગીદારી પહેલાં ભારત અને ચીન વચ્ચે એક મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર પેટ્રોલિંગ કરવા સમજૂતિ કરીને સંમત થયા છે અને શુક્રવારથી આ પેટ્રોલિંગની શરૂઆત પણ કરવામાં આવી છે.

પૂર્વી લડાખમાં ભારત અને ચીન દ્વારા આ સમજુતીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ભારત અને ચીન દ્વારા પોતાની સેનાઓને પરત બોલાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. પુર્વી લડાખ સેકટરમાં ડેમચોક અને ડેપસાંગ મેદાનોમાં સૈનિકો 2 પોઈન્ટ પર પીછેહઠ કરી રહ્યા છે. આગામી દિવસોમાં વિવાદીત વિસ્તારોમાંથી પણ સૈનિકો પરત ખેંચવાની શરૂઆત કરવામાં આવશે. આ માટે સ્થાનિક કમાન્ડરો સાથે બેઠક યોજાઈ ચૂકી છે. રસ્તામાં અવરોધરૂપ બનેલા અસ્થાયી બાંધકામો હટાવ્યા બાદ પેટ્રોલિંગ ફરી શરૂ કરવામાં આવશે.

ગુરૂવારે ચીની સેનાએ પોતાના વાહનોની સંખ્યામાં ઘટાડો કર્યો હતો. આગામી 4-5 દિવસમાં ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં સેનાની ટુકડીઓ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. સમજુતી કરાર પ્રમાણે ચીનના સૈનિકો ડેપસાંગ સ્થિત બોટલનેક વિસ્તારમાં ભારતીય સૈનિકોને રોકશે નહીં. આ 18 કિ.મી.નો વિસ્તાર છે. આ વિસ્તાર પર ભારતનો દાવો છે. હાલમાં શરૂઆતના તબક્કે ભારત દ્વારા કેટલાક વિસ્તારોમાં જ પેટ્રોલિંગ કરવામાં આવશે. બાદમાં અન્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. 2020 પહેલા ભારત દ્વારા કારાકોરમથી ચુમાર સુધીમાં 65 પેટ્રોલિંગ પોઈન્ટ પર પેટ્રોલિંગ કરવામાં આવતું હતું.

અગાઉ 1970ના દાયકામાં ભારતના ચાઇના સ્ટડી ગ્રૂપ દ્વારા વિવાદિત અને બિન-સીમાંકિત ચીન-ભારત સરહદ પર પેટ્રોલિંગની અસરકારકતા અને સંસાધનોના ઉપયોગને ઑપ્ટિમાઇઝ કરવા માટે પેટ્રોલિંગ પોઇન્ટ્સની ઓળખ કરવામાં આવી હતી. જેને કારણે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, 15 જૂન 2020ના રોજ ચીને પૂર્વ લદ્દાખના સરહદી વિસ્તારોમાં કવાયતના બહાને સૈનિકો તૈનાત કર્યા અને ત્યારબાદ ઘણી જગ્યાએ ઘૂસણખોરીની ઘટનાઓ બની તેને કારણે ભારતે પોતાના સૈનિકોની તૈનાતી કરવાની સાથે LAC પર ગોળીઓ પણ છોડવામાં આવી હતી.

આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. સામે લગભગ 60 ચીની સૈનિકો માર્યા ગયા હતા. જેને પગલે પેટ્રોલિંગ બંધ કરીને સેનાને તૈનાત કરી દેવામાં આવી હતી. હાલમાં ભલે સમજુતી થઈ હોય અને ભારતીય સેના દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે પરંતુ તેમ છતાં પણ ભારત સરકારે સ્હેજેય ગાફેલ રહેવા જેવું નથી. ભૂતકાળમાં પણ પેટ્રોલિંગ ચાલતું જ હતું ત્યારે ચીન દ્વારા છમકલાઓ કરવામાં આવ્યા જ હતા. જ્યારે પણ ચીન દ્વારા કોઈ સમજુતી કરવામાં આવે છે ત્યારે તેની પાછળ ચીનની મેલી મથરાવટ હોય છે. ભારતીય સેના તો કાયમ તૈયાર જ છે પરંતુ સરકારે પણ તૈયારી રાખવી પડશે તે નક્કી છે.

Most Popular

To Top