મધ્ય ગુજરાતમાં વિતેલા 48 કલાકમાં વિવિધ અકસ્માતોના વિવિધ 3 બાનાવો નોંધાયા છે જેમાં 8 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત 6 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વડોદરા શહેરના બાયપાસ હાઈવે પર જાંબુઆ બ્રિજ પાસે થયેલ અકસ્માતમાં દંપતિ અને બાળકનું મોત થયું છે. વડોદરા-હાલોલ રોડ પર આસોજ ગામ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 યુવાનોએ જાન ગુમાવ્યા છે. જ્યારે પાવાગઢ ખાતે આવેલ છાજ દિવાળી ગામના પાટીયા પાસે બે યુવાનોમો મોત નિપજ્યા છે જ્યારે 3ને ગંભીર ઈજા પહોંચી છે.
6 સવારી બાઈકને ટ્રકે ઠોકી દંપતી, બાળક સહિત 3 મોત
વડોદરા : શહેરના બાયપાસ હાઈવે પર જાંબુઆ બ્રિજ પાસે એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતી અને બાળકોને અડફેટે લેતા દંપતી અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ટ્રક ચાલક ભાગી રહેલો CCTVમાં દેખાયો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના મકરપુરા પોલીસ મથકની હદમાં જાંબુઆ બ્રિજ પર છાશવારે અકસ્માતો થતાં હોય છે. જેમાં આજે મૂળ મુઝાર ગામડીના રહેવાસી નઝીર ભલાવત અને તેઓની પત્ની બાઇક પર તેઓના 4 બાળકો સાથે ગોરીયાદ ગામે પ્રસંગ પતાવી પોતાના ગામ તરફ જતા હતા.
તે દરમિયાન ટ્રક ચાલકે તેમની બાઈકને અડફેટે લેતા નઝીર ભલાવત, તેમના પત્ની અને 3 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ત્રણ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રક ચાલક અકસ્માત કરી પુરપાટ ઝડપે ટ્રક દોડાવીને ભાગી ગયો હતો.અને વરણામાં નજીકની ગુરુનાનક હોટલ પર ટ્રક છોડી અને ટ્રક ચાલક તેમજ ક્લીનર પલાયન થઇ ગયા હતા.
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત કરનાર ટ્રકને કબજે લઈને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્ત ત્રણ બાળકોને 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરની સયાજી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
છોટાઉદેપુરના સિમેન્ટના વેપારીની કારની અડફેટે 3 યુવાનના મોત
વડોદરા: વડોદરા-હાલોલ રોડ પર આસોજ ગામ પાસે મંગળવારે મોડી રાત્રે પૂરપાટ પસાર થયેલી કારની અડફેટે 3 યુવાનના મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં દોડી આવેલા ગામ લોકોએ કાર ચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.
વડોદરા-હાલોલ રોડ પર આસોજ ગામ પાસે આવેલી નવીનગરીમાં રહેતા સંજય શંભુભાઈ રાઠોડીયા (ઉ.30) રાયકર કંપની પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ પસાર થઇ રહેલા કારચાલકે અડફેટે લેતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું.
આ સાથે કાર ચાલકે યુ.પી. ના વતની અને હાલ રાયકર કંપનીમાં રહેતા રામકિશન રાધેશ્યામ કેવટ(નિશાત)(ઉ.28) તેમજ હીરાલાલ રામદાસ કેવટ (નિશાત) (ઉ.26)ને અડફેટમાં લેતા હીરાલાલ કેવટનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે રામકિશનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સ્થાનિક લોકોએ કાર ચાલક મિનેશ ગ્નાનનાથ (રહે. છોટાઉદેપુર, અને સિમેન્ટના વેપારી)) હોવાનું બહાર આવ્યું હતું.
મંગળવારે મોડી રાત્રે બનેલા અકસ્માતના આ બનાવમાં ત્રણ યુવાનોના મોત નીપજતા આસોજ નવીનગરી તેમજ આસોજ પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ બનાવ અંગે નવીનગરીમાં રહેતા અને અકસ્માતમાં મોતને ભેટેલા સંજય રાઠોડીયાના પિતરાઈ ભાઈ જીતેશભાઈ રાઠોડિયાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક મિનેશ જ્ઞાનનાથની સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સામસામે બે મોટરસાયકલ અથડાતા બે યુવાનના મોત
હાલોલ : પાવાગઢ નજીક આવેલ છાજ દિવાળી ગામના પાટીયા પાસે મુખ્ય રોડ પર મંગળવારે સાંજના સુમારે બે બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઇક પર સવાર હાલોલના તલાવડી ખાતે ડામોર ફળિયામાં રહેતા 34 વર્ષીય વસંતભાઈ જીવનભાઈ પરમારનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતું.
જ્યારે તેમના પાછળ બેસેલ તલાવડીના નિશાળ ફળિયામાં રહેતા નરવતભાઈ ભીખાભાઇ બારીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યુ હતું.
જ્યારે સામેની મોટરસાઇકલ પર સવાર ચાલકનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું જ્યારે તેમની પાછળ બેસેલ એક દોઢ વર્ષીય બાળકી અને એક મહિલાને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવા પામતા પહેલા હાલોલ રેફરલ હોસ્પિટલ અને તે વધુ સારવાર માટે વડોદરા ની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જેમાં બન્નેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવની જાણ થતાં પાવાગઢ પોલીસની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી જ્યારે ઘટના સ્થળે મરણ પામનાર બે બાઇક ચાલકોના મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે અને વડોદરા જતા મરણ પામનારના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપ્યા હતા.