ટોરોન્ટોઃ કેનેડાના ટોરોન્ટોમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા છે. અહેવાલો અનુસાર તમામ લોકો ટેસ્લા કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને તેમાં બેઠેલા 5 પૈકી 4 ભારતીયોના મોત થયા હતા. નજીકથી પસાર થતા એક બાઇક સવારે એક યુવતીનો જીવ બચાવ્યો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
કેનેડાના ટોરન્ટોમાં એક ભયાનક અકસ્માત બાદ કારમાં આગ લાગતા ચાર ભારતીયોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જેમાંથી ત્રણ ગુજરાતીઓ અને અન્ય એક મહારાષ્ટ્રનો યુવક છે. કારમાં બેઠેલા બે લોકો ગુજરાતના ગોધરાના રહેવાસી હતા. બોરસદના જયરાજસિંહ સિસોદિયાનું અક્સ્માતમાં મોત નિપજ્યું છે. જયરાજસિંહ સિસોદિયા બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ હતા. તો કારમાં સવાર લુણાવાડાના સગા ભાઈ-બહેનનું પણ મોત નિપજ્યું છે.
કેનેડિયન ન્યૂઝ વેબસાઈટ સીબીસીના રિપોર્ટ અનુસાર ટેસ્લા કારમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓ મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી કારની બેટરીમાં આગ લાગી હતી. જેથી કારની અંદર ચાર લોકો બળીને ખાખ થઈ ગયા હતા.
લોકલ પોલીસના જણાવ્યા અનુસાર જ્યાં સુધી ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં બેઠેલાં પેસેન્જરોના મૃતદેહ એટલા બળી ગયા હતા કે ઓળખ કરવી મુશ્કેલ હતી. બાદમાં ખબર પડી કે આ તમામ લોકો ભારતના રહેવાસી હતા. મૃતકોની ઓળખ 30 વર્ષીય કેતા ગોહિલ અને 26 વર્ષીય નીલ ગોહિલ તરીકે થઈ છે. બંને ભાઈ-બહેન હતા. અન્ય એક મૃતકની ઓળખ જયરાજ સિંહ સિસોદિયા તરીકે થઈ છે.
જયરાજસિંહ પૂર્વ ધારાસભ્યનો ભાણેજ
ભાદરણ કોલેજના પ્રોફેસર હરેન્દ્રસિંહ સિસોદીયાના પુત્ર અને બોરસદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ જયરાજસિંહ સિસોદિયાનું ટોરેન્ટોમાં કાર અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યું છે. જયરાજસિંહ પોતાના મિત્રોની સાથે ટોરોન્ટો ડાઉનટાઉન ખાતેથી પોતાની ટેસ્લા ઈવી કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે રોડ સાઈડની ગાર્ડ રેલ સાથે કાર અથડાતાં ડ્રાઈવરે કાર પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને કારની બેટરીને ડેમેજ થતાં તરત જ આગ પકડી હતી. આ ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલ પાંચ મુસાફરો પૈકીના જયરાજસિંહ સહિતના ચારનું ઘટના સ્થળે જ દુખઃદ નિધન થયુ હતું. જ્યારે ઈજાગ્રસ્ત એક યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જુલાઈમાં પંજાબના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા
આ પહેલા 27 જુલાઈના રોજ કેનેડાના ન્યૂ બ્રુન્સવિક પ્રાંતમાં એક રોડ અકસ્માતમાં પંજાબના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. મૃતકોની ઓળખ હરમન સોમલ, નવજોત સોમલ અને રેશમ સમાના તરીકે થઈ છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા પર કેનેડા ગયા હતા. તમામ વિદ્યાર્થીઓ ટેક્સીમાં જઈ રહ્યા હતા.
આ દરમિયાન તેની ટેક્સીનું ટાયર ફાટી ગયું અને કારનો અકસ્માત થયો. તે જ સમયે, સપ્ટેમ્બર મહિનામાં, યુએસ રાજ્ય ટેક્સાસમાં એક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા હતા. અહીંના અન્ના શહેરમાં અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા. દરમિયાન આ ચાર ભારતીયો જે કારમાં બેઠા હતા તે કાર સાથે એક ટ્રક અથડાઈ હતી. આમાંથી ત્રણ તેલંગાણાના હતા.