National

લોરેન્સ બિશ્નોઈના 7 શૂટર્સ પકડાયા, ભાઈ અનમોલ પર 10 લાખનું ઈનામ જાહેર

નવી દિલ્હીઃ સલમાન ખાનને ધમકી આપનાર અને એનસીપીના નેતા બાબા સિદ્દીકીના હત્યાના ગુનામાં જેનું નામ ચર્ચાઈ રહ્યું છે તે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 7 ખૂંખાર શૂટર્સ પકડાયા છે. દિલ્હી સ્પેશ્યિલ સેલના સર્ચ ઓપરેશનમાં આરોપીઓ પકડાયા છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સમગ્ર ભારતમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. તમામ શૂટરોની પંજાબ અને અન્ય રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શૂટરો પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે.

આ પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર કાર્યવાહી કરી હતી. એનઆઈએએ લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. તે ગાયક-રાજકારણી સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો પણ આરોપી છે.

અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ 18 ફોજદારી કેસ નોંધાયા છે
વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. રિપોર્ટ અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો. અનમોલ બિશ્નોઈ કથિત રીતે તેના સ્થાનો બદલતા રહે છે અને તે ગયા વર્ષે કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ 18 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તેણે જોધપુર જેલમાં સજા કાપી છે. અનમોલને 7 ઓક્ટોબર 2021ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

બાબા સિદ્દીકી હત્યા કેસમાં પણ નામ સામે આવ્યું છે
બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે શૂટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સીધા સંપર્કમાં હતો. હત્યાની શંકાસ્પદ ત્રણ શૂટરોએ હત્યા પહેલા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાત કરી હતી.

અનમોલ બિશ્નોઈ એક શૂટર અને કાવતરાખોર પ્રવીણ લોંકરના સંપર્કમાં હતો. અનમોલ કેનેડા અને અમેરિકાથી આરોપીઓના સંપર્કમાં હતો. NCP નેતા બાબા સિદ્દીકીની દશેરાની રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 11 લોકોની ધરપકડ કરી છે.

Most Popular

To Top