Sports

ભારતની પૂણે ટેસ્ટમાં સ્થિતિ કફોડી, 156 પર ઓલ આઉટઃ કોહલી ફૂલટોસ બોલ પર બોલ્ડ થયો

પૂણેઃ ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે તા. 25 ઓક્ટોબરે મેચનો બીજો દિવસ છે. બીજા દિવસના પહેલાં સેશનમાં ભારતીય બેટ્સમેનોની નબળી બેટિંગના લીધે ટીમ કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. ગિલ, કોહલી, જયસ્વાલ, પંત અને સરફરાઝ જેવા બેટ્સમેનોએ પોતાની વિકેટ ફેંકી દેતા આખીય ટીમ પહેલી ઈનિંગમાં 156 પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ હજુ ભારતથી 103 રન આગળ છે.

આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 7 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે પહેલાં દિવસે સ્ટમ્પ સુધી 1 વિકેટના નુકસાને 16 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા શૂન્ય પર આઉટ થયો હતો. તેને સાઉથીએ બોલ્ડ કર્યો હતો.

આજે બીજા દિવસે સવારે ભારતીય બેટ્સમેનો શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે રમત આગળ વધારી હતી. ગિલે શરૂઆતમાં સારા ફટકા માર્યા હતા, પરંતુ તે લાંબુ ટકી શક્યો નહોતો. ભારતીય ટીમનો સ્કોર 50 રન પર પહોંચ્યો ત્યારે ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો, ગિલ (30)ને મિશેલ સેન્ટનરે લેગ બિફોર આઉટ કર્યો હતો.

ત્યાર બાદ વિરાટ કોહલી આવ્યો પરંતુ તે માત્ર 1 રન બનાવી મિશેલ સેન્ટનરના ફુલ ટોસ બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો.
ઉપરાછાપરી બે વિકેટ પડી જતા યશસ્વી જયસ્વાલ સાવધાનીપૂર્વક રમી રહ્યો હતો પરંતુ તે પણ 30 રનના અંગત સ્કોર પર ગ્લેન ફિલિપ્સનો શિકાર બન્યો હતો. જયસ્વાલના આઉટ થયા બાદ રિષભ પંત (18)ને પણ ગ્લેન ફિલિપ્સે ક્લીન બોલ્ડ કર્યો હતો. પંત જ્યારે આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 83/5 હતો.

થોડા સમય બાદ સેન્ટનરના બોલ પર લાંબો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે સરફરાઝ ખાન (11)ને વિલિયમ ઓ’રૉર્કે કેચ આઉટ કરાવ્યો ત્યાર બાદ રવિચંદ્રન અશ્વિન (4) પણ મિશેલ સેન્ટનરનો ચોથો શિકાર બન્યો હતો. અશ્વિન આઉટ થયો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 103/7 હતો.

પૂણેમાં પહેલી મેચ છતાં ન્યુઝીલેન્ડનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
જો જોવામાં આવે તો ન્યુઝીલેન્ડની ટીમ આ મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટ રમવા આવી છે. તેમ છતાં ન્યુઝીલેન્ડના બેટ્સમેન અને બોલર્સ બંનેનું પ્રદર્શન ભારતીય બોલરો-બેટસમેનોની સરખામણીએ સારું રહ્યું છે. વર્તમાન શ્રેણીની વાત કરીએ તો ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમનો 8 વિકેટે પરાજય થયો હતો. પ્રથમ ટેસ્ટ જીતીને કિવી ટીમે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

Most Popular

To Top