નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું ચક્રવાતી તોફાન ‘દાના’ ગુરુવારે રાત્રે 12:05 કલાકે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા સવારે લગભગ 8:30 વાગ્યે સમાપ્ત થઈ હતી. આ દરમિયાન રાત્રિના 8:30 કલાકમાં તોફાનની ઝડપ ઘટીને 10 કિ.મી. પ્રતિ કલાક થઈ છે.
‘દાના’ની અસરને કારણે ઓડિશામાં સતત વરસાદ થઈ રહ્યો છે. ભદ્રક, કેન્દ્રપરામાં 30 (મિ.મી.) થી વધુ વરસાદની અપેક્ષા છે. મુખ્યમંત્રી માઝીએ કહ્યું 5.84 લાખ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને વાહનોને પણ નુકસાન થયું હતું.
ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને તમિલનાડુમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. મમતા સરકાર 83 હજાર લોકોને રાહત શિબિરોમાં લઈ ગઈ છે.
આ અગાઉ દાના વાવાઝોડું ત્રાટકે તે પહેલાં સાવચેતીના ભાગરૂપે ગુરુવારે સાંજે 5 વાગ્યાથી શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર 300 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તેમજ સાઉથ ઈસ્ટ રેલ્વે , ઈસ્ટ કોસ્ટ રેલ્વે, ઈસ્ટર્ન રેલ્વે અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેની કુલ 552 ટ્રેનો રદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ માટે પુરી, ખુર્દા, નયાગઢ અને ઢેંકનાલ સહિત પાંચ જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રાજ્ય સરકારની તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ કહ્યું હતું કે ‘ડેન્જર ઝોન’માં રહેતા માત્ર 30 ટકા લોકો અથવા લગભગ 3-4 લાખ લોકોને સ્થળાંતર કરી શકાયા હતા.
તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયાએ તોફાનને ‘દાના’ નામ આપ્યું છે. તેનો અર્થ છે ઉદારતા. જો વાવાઝોડાની ઝડપ 62 કિમી પ્રતિ કલાકથી વધુ હોય તો તેનું નામ આપવું જરૂરી બની જાય છે. જો આ પવન 137 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે અથવા તેનાથી વધુ જાય તો તેને ચક્રવાતી તોફાન કહેવામાં આવે છે.
બિહારમાં વાતાવરણ બગડતાં એલર્ટ
પશ્ચિમ બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલા દાના વાવાઝોડાને બિહારમાં પણ એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગે શુક્રવારે પૂર્વી અને દક્ષિણ બિહારના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપી છે. દાના વાવાઝોડાની અસર અહીં ગુરુવારથી જ જોવા મળી હતી. વીતેલા 24 કલાકમાં પૂર્ણિયા અને કટિહાર સહિત 11 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.