કેટલીક અભિનેત્રીઓના કિસ્સા આવે છે કે કયારેય કહાણી બની જ ન શકે. આવું ઘણા અભિનેતાઓ વિશે પણ બને છે તો આમાં દુ:ખ ન લગાડાય છતાં અમુક વખત થાય કે તે બધીની નહીં તો અમુકની કારકિર્દી તો લાંબી ચાલી જ શકી હોત. આવાં નામોમાં તમે સુલક્ષણા પંડિત અને તેની બહેન વિજયેતા પંડિતને તરત યાદ કરશો પણ એવી બીજી ય ઘણી છે. જેમ કે કલ્પના મોહન, ઝાહીદા, પ્રિયા રાજવંશ, અર્ચના, સુમિત્રા સાન્યાલ, વીમી, કાજલ કિરન અને હજુ યાદ કરો તો ઘણી ઉમેરી શકો. આ કાજલ કિરનની જ વાત કરો. નાસીર હુસેનની ‘હમ કિસીસે કમ નહીં’ રિશીકપૂર સાથે આવી ત્યારે લોકો પૂછતાં થઇ ગયેલાં કે આ છે કોણ? પછી ‘સબૂત’માં નવીન નિશ્ચલ વિદ્યાસિંહા સાથે આવી. એ ફિલ્મ રામ સે બ્રધર્સની હતી. નાસીર હુસેનની ફિલ્મમાંથી સીધા રામસેની ફિલ્મમાં આવે તો કોણ જુએ? બહુ ઝડપથી તે નાની ભૂમિકામાં આવી ગઇ. ‘માંગ ભરો સજના’માં જીતેન્દ્ર, રેખા મૌસમી હોય તો કાજલ ત્યાં શું કરે? હા, ‘વારદારત’માં મિથુન સાથે આવી પણ એ તો ટકવા માટે મેળવાતી ફિલ્મો હતી. આ બધું છતાં 1997ની ‘આખરી સંઘર્ષ સુધીનો તે 45 ફિલ્મો સુધી પહોંચી એ મોટી વાત કહેવાય પણ લોકો તો ફકત રિશી કપૂરની હીરોઇન તરીકે જ યાદ રાખે છે. આ 18 ઓકટોબરે જ તે 66 વર્ષની થઇ. આ કાજલનું મૂળ નામ સુનિતા કુલકર્ણી હતું. નાસીર હુસેને તેને પોતાની ફિલ્મમાં લેતી વખતે કહેલું કે જયાં સુધી ફિલ્મ રિલીઝ ન થાય ત્યાં સુધી બીજી ફિલ્મ ન લઇશ. તેણે ન લીધી પણ છતાં અન્ય નિર્માતાઓ માનતા રહ્યા કે કાજલને નાસીર સાહેબ સાથે કોન્ટ્રેક્ટ હશે એટલે કોઇએ તેને ફિલ્મમાં ન લીધી બાકી, ‘બાલિકા બધુ’ અને ‘અંખિયોં કે ઝરોખોં સે’ ફિલ્મ તેને મળતાં મળતાં રહી ગઈ. ખેર એ કાજલ પરણી ગઈ. જો કે કયારેય તેણે પતિનું નામ નથી આપ્યું અને 1990 પછી નેધરલેન્ડ ચાલી ગઈ છે.
ઋષિકેશ મુખરજીની ‘બુઢ્ઢા મિલ ગયામાં નવીન નિશ્ચલ જે હીરોઇન માટે ‘રાત કલી એક ખવાબ મેં આયી, ઔર ગલે કા હાર હુઈ’ ગાય છે નામ તેનું અર્ચના. તે ફિલ્મદિગ્દર્શક હેમંત ગુપ્તા જેમણે કાબુલીવાલા ફિલ્મનું દિગ્દર્શન કરેલું અને ગાયિકા રત્ના ગુપ્તાની દીકરી છે. ‘બુઢ્ઢા મિલ ગયા’ વખતે તે ચર્ચામાં આવી હતી. જો કે તે બહુ સામાન્ય લુક ધરાવતી હતી એટલે ‘ફેરી’, ‘અનોખા દાન’ વગેરે ફિલ્મો મળી પણ કારકિર્દી આગળ ન વધી. તે તેના કોલેજના મિત્રો યોગેશ મોટવાણે સાથે 1974માં પરણી ગઇ. ‘પિકનિક’ નામની ફિલ્મમાં પણ આવી પરંતુ કુલ ફિલ્મો પાંચ જ છે. અલબત્ત તેની પ્રથમ ફિલ્મ ‘ઉમંગ’ હતી જે ગુરુદત્તના ભાઈ આત્મારામની હતી. અર્ચના મુંબઇની ઝેવિયર્સ કોલેજમાં ભણી હતી. હવે તે પોતે જ ભૂલી ગઇ હશે કે કયારેક અભિનેત્રી હતી. આ નામમાં કલ્પનાનું નામ પણ ઉમેરવું જોઇએ. ‘પ્રોફેસર’માં ‘આવાઝ દે કે હમે તુમ બુલાઓ, મહોબ્બતમેં ઇતના હમેં ના સતાઓ’ અને શમ્મી કપૂર ‘એ ગુલબદન એ ગુલબદન ફૂલોસી મહેક કાંટો કી ચુબન, તુઝે દેખ કે કહેતા યે મેરા મન ગાય છે. એ ફિલ્મ કલ્પનાની જિંદગીનો હસીન મોડ હતો. જો કે તે પ્રથમ વાર પ્યાર કી જીતમાં અને પછી કિશોરકુમાર સાથે ‘નોટી બોય’માં આવી હતી. ‘પ્રોફેસર’ પછી તો લોકો ફીદા થઇ ગયેલા. દેવ આનંદ સાથેની ‘તીન દેવિયાં’ પણ તેની મસ્ત ફિલ્મ હતી પણ પછી તે ‘તીસરા કૌન’, ‘પ્યાર કિયે જા’, ‘પિકનિક’, ‘બીવી ઔર મકાન’, ‘એક બેચારા’ જેવી કુલ બાર ફિલ્મમાં આવી અને અટકી ગઇ. તેને બલરાજ સાહનીએ શોધી હતી અને મુંબઇ આવતાં કહેતું. શ્રીનગરની અર્ચનાના પિતા સ્વતંત્ર સેનાની અને કોંગ્રેસી હતી. કલ્પના કથક પણ શીખેલી હતી. આ કલ્પના સચિન ભૌમિક જેવા લેખક-દિગ્દર્શક સાથે 1960માં પરણી પણ છૂટાછેડા લીધા અને 1967માં ઇન્ડિયન નેવીના ઓફીસરને પરણી. જો કે તેની સાથે પણ 1972માં છૂટાછેડા લીધેલા. એ લગ્નથી એક દીકરી જન્મેલી તે પરણીને અમેરિકા વસી ગઈ. કલ્પના કેન્સરને કારણે 4 જાન્યુઆરી 2021માં મૃત્યુ પામી.
ઝાહીદા તો નરગીસના સાવકા મોટાભાઈ અખ્તર હુસેનની દીકરી તેને દેવઆનંદે ‘હરે રામ હરે કૃષ્ણ’માં ઝિન્નતવાળી ભૂમિકા માટે કહેલું પણ તેણે દેવસાબની બહેન બનવું ન હતું. ખેર, તેને દિગ્દર્શક આસિત સેનની સંજીવકુમાર સાથેની ‘અનોખી રાત’ મળી અને તે ખૂબ સારી ફિલ્મ હતી. ગીતો પણ જબરદસ્ત એ ફિલ્મ પછી દેવઆનંદ સાથે બે ફિલ્મોમાં આવી. ‘પ્રેમપૂજારી’ અને ‘ગેમ્બલર’ ‘ચુડી નહીં હે મેરા દિલ હે’ ગીત તો આજે પણ ગમે છે. બંનેમાં સારી ભૂમિકા પણ ‘પ્રેમપૂજારી’માં દેવ-વહીદા મુખ્ય હતા અને ‘ગેમ્બલર’માં દેવ સાબ જ કેન્દ્રમાં હતા. ઝાહિદા ત્યાર પછી યોગ્ય ફિલ્મો પસંદ ન કરી શકી એટલે ‘માલિક તેરે બંદે હમ’, ‘પ્રભાત’, ‘તીન ચોર’, ‘શિકવા’ અને 1975ની ‘નીલિમા’ પછી તે ભુલાવા માંડી. યઝાહીદા કેસરીનંદન સહાય નામના બિઝનેસમેનને પરણી અને તેને બ્રજેશ સાહય અને નિલેશ સહાય નામના બે દીકરા છે અને તેઓ ઉદ્યોગમાં સફળ છે. નીલેશ સહાય તો ‘એંજલ’ નામની ફિલ્મમાં હીરો તરીકે પણ આવ્યો હતો અને ત્રણ વર્ષ પહેલાં ‘સ્કવોડ’ ફિલ્મનું દિગ્દર્શન પણ કરેલું ઝાહીદા આ 9મી ઓકટોબરે જ 80 વર્ષની થઇ. ઋષિકેશ મુખરજીને સાદગી અને ભારતીય સૌંદર્ય ધરાવતી અભિનેત્રી ખૂબ ગમતી અને તે બંગાળની જ હોય તેનો આગ્રહ રાખતા. સુમિતા સાન્યલ દાર્જિલિંગમાં જન્મેલી અને તેનું મૂળ નામ મંજુલા સાન્યાલ હતું. 1960માં ઉત્તમકુમાર સાથે ‘ખોકાબાબુર પ્રત્યાબર્તન’ફિલ્મમાં આવી. બંગાળમાં તે અભિનેત્રી તરીકે જાણીતી બની ચૂકી હતી ત્યારે ઋષિકેશ મુખરજીએ તેને ‘આશીર્વાદમાં ભૂમિકા આપી અને પછી 1971ની ‘આનંદ’માં અમિતાભની પ્રેમિકા તરીકે આવી. તેની પર સરસ ગીત ફિલ્માવાયેલું ‘ના જિયા લાગે ના તેરે બીના મેરા કહીં જિયા લાગે ના, તેરે બીના મેરા કહી જિયા લાગે ના’. ત્રીજી ફિલ્મ ‘ગુડ્ડી પણ ઋષિદાની હતી પણ તેમાં તો જયા ભાદુરી સ્ટાર બની ગઇ. ચોથી ફિલ્મ હતી. ગુલઝારની ‘મેરે અપને’. એ ફિલ્મ જે બંગાળી ફિલ્મ ‘અપંજન’ પરથી બનેલી તેમાં પણ સુમિતા જ હતી. બસ પછી સુમિતા જોવા ન મળી. તે સુબોધ રાયના ફિલ્મ એડિટરને પરણેલી. 2017ની 9 જુલાઈએ તે 71 વર્ષની વયે કોલકાતામાં મૃત્યુ પામી. વીમીની વાત નથી કરવી કારણ કે ‘હમરાઝ’માં તે જાણીતી થઇ પણ એકટ્રેસ સારી નહોતી. ‘આબરુ’, ‘પતંગા’, ‘વચન’, ‘કભી આર કભી પાર’ , ‘નાનક નામ જહાજ હે’ જેવી ફિલ્મો જરૂર છે પણ નિષ્ફળતા નક્કી હતી અને ત્યાર પછી એવું ખરાબ જીવન જીવી કે માત્ર 34 વર્ષની ઉંમરે 1977માં મૃત્યુ પામી. પ્રિયા રાજવંશ તો ફકત ચેતન આનંદ માટે જ હતી એટલે તેને હકીકત, ‘હીર રાંઝા’, ‘હસ્તે જખ્મ’ માટે યાદ કરી લો તો બસ છે. તેનું મોત ચેતન આનંદના દીકરા વડે જ થયેલું તે આઘાતક હતું. •
એ કલ્પના,ઝાહિદા, અર્ચના, સુમિતા સાન્યાલ, વીમી, કાજલ કિરણ કયાં ખોવાઈ ગઇ?
By
Posted on