Charchapatra

ઘર સાથે મનની પણ સફાઈ કરીએ

આપણા ભારત દેશમાં દિવાળી ટાણે ઘરની સફાઈ કરવાની વર્ષો જૂની પરંપરા છે. બાહ્ય સફાઈથી ઘર ચોખ્ખું થાય છે. ચાલો , 21મી સદીના ત્રીજા દાયકે ટેકનોલોજીના આ યુગમાં આપણે સૌ મનની સફાઈ પણ કરીએ. મનની સફાઈ થકી આપણે માનસિક સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ. વર્તમાન ડિજિટલ યુગમાં તણાવયુક્ત જીવન જીવતા માણસ માટે સ્વસ્થ મન અતિ આવશ્યક છે. મનની સ્વસ્થતા થકી શારીરિક રોગો થતાં અટકાવી શકાય છે. મનમાં રહેલા અંધકાર અને અંધશ્રદ્ધા દૂર કરવા માટે પણ મનની સફાઈ કરવી જરૂરી છે.મનની સફાઈ થકી ઉદાસી , બેચેની , હતાશા , ચિંતા , માનસિક રોગો, ગાંડપણ વગેરે દૂર કરી શકાય છે. મનની શાંતિ માટે તથા અન્ય પરત્વે સદ્ભાવ માટે પણ મનની સફાઈ અત્યંત જરૂરી છે. મનની સફાઈ માટે પ્રાણાયામ,યોગ,ધ્યાન ચોક્કસપણે મદદરૂપ થઈ શકે છે. મહદ્ અંશે શારીરિક આરોગ્ય માટે પણ માનસિક આરોગ્ય અંગે જાગૃતિ કેળવવી પડે છે.

સમગ્ર વિશ્વમાં લાખો લોકો ડિપ્રેશનથી પીડાઈ રહ્યાં છે. હતાશા કે ડિપ્રેશન જાણે આજે ગ્લોબલ બની ચૂક્યાં છે.મનની સફાઈ થકી ડિપ્રેશનને દૂર કરી શકાય છે.દરરોજ છાપામાં આપણે વ્યક્તિગત કે સામુહિક આપઘાતના સમાચાર વાંચીએ છીએ. આત્મહત્યા એ પણ એક માનસિક બીમારી જ છે. માનસિક રીતે સ્વસ્થ માણસ સંજોગો, સમસ્યાઓ કે પડકારો સામે લડી શકે છે. જ્યારે માનસિક રીતે રોગી હોય તે નિષ્ફળતા પચાવી શકતો નથી. ચાલો , આપણે સૌ દિવાળી પર્વે મનની સફાઈ થકી માનસિક સ્વાસ્થ્ય માટે પણ સમય ફાળવીને સ્વસ્થ મન અને તન માટે પ્રતિબદ્ધ થઈએ.
નવસારી- ડો. જે .એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top