Business

માયાવી મિત્રની માયા

કહેવાય છે કે મિત્રો જ જીવન છે. મિત્રો સાથેની મૈત્રી, મોજ મસ્તી અને મહેફિલ સૌને ગમે છે. સૌને મિત્રો હોય છે અને હોવા જ જોઈએ.આ વાત ફક્ત સજીવ મિત્રોને જ લાગુ પડે છે એવું હરગીઝ નથી જ. ટી.વી, કોમ્પ્યુટર કે ફોન જેવા નિર્જીવ મિત્રો વગર હવે ભાગ્યે જ ચાલે. પણ આ મિત્રોમાં સૌથી જૂનામાં જૂના એવા એક અદ્ભુત “સ્થાનિક મિત્ર” પ્રત્યે આપ સૌનું ધ્યાન દોરવું છે. પરિસ્થિતિ ગમે તે હોય એ મિત્ર રોજ સવારે આપણને મળે તો જ દિવસ સારો જાય એવું આપ સૌએ પણ અનુભવ્યું જ હશે. એ અદ્ભુત મિત્ર ફક્ત મારો, તમારો જ નહીં પણ આખા ગુજરાતનો પણ મિત્ર છે, એટલે જ એનું નામ એકદમ યથાર્થ “ગુજરાત મિત્ર “ છે.

વર્ષ 1863 થી અવિરત સેવા આપી રહેલ આ સમાચારપત્ર ફક્ત એક છાપું જ નથી પણ પ્રત્યેક સુરતીનો એ જાણે “અંગત મિત્ર” છે. બહારગામ જતી વખતે મનમાં નક્કી એ પ્રશ્ન થાય છે કે ‘ગુજરાતમિત્ર’ ત્યાં મળશે કે કેમ? રોજ સવારે સ્નાન કર્યા પછી દર્પણ જોનારા સ્નાન કર્યા પહેલાં આ ગુજરાત દર્પણમાં જ જુએ છે. મોબાઈલ ટેકનોલોજી દ્વારા ઈ-પેપર ગમે તેટલી વિકાસની હરણફાળ ભરે, ‘ગુજરાતમિત્ર’ દૈનિક સમાચાર પત્રની પેપર કોપીના નિત્ય વાચનથી જ આજપર્યંત સાચો સંતોષ મળ્યો છે અને મળતો જ રહેશે. મારો એક અનોખો મિત્ર એટલે જ ‘ગુજરાતમિત્ર’.
સુરત     – વિજયકુમાર બારોટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

બ્રાન્ડને બ્રાન્ડ એમ્બેસેડરની જરૂર ખરી
તાજેતરમાં દેશની એક અવ્વલ નંબરની બેન્કે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક જાણીતા ક્રિકેટ ખેલાડીની નિમણુંક કરી અને તે પણ એવી વ્યક્તિ કે જેણે રાજ્ય સભાના સદસ્ય થઈને ફક્ત આર્થિક લાભ અને મળતી સવલતો જ મેળવી છે, પરંતુ પ્રજાલક્ષી એક પણ કામ કે રાજ્ય સભામાં રજૂઆત નથી કરી. આ ખેલાડીની શાખ જ છે કે તેને ફક્ત પ્રસિદ્ધિ અને પૈસા સિવાય કોઈ સંસ્થા સાથે કશી જ લેવાદેવા હોતી નથી. આ બેંક આ ખેલાડીને તગડું મહેનતાણું કોઈપણ જાતની ઉત્પાદનશીલ પ્રવૃત્તિ વગર ચૂકવી જાહેર નાણાનો દુરઉપયોગ કરશે અને પ્રજા તથા તે બેન્કના શેર હોલ્ડરો ચુપ થઈને બેસી રહ્યા છે. વાસ્તવમાં આ બેંક બેન્કિંગ ઉદ્યોગમાં પોતે જ એક બ્રાન્ડ છે. એની શાખ જાહેર જનતાની નજરમાં અની ઔદ્યોગીક ક્ષેત્રે ઘણી ઊંચી શાખ છે, આથી પ્રશ્ન છે કે આવા બ્રાન્ડ એમ્બેસેડરની શી જરૂર.
 સુરત    – રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top