Business

મેકડોનાલ્ડ્સ ના બર્ગર ખાવાથી ચેપ ફેલાવવાનો આરોપ, કંપનીએ આપ્યો આ જવાબ

મેકડોનાલ્ડ્સના બર્ગર શોખીનો માટે ખરાબ સમાચાર આવ્યા છે. અમેરિકાની પ્રખ્યાત ફૂડ ચેઈન કંપની McDonald’s ના બર્ગર ખાવાથી E.coli બેક્ટેરિયા નામનો ચેપ ફેલાવાનો આરોપ લાગ્યો છે. અમેરિકાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના તપાસકર્તાઓ આ વાતની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ મેકડોનાલ્ડ્સ કંપનીએ પણ આ આરોપોનો જવાબ આપ્યો છે. કંપનીએ ગ્રાહકોને ખાતરી આપી છે કે તેની રેસ્ટોરાં સુરક્ષિત છે.

49 લોકો બીમાર પડ્યા, એકનું મોત
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ મંગળવારે માહિતી આપી હતી કે મેકડોનાલ્ડ્સ બર્ગર ખાવાથી E.coli બેક્ટેરિયાનો ચેપ ફેલાય છે. આ સંક્રમણને કારણે 49 લોકો બીમાર થઈ ગયા છે અને તેમાંથી એકનું મોત પણ થયું છે. મેકડોનાલ્ડ્સે કહ્યું કે તે ઘટનાની જાણ થયા પછી ફેડરલ ફૂડ સેફ્ટી રેગ્યુલેટર્સ સાથે મળીને કામ કરી રહી છે.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મેકડોનાલ્ડના ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગરમાં ડુંગળીના કારણે આ બેક્ટેરિયલ ચેપ ફેલાયો હોવાની આશંકા છે. આરોપો બાદ ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગરને બેક્ટેરિયાથી પ્રભાવિત રાજ્યોના ભાગો તેમજ અન્ય રાજ્યોમાં મેકડોનાલ્ડના સ્ટોર્સમાંથી દૂર કરવામાં આવ્યા છે. મેકડોનાલ્ડ્સે કહ્યું છે કે તે તાજી ડુંગળી માટે નવા સપ્લાયરની શોધમાં છે. કંપનીએ કહ્યું છે કે સપ્લાયર નિયમિતપણે તેની ડુંગળીનું E-coli માટે પરીક્ષણ કરે છે.

E.coli બેક્ટેરિયા ચેપના લક્ષણો શું છે?
અમેરિકામાં મેકડોનાલ્ડ્સની 14 હજારથી વધુ રેસ્ટોરાં છે. યુએસમાં કોલોરાડો, આયોવા, કેન્સાસ, મિઝોરી, મોન્ટાના, નેબ્રાસ્કા, ઓરેગોન, ઉટાહ અને વિસ્કોન્સિનમાં સપ્ટેમ્બર 27 અને ઓક્ટોબર 11 વચ્ચે E.coli બેક્ટેરિયલ ચેપના કેસ નોંધાયા છે. કોલી બેક્ટેરિયા પ્રાણીઓના આંતરડામાં વધે છે અને પર્યાવરણમાં જોવા મળે છે. આ ચેપથી તાવ, પેટમાં ખેંચાણ અને લોહીવાળા ઝાડા થઈ શકે છે.

Most Popular

To Top