સુરતઃ સામાન્ય વાતમાં શરૂ થયેલો ઝઘડો લોહિયાળ બનતા સુરતમાં એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં ગાડી પાર્ક કરવાની બબાલમાં 30 વર્ષીય યુવકની હત્યા થઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
- ગોડાદરાના લક્ષ્મીનગર સોસાયટીની ઘટના
- લાકડાના ફટકાથી યુવકને માર મારવામાં આવ્યો
- છાતીના ભાગે ઈજા થતા 30 વર્ષીય યુવકનું મોત
- સોસાયટીના પ્રમુખ સહિત 7 વિરુદ્ધ ગુનો નોંધાયો
સુરતમાં હત્યાના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઉભા થયા છે. ગોડાદરા વિસ્તારમાં નજીવી બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી. ગાડી પાર્કિંગ કરવા મુદ્દે બબાલ થઈ હતી. જેમાં સોસાયટીના પ્રમુખ સહિતના 7 લોકોએ મળીને યુવકને ઢોર માર્યો હતો. સોસાયટીના રહીશો અને યુવકનો પરિવાર છોડાવતા રહ્યાં હતાં પરંતુ આરોપીઓના માથા પર ભૂત સવાર હતું. પરિવારની નજર સામે જ લાકડાના ફટકાથી યુવકને માર માર્યો હતો, જેમાં યુવકનું મોત નીપજ્યું હતું.
ગોડાદરા રોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં ગણપત બાબુ મકવાણા (ઉ.વ.આ.30) પરિવાર સાથે રહેતા હતા. ગાડી પાર્કિંગ મુદ્દે ગણપતને સોસાયટીના પ્રમુખ અને અન્ય 7 લોકોએ ઢોર માર માર્યો હતો. આ મારામારીમાં ગણપતને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેના લીધે તેનું મોત નિપજ્યું હતું. આ હત્યાના બનાવમાં વલ્લભ ક્વાડ અને પ્રવીણ ક્વાડ નામના ઈસમો મુખ્ય આરોપી છે. યુવકને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું.
યુવકને માર મારવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે લાકડાના ફટકા લઈ સાતથી વધુ ઈસમો યુવક પર તૂટી પડ્યા હતા. યુવકને બેરહેમીથી માર માર્યો હતો. સમગ્ર મારા મારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ ગોડાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.