National

આ શું થઈ રહ્યું છે!?, હવે 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

નવી દિલ્હીઃ વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ અટકવાનું નામ લઈ રહી નથી. આજે ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે 85 વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં એર ઈન્ડિયાના 20 વિમાન સામેલ છે. જે વિમાનોને ધમકીઓ મળી છે તેમાં 20 ઈન્ડિગો, 20 વિસ્તારા અને 25 આકાસા ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.

સૂત્રો અનુસાર દિલ્હી પોલીસે 90 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સંબંધમાં છેલ્લા આઠ દિવસમાં આઠ અલગ-અલગ FIR નોંધી છે. જે ફ્લાઈટને ધમકીઓ મળી છે તેમાં અકાસા, એર ઈન્ડિયા, ઈન્ડિગો અને વિસ્તારાની સેવાઓ સામેલ છે. આ ફ્લાઇટ્સ દિલ્હીથી વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ઓપરેટ થાય છે. પોલીસનું કહેવું છે કે આ મામલામાં તપાસ ચાલી રહી છે.

એક સિનીયર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર X પર ધમકીભર્યા સંદેશા મળ્યા હતા જેને બાદમાં સત્તાવાળાઓએ નકારી કાઢ્યા હતા. પહેલી ધમકી 16 ઓક્ટોબરના રોજ મળી હતી. બેંગલુરુ જતી અકાસા ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. એસએમએસ દ્વારા બોમ્બની ધમકી મળ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પ્લેનમાં 180થી વધુ મુસાફરો સવાર હતા. વિમાને દિલ્હી પરત ફરવું પડ્યું. બીજા દિવસે પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને એક પત્ર લખીને ધમકીભર્યા સંદેશાઓ પોસ્ટ કરતા એકાઉન્ટની વિગતો માંગી હતી.

દિલ્હી પોલીસના સાયબર સેલની વિવિધ ટીમો એક્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્લાઈટ્સ પર ચાલી રહેલા જોખમોને લઈને ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં 170થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી છે. દરમિયાન સરકાર એરલાઇન્સને બોમ્બની ધમકીઓને પહોંચી વળવા માટે કાયદાકીય પગલાંની યોજના બનાવી રહી છે, જેમાં ગુનેગારોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે Xના અધિકારીઓને ખખડાવ્યા
છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી રહી છે. જે મોટા ભાગે ખોટી સાબિત થઈ રહી છે. સતત મળતી ધમકીઓને પગલે દેશમાં એવિએશન સેક્ટરને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. કેન્દ્ર સરકારે આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને ઠપકો આપ્યો છે અને તેને પ્રમોટ કરવા માટે જવાબદાર ગણાવ્યું છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે શા માટે એક્સ આવી અફવાઓ ફેલાવનારા એકાઉન્ટ વિરુદ્ધ કોઈ નક્કર પગલાં લીધાં નથી? સોશિયલ મીડિયા આ પ્રકારના ગુનાને પ્રોત્સાહન આપી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઠપકો આપવામાં આવ્યો હતો. આ મીટિંગમાં એરલાઇન્સના અધિકારીઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને મેટા (Meta)ના અધિકારીઓ પણ હાજર હતા.

Most Popular

To Top