Charchapatra

માનવતાથી મહેકના બલરામ કરણ

એક વખત બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના પાઉસી ગામના 27 વર્ષના યુવાન બલરામ કરણે રસ્તામાં જતાં જતાં કચરાપેટીમાં 2-3 વર્ષના બાળકને કચરાના ઢગલામાં ખાવાનું શોધતું જોયું. આ દૃશ્ય જોઇને બલરામના હૃદયને ઘણું દુ:ખ થયું. તે બાળકને તેઓ ઘરે લઇ આવ્યા. તેમને પોતાને 3 દીકરી અને એક દીકરો હતો. છતાં તેઓ જયાં પણ કોઇ અનાથ બાળકને જુએ તો ઘરે લઇ આવતા. પરિણામે ઘર ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડવા લાગી. આજે 57 વર્ષીય બલરામ 500 બાળકોના પિતા પણ છે અને માતા પણ છે.

આશરે 30 વર્ષથી તેઓ અનાથ બાળકોને સાચવે છે. આવા ઉમદા કામ માટે તેમણે તેમનું ઘર દુકાન જમીન પણ વેચી નાખી છે. પૈસાની તકલીફ પડે ત્યારે ગામે ગામ ફરીને લોકો પાસે મદદ માગતા હતા. આજે આ 500 અનાથ બાળકોમાંથી 183 બાળકો તો પગભર થયા છે જેમાંથી કેટલાક વકીલ, એન્જિનીયર બન્યા છે. કેટલીક યુવતીઓ નર્સ બનીને હોસ્પિટલમાં કામ કરે છે. બલરામ કહે છે કે 2004માં જર્મનીમાં સ્થાયી થયેલા વિમલ રાયના વારસદારોએ તેમના માતા પિતા તથા બહેનના નામ ઉપર 3 બિલ્ડિંગ બનાવવા માટે 50 લાખ રૂપિયા આપ્યા હતા. હવે તો 20 વીંઘા જમીન પર બલરામનો આખો આશ્રમ ફેલાયેલો છે. બલરામે આશ્રમમાં ઉછરેલી 49 યુવતીઓનું પિતા બનીને કન્યાદાન કર્યું છે. આ આશ્રમ જ આ યુવતીઓનું પીયર છે.

એક વખત માનવ તસ્કરીની શિકાર બનેલી યુવતી બલરામ પાસે આવી. તે ગર્ભવતી હતી. તેના બાળકને સ્કૂલમાં દાખલ કરવા માટે પિતાનું નામ જોઇતું હતું. 2020ની સાલમાં બલરામે તેમના દીકરા સાથે આ યુવતીના લગ્ન કરાવ્યા. આજે તે યુવતીનો દીકરો 6 વર્ષનો છે. આવુ ઉમદા કામ તો કોણ કરી શકે! જેનું કોઇ નથી તેનું બલરામ કરણ છે. આવા માનવતાથી મહેકતા બલરામ કરણને લાખો સલામ!
શિકાગો – ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રિઝર્વેશન ટીકિટ લેવાનો ગાળો 120 દિવસથી 60નો કરવામાં આવ્યો
રેલવેએ 120 દિવસ પહેલા રિઝર્વેશન કરાવવાની સુવિધા આપી હતી પણ મુસાફરોને એ ગાળો ઘણો લાંબો લાગતો હતો. 1લી નવેમ્બરથી આ ગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસનો કરવાનો સ્તુત્ય નિર્ણય રેલવેએ લીધો છે. 120 દિવસના લાંબા ગાળામાં રિઝર્વેશન કરાવવાથી લોકોના પોગ્રામ ચેન્જ થતા, એમની ટિકિટો કેન્સલ કરવાનો વારો આવતો હતો. આજે મુસાફરી કરનારને ચાર મહિના પહેલા પ્લાનીંગ કરી લેવું પડતું હતું.

આટલા લાંબા ગાળામાં કશીક દુવિધા પેદા થવાની સંભાવના રહેતી અને રિઝર્વેશન કરાવેલી રેલવે મુસાફરી માંડી વાળવી પડતી હતી. 120 દિવસની લાંબી સમય મર્યાદામાં વેઇટીંગ લીસ્ટ પણ ઘણું લાંબુ રહેતું હતું. જે હવે 60 દિવસ થવાથી ઘટી જશે અને મુસાફરોને કન્ફર્મ ટીકિટ મળતી થશે. બે મહિનાનો ટીકિટોનો આરક્ષણ ગાળો હોવાથી મુસાફરો ટીકિટ લીધા પછી અનિવાર્ય સંજોગોમાં જ ટીકિટ કેન્સલ કરાવશે જે મુસાફરોના હિતમાં લેખાશે. આ પગલા માટે રેલવેની અમે સરાહના કરીએ છીએ.
સુરત              – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top