Comments

‘લીલીસૂકી’રુઢિપ્રયોગ નહીં, વાસ્તવિકતા છે

આપણી પૃથ્વી પર ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં જમીન છે એ હકીકત સૌ કોઈ જાણે છે. સાથે એ પણ ખબર છે કે આ સ્થિતિ હોવા છતાં પીવાના પાણી માટે આપણે વરસાદના પાણી પર જ આધાર રાખવાનો હોય છે. વરસાદનું પાણી નદીઓમાં ઠલવાય, નદી પર બંધ બાંધીને એ પાણીને દરિયામાં વહી જતું અટકાવાય છે. આ જ નદીઓમાં પ્રદૂષણ પણ પુષ્કળ કરવામાં આવે છે. એ સૂચવે છે કે હજી પાણીના ઉપયોગની ગંભીરતા આપણા મનમાં વસી નથી. આ સ્થિતિ ઓર ગંભીર બને એવા સમાચાર જાણવા મળ્યા છે.

વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન (ડબલ્યૂ.એમ.ઓ.)ના તાજેતરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર વર્ષ 2023માં વિશ્વભરની નદીઓમાં છેલ્લાં 33 વર્ષોમાં સૌથી ઓછી માત્રામાં પાણી જોવા મળ્યું. આમાં ભારતની ગંગા સહિત અનેક નદીઓનો પણ સમાવેશ થાય છે. સાથોસાથ ભૂગર્ભ જળનું સતત ઘટતું જતું સ્તર, બરફનું ઓછું થતું જતું પ્રમાણ અને હવામાન પરિવર્તનને કારણે તોળાઈ સહેલા જળસંકટ બાબતે તેમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં પીવાના પાણીની માગ સતત વધતી રહી છે, અને તેની સુલભતા ઘટતી રહી હોવાને કારણે ભારત સહિત અનેક દેશોમાં અથડામણના બનાવમાં વૃદ્ધિ થઈ રહી છે. આ સ્થિતિમાં આ અહેવાલ વધુ ચિંતાજનક જણાય છે.

આ અહેવાલ અનુસાર 2023માં મોટા ભાગની નદીઓમાં જળરાશિ સામાન્ય કરતાં ઘણી ઓછી હતી. 2021 અને 2022ની જેમ જ 2023માં વિશ્વભરની અડધા કરતાં વધુ નદીઓમાં જળરાશિની સ્થિતિ અસામાન્ય હતી. આ વિસ્તારોમાં પાણીનું પ્રમાણ સામાન્ય કરતાં ઘણું ઓછું રહ્યું. સામાન્ય કરતાં પાણીનું પ્રમાણ વધુ રહ્યું હોય એવી નદીઓ ઓછી હતી. 2023માં ઉત્તર, મધ્ય અને દક્ષિણ અમેરિકાના અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ હતી. આ અરસામાં નદીનો પ્રવાહ પણ ઘટી ગયો. મિસિસિપી અને એમેઝોન જેવી નદીઓમાં જળસ્તર વિક્રમજનક રીતે ઘટી ગયું. એશિયામાં પણ ગંગા, બ્રહ્મપુત્ર, મેકાંગ જેવી નદીઓના મોટા ભાગના વિસ્તારોમાં જળરાશિનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહ્યું.

આનાથી વિપરીત આફ્રિકાના પૂર્વ તટે નદીઓનો પ્રવાહ સામાન્ય કરતાં વધુ રહ્યો. ન્યૂઝીલેન્‍ડના ઉત્તર વિસ્તાર અને ફિલીપાઈન્‍સમાં પણ નદીઓના જળસ્તરમાં વૃદ્ધિ જોવા મળી. ઊત્તર યુરોપ, યુ.કે., આયર્લેન્‍ડ, ફિનલેન્‍ડ અને દક્ષિણ સ્વીડનમાં પણ નદીઓનો પ્રવાહ સામાન્ય કરતાં વધુ હતો. સામાન્યથી ઓછું પાણીનું પ્રમાણ જળાશયોમાં પણ જોવા મળ્યું. ભારત, ઊત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોના જળાશયોમાં આમ થયું. ખરું જોતાં જળાશયોમાં પાણીનું પ્રમાણ જળ વ્યવસ્થાપન શી રીતે કરવામાં આવે છે તેની પર આધાર રાખે છે.

જેમ કે, એમેઝોન અને પરાના બેસિન જેવા અમુક વિસ્તારોમાં નદીનો પ્રવાહ ઓછો હોવા છતાં જળસ્તર ઘણું વધુ હતું. દરમિયાન દક્ષિણ આફ્રિકા, ભારત, આયર્લેન્‍ડ, ઓસ્ટ્રેલિયા અને ઈઝરાયલમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેવાથી મોટા ભાગના કૂવાઓમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું રહ્યું. પણ ઊત્તર અમેરિકા અને યુરોપના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ લાંબો સમય ચાલવાથી ભૂગર્ભ જળનું સ્તર નીચું હતું. ચીલી અને જોર્ડનમાં પણ ભૂગર્ભજળનું સ્તર સામાન્ય કરતાં નીચું રહ્યું. અલબત્ત, તેના માટે હવામાન પરિવર્તનનાં પરિબળો નહીં, પણ લોકો દ્વારા ભૂગર્ભ જળનો વધુ પડતો ઊપયોગ કારણભૂત હતો.

બીજી એક ચિંતાજનક બાબત એ જોવા મળી કે છેલ્લા પાંચ દાયકામાં ગ્લેશિયર (હીમનદી)માં બરફનું પ્રમાણ ખૂબ ઝડપથી ઘટી રહ્યું છે. સપ્ટેમ્બર, 2022થી ઑગસ્ટ, 2023ના એક વર્ષ દરમિયાન ગ્લેશિયરોએ સાઠ કરોડ ટન બરફ ગુમાવ્યો છે. ખાસ કરીને સ્વીત્ઝરલેન્‍ડના ગ્લેશિયરોમાં છેલ્લા બે વર્ષમાં ત્યાં જામેલા બરફનો દસ ટકા હિસ્સો ગુમાવ્યો. કેટલાક વિસ્તારોમાં બરફનું પ્રમાણ ઝડપભેર ઘટવાનું હજી ચાલુ છે.

આ તમામ બાબતો એક યા બીજી રીતે હવામાન પરિવર્તન સાથે સંકળાયેલી છે. 2023નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હતું. આને લઈને અનેક સ્થળોએ વિક્રમજનક તાપમાન પહોંચ્યું, તો કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ. ‘ડબલ્યૂ.એમ.ઓ.’ના મહાસચિવ પ્રો.સેલેસ્ટે સાઉલોના કહેવા મુજબ, હવામાન પરિવર્તન માટે પાણી ચેતવણીના સંકેત સમાન કહી શકાય. ભારે વરસાદ, પૂર અને દુષ્કાળ જેવી આત્યંતિક મોસમી ઘટનાઓમાં થયેલી વૃદ્ધિસ્વરૂપે આપણે આ જોઈ શકીએ છીએ. વધતા તાપમાનને કારણે જળચક્રનું સંતુલન ખોરવાઈ રહ્યું છે અને તે અનેકગણું અનિશ્ચિત થઈ ગયું છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલ અનુસાર વિશ્વમાં 360 કરોડ લોકો એવા છે કે જેમને વરસમાં ઓછામાં ઓછો એક મહિનો પૂરતું પાણી મળતું નથી. આગામી 26 વરસોમાં આ આંકડો વધીને પાંચસો કરોડને ઓળંગી જશે. મતલબ સાફ છે. દુનિયા હજી પીવાના પાણી અને સ્વચ્છતાના નિર્ધારીત સતત વિકાસના લક્ષ્યને આંબવામાં ઘણી પાછળ જણાય છે. ‘ડબલ્યૂ.એમ.ઓ.’ના પ્રમુખના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓ જનજીવનની સાથોસાથ પ્રકૃતિ અને અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડી રહી છે. ધ્રુવ પર જામેલો બરફ અને ગ્લેશિયર પીગળવાને કારણે લાખો લોકો પર જોખમ તોળાયેલું છે. આમ છતાં, દિન બ દિન ઘેરી થતી આ સમસ્યાના ઊકેલ તરફ આપણે પૂરતી કાર્યવાહી કરતા નથી.

એ હકીકત છે કે હવામાન પરિવર્તન હવે કેવળ વ્યક્તિગત સ્તરના પ્રયાસોની વાત રહી નથી. આમ છતાં, વ્યક્તિગત પ્રયાસોનું મહત્ત્વ જરાય ઓછું આંકી શકાય નહીં. પ્રત્યેક ઘરની પોતાની જળસંચય પ્રણાલિ હોવી ભવિષ્યની અનિવાર્યતા બની રહે તો નવાઈ નહીં. વક્રતા એ છે કે અડધી કે એક સદી પહેલાં આ પ્રણાલિ સામાન્યપણે જોવા મળતી હતી, જે ધીમે ધીમે લુપ્ત થતી ચાલી. હવે નવેસરથી તેના માહાત્મ્યનો સમય આવી રહ્યો છે.  જીવનજરૂરિયાતનાં પરિબળો પણ ચક્રની માફક ઊપરનીચે થતાં રહે છે, પણ તે ફરી ચલણમાં અવશ્ય આવતાં રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top