વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવની તૈયારીને આખરી ઓપ અપાયો
વડતાલમાં 7મી નવેમ્બરથી 15મી નવેમ્બર દરમિયાન દેશ – વિદેશથી 25 લાખથી વધુ હરિભક્તો ઉમટશે
(પ્રતિનિધિ) આણંદ તા.23
સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ ખાતે 7મી નવેમ્બરથી 15મી નવેમ્બર દરમિયાન લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ – વિદેશથી 25 લાખથી વધુ હરિભક્તો પ્રબોધિની સમૈયામાં ભાગ લેશે. આ મહોત્સવ માટે 800 વીઘા જમીન સંપાદીત કરવામાં આવી છે. જેમાં વિવિધ વિભાગોમાં વહેંચણી કરવામાં આવી છે.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 7મીને સવારના વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજાશે. જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંત, પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાશે. આ પોથીયાત્રા કળશયાત્રા સવારે 10-30 કલાકે વડતાલ સભામંડપ ખાતે પધારશે. જ્યાં 200 જેટલા ભૂદેવો વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરવામાં આવશે. બાદમાં 11 કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનું ઉદ્દઘાટન થશે. બાદમાં ઠાકોરજી, પોથીજી, આચાર્ય તથા કથાના બન્ને વક્તાઓનું યજમાન પરિવાર દ્વારા પૂજન કરવામાં આવશે. આ મહોત્સવના પ્રારંભ સાથે 15મી નવેમ્બર સુધી વિવિધ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. આ ઉપરાંત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત 7મીથી 15મી દરમિયાન જ્ઞાનજીવનદાસજી (કુંડળધામ) અને નિત્યસ્વરૂપદાસજી (સરધારધામ) તરફથી શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથા અને શ્રીમદ્દ સત્સંગી જીવન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.