Vadodara

સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના પ્રવાસની તૈયારીની જાણકારી મેળવી



બંને નેતાએ વડાપ્રધાનના રોડ શોના રૂટ પર પણ તૈયારીઓનું બારીકાઇ પૂર્વક નિરીક્ષણ કરીને માહિતી મેળવી

28મી ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડોદરાની મુલાકાતની તૈયારીઓ વેગ પકડી રહી છે. તેવામાં બુધવારે કેન્દ્રિય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. બંનેએ વડોદરામાં તૈયારીઓનું નિરીક્ષણ કરીને એસેમ્બલી પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી. બંને નેતાએ વડાપ્રધાનના રોડ શોના રૂટ પર પણ તૈયારીઓનું બારીકાઇ પૂર્વક નિરીક્ષણ કરીને માહિતી મેળવી હતી. આ તકે વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિતના મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા.



વડોદરાના શહેરીજનોને કરોડોના વિકાસ કાર્યોની ભેંટ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28, ઓક્ટોબરના રોજ આવી રહ્યા છે. તેમની સાથે સ્પેનના વડાપ્રધાન સાંચેઝ પણ આવશે. બંને ભવ્ય રોડ શો કરીને ટાટા એરબસના એસેમ્બ્લી પ્લાન્ટ સુધી પહોંચશે. સ્પેનના વડાપ્રધાન તથા બંને દેશોના ડેલીગેટ્સની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ટાટા એરબસના એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. ત્યાર બાદ બંને દેશોના વડાપ્રધાન અને ડેલીગેટ્સ લક્ષ્મી વિલાસ પેલેસમાં શાહી ભોજન લેશે. અને અહિંયા જ અનેક મહત્વના પ્રોજેક્ટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. વડાપ્રધાનની મુલાકાતનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ વડોદરામાં તૈયારીઓ વેગ પકડી રહી છે. સવારે વડોદરા પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની વડોદરા એરપોર્ટ પર મહત્વની બેઠક મળી હતી. ત્યાર બાદ કેન્દ્રિય જલ શક્તિ મંત્રી સી. આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. બંનેએ વડોદરા એરપોર્ટ અને ટાટા એસેમ્બ્લી પ્લાન્ટની મુલાકાત લીધી છે. અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રોડ-શો ના રૂટ પરની તૈયારીઓની માહિતી પણ મેળવી છે. તેઓ રોડ-શોના રૂટ પર ફર્યા પણ છે. આ તકે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Most Popular

To Top