સરકારી શિક્ષકોની ભરતી માટે VNSGU કાર્યપ્રણાલી સમજવા જેવી છે. જે પૂર્વ વિદ્યાર્થીઓ સેમેસ્ટર પદ્વતિમાં સ્નાતક થયાં તો CGPA માટે રૂ.૨૦૦ જો અનુસ્નાતકના રૂ.૨૦૦ અને B. ED કર્યું તો રૂ.૨૦૦ દરેક ડિગ્રી CGPA માટે રૂ.૨૦૦ આજના આ બેરોજગાર ઉચ્ચ શિક્ષણ મેળવનારની હાલાત કેવી!! આજે CGPA સ્નાતકનું ફોર્મ ભર્યું તો ફોર્મ જમા કરીને તંત્ર મારફતે જાણ કરવામાં આવે છે. આવતી કાલે આવજો અથવા બે દિવસમાં કોલ કરજો.એક ડિગ્રી માટે એક આંટો નહીં, બે આંટા મારવાના થાય છે. તો CGPA ના ટકા મળે છે. જે ભાવિ શિક્ષકે ત્રણ ડિગ્રી VNSGUમાં લીધી હશે તેમની હાલત શું થશે! ૨૫ તારીખથી સરકારી શિક્ષક માટે બીજી જાહેરાતનાં ફોર્મ ભરાવાની શરૂઆત થઈ રહી છે.(માધ્યમિક માટે) ઝડપી કામગીરી કરીને CGPA કાઢી આપે તો ભાવિ શિક્ષકોને આંટા મારવા ન પડે. આજના બેરોજગાર નોકરીવાંછુઓને રાહત થાય. ગુજરાતમાં આ સમસ્યા અભણ કરતાં શિક્ષિત યુવાઓને વધુ છે.
સમસ્યા સરળ રીતે હલ થઈ શકે પણ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી હોય તેમ માલુમ પડે છે. જો VNSGUમાં ચૂંટાયેલા સેનેટ સભ્યો કે સિન્ડિકેટ સભ્યો યોગ્ય હોય તો આવી બાબતમાં પૂર્વ વિદ્યાર્થીઓને નર્મદા, ડેડીયાપાડા, ચાંદોદ, નવસારી, વલસાડ, વાપી, ડાંગ, સુબીર,વઘઈ, તાપી, સોનગઢ, ડોલવણ, કુકરમુંડા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી VNSGU ના પટાંગણમાં મેળાવડો કરવો ન પડે. VNSGU તંત્રે પોતાની દુકાન ખોલી હોય તેમ હેરાફેરી કરાવે છે. આ તો ડૉક્ટર અને દર્દી જેવો વ્યવહાર દેખાઈ આવે છે. આજે નહિ આવતી કાલે નહીં ત્રીજા દિવસે આવજો. આ ડિજિટલ ઇન્ડિયા યુગ છે.
ડોલવણ -હરીશ ચૌધરી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આજની વાસ્તવિકતા
ખરેખર આજની દરેકની જિંદગીની વાસ્તવિકતા છે. હવે એકલું-એકલું લાગતું નથી, મારી પાસે મોબાઇલ છે. મારે લગભગ કોઈની જરૂર નથી, મારી પાસે મોબાઇલ છે. મારે કોઈના સાથની જરૂર નથી, મારી પાસે મોબાઇલ છે. મિત્રોને પણ બહુ મળવાનું થતું નથી, મારી પાસે મોબાઇલ છે. કોઈનું દુઃખ કે તકલીફ મારાથી અનુભવાતું નથી, મારી પાસે મોબાઇલ છે. ખુદને પણ ખુદથી દૂર રાખું છું, મારી નજીક મોબાઇલ છે. પણ હવે ઉંમર થવા લાગી છે, થાક લાગે છે અને હાથ કાંપે છે, એ જોઈ મોબાઇલે મને છોડી દીધો છે. હવે એકલું એકલું લાગે છે, મારે કોઈને મળવું છે, મારી તકલીફ વિશે કહેવું છે, હવે હર કોઈની મારે જરૂર છે, પણ અફસોસ, એ બધા પાસે મોબાઇલ છે.
સુરત -સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.