Columns

ઈરાને કેવી રીતે સાયબર હુમલો કરીને ઈઝરાયેલના ગુપ્ત દસ્તાવેજો લિક કરી નાખ્યા?

ઇન્ટરનેટ અને ઇમેઇલના યુગમાં આપણી કોઈ માહિતી ગુપ્ત રહી શકે તે સંભવિત જ નથી. તાજેતરમાં ઈરાન પર હુમલો કરવા માટે ઈઝરાયેલે જે યોજના તૈયાર કરી હતી, તે આખી યોજના લિક થઈ ગઈ અને તેને ટેલિગ્રામની ચેનલ પર મૂકી દેવામાં આવી હતી. હકીકતમાં ઈરાનના ભેજાંબાજ હેકરો આ માહિતી જે કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવી હતી, તેના સુધી પહોંચી ગયા હતા અને તેમાંથી ગુપ્ત માહિતી ખોદી આવ્યા હતા. આ માટે ઈરાનના હેકરો દ્વારા બ્રુટ ફોર્સ નામના વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ વાયરસ જે કોમ્પ્યુટરમાં ઘૂસાડી દેવામાં આવે તેનો બધો ડેટા વાયરસ મોકલનારના હાથમાં આવી જાય છે. ઈઝરાયેલ પર કરવામાં આવનારા સંભવિત હુમલાની તમામ રજેરજની વિગતો ઈરાનના હાથમાં આવી જતાં તે હવે ઈઝરાયેલની યોજનાને નકામી બનાવી શકે છે. આ કારણે ઈઝરાયેલની બધી મહેનત નકામી જતાં તેણે આખી યોજના નવેસરથી બનાવવી પડશે. તે યોજના પણ ઈરાનના હાથમાં નહીં આવી જાય તેની કોઈ ખાતરી નથી. આ માહિતી અમેરિકાનાં કોમ્પ્યુટરોમાંથી લિક થઈ હોવાથી કેટલાંક લોકો માને છે કે તેમાં અમેરિકાનો હાથ છે. કદાચ અમેરિકાએ ઈઝરાયેલની પીઠમાં છરી મારી છે.

પેન્ટાગોનના ગુપ્ત દસ્તાવેજો ઓનલાઈન લીક થયા બાદ અમેરિકાએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. સીએનએનએ પોતાના અહેવાલમાં એક અમેરિકન અધિકારીને ટાંકીને કહ્યું કે આ દસ્તાવેજો અધિકૃત છે અને તેનું લીક થવું ખૂબ જ ચિંતાજનક છે. એવું માનવામાં આવે છે કે ઈરાને પેન્ટાગોનની સાઈટ હેક કરીને દસ્તાવેજો લિક કર્યા છે. અમેરિકી અધિકારીએ કહ્યું કે દસ્તાવેજો કોની પાસે હતા તેની તપાસ કરવામાં આવશે. આવા કોઈ પણ દસ્તાવેજો લિક થાય તેની તપાસ પેન્ટાગોન અને ગુપ્તચર એજન્સીઓ તેમજ એફબીઆઈ દ્વારા કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પેન્ટાગોન દ્વારા આ દસ્તાવેજો ઈરાદાપૂર્વક લીક કરાયા હોઈ શકે છે. આ લિકથી અમેરિકાની ચિંતા વધી છે, કારણ કે બર્લિનમાં આપવામાં આવેલા નિવેદનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે તેઓ જાણે છે કે ઈરાન સામે ઈઝરાયેલ કેવી રીતે બદલો લેશે.

આ દસ્તાવેજો સૌ પ્રથમ ટેલિગ્રામ પર દેખાયા હતા અને આ સપ્તાહના અંતે ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યા હતા. ૧૫ અને ૧૬ ઓક્ટોબરના દસ્તાવેજો જણાવે છે કે ઈઝરાયેલની વાયુસેના ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહી છે અને તેની તૈયારીમાં તેણે તાજેતરમાં કવાયત હાથ ધરી હતી. દસ્તાવેજોમાં હુમલા દરમિયાન ઈરાનનાં લક્ષ્યો વિશેની માહિતી નથી. ઇઝરાયેલની વાયુસેનાએ એરલોન્ચ્ડ બેલિસ્ટિક મિસાઇલો સાથે કવાયત હાથ ધરી છે, એમ એક દસ્તાવેજમાં જણાવાયું છે. તેમાં ૧૬ ગોલ્ડન હોરાઇઝન મિસાઇલો અને ૪૦ રોક્સ મિસાઇલો સામેલ છે. દસ્તાવેજોમાં અપ્રગટ ડ્રોન પ્રવૃત્તિ અને કવાયતની પણ ચર્ચા કરવામાં આવી છે.

આ બાબતથી પરિચિત લોકોમાંથી એકે આ દસ્તાવેજોની પ્રામાણિકતાની પુષ્ટિ કરી છે. સીએનએનએ એક અમેરિકન અધિકારીને ટાંકીને લિકને અત્યંત ચિંતાજનક ગણાવ્યું હતું. આ દસ્તાવેજોને ટોપ સિક્રેટ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. તેમના પર એવાં ચિહ્નો છે, જે કહે છે કે તેઓ ફક્ત અમેરિકા અને તેના ફાઇવ આઇ (પાંચ આંખ) સહયોગીઓની માલિકીની હોવી જોઈએ. પાંચ આંખોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને બ્રિટનનો સમાવેશ થાય છે.

એક દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે આ યોજનામાં ઇઝરાયલની આસપાસ દારૂગોળો ખસેડવાનો સમાવેશ થાય છે. અન્ય એક દસ્તાવેજ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી પાસેથી મેળવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તે એર-ટુ-સરફેસ મિસાઇલો સાથે સંકળાયેલી ઇઝરાયેલી વાયુસેનાની કવાયતની રૂપરેખા આપે છે. એક અમેરિકી અધિકારીએ સીએનએનને જણાવ્યું કે પેન્ટાગોનના કથિત દસ્તાવેજ કોની પાસે હતા તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. એક દસ્તાવેજ એવો પણ છે, જે દર્શાવે છે કે ઈઝરાયેલ પાસે પરમાણુ શસ્ત્રો છે. ઈઝરાયેલે હંમેશા જાહેરમાં આ વાતની પુષ્ટિ કરવાનો ઈનકાર કર્યો છે. લિક થયેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાને એવા કોઈ સંકેત મળ્યા નથી કે ઈઝરાયેલ ઈરાન વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે.

આ એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ઈઝરાયેલ ૧ ઓક્ટોબરે ઈરાનના મિસાઈલ હુમલાનો બદલો લેવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે. ઇઝરાયેલની સંરક્ષણ સંસ્થા આ લિકથી વાકેફ છે અને તેને ખૂબ ગંભીરતાથી લે છે. જેરૂસલેમ પોસ્ટે ઇઝરાયેલી એરફોર્સ બેઝ પર કથિત તાજેતરની કાર્યવાહીની વિગતો આપતા અમેરિકન સંરક્ષણ વિભાગના અહેવાલને ટાંક્યો છે. લિક થયેલા દસ્તાવેજોએ ઇઝરાયેલની તૈયારીઓ પર અમેરિકાના ગુપ્તચર તંત્ર દ્વારા રાખવામાં આવતી દેખરેખનો ખુલાસો કર્યો હતો, જેમાં ઇઝરાયેલની એર ફોર્સ બેઝ પરની ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે ઉપગ્રહોના ઉપયોગનો સમાવેશ થાય છે.

અમેરિકાના સેટેલાઇટ નેશનલ જિયોસ્પેશ્યલ ઇન્ટેલિજન્સ એજન્સીએ કેટલીક એવી તસવીરો પ્રાપ્ત કરી છે, જેમાં ઇઝરાયેલી સેનાની તૈયારીઓને જોતાં એવું લાગે છે કે તે મોટી કાર્યવાહી કરવાના મૂડમાં છે. આવા બે દસ્તાવેજો ઈરાનને સમર્થન આપતા ઘણા ટેલિગ્રામ એકાઉન્ટ્સ દ્વારા પણ શેર કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોમાં ઈઝરાયેલની સૈન્ય કવાયતો સંપૂર્ણ વિગતમાં બતાવવામાં આવી છે, જે દર્શાવે છે કે ઈઝરાયેલ હવે ઈરાન પર મોટો હુમલો કરી શકે છે. બે દસ્તાવેજોમાંથી એકનું શીર્ષક છે, ઈઝરાયેલ એર ફોર્સ ઈરાન પર હુમલાની તૈયારી ચાલુ રાખે છે. બીજો દસ્તાવેજ શસ્ત્રો અને અન્ય લશ્કરી સંપત્તિઓને વ્યૂહાત્મક સ્થળોએ ખસેડવાની તૈયારી દર્શાવે છે. આ ગુપ્ત દસ્તાવેજો કથિત રીતે લિક થયાના સમાચાર બાદ અમેરિકન ગુપ્તચર એજન્સીઓ અને એફબીઆઈ સંયુક્ત રીતે તેની તપાસ કરી રહી છે, જેથી એ જાણી શકાય કે માહિતી કેવી રીતે લિક થઈ અને ભવિષ્યમાં આ રીતે શું વધુ દસ્તાવેજો લિક થઈ શકે છે.

અમેરિકાના લિક થયેલા ઈન્ટેલિજન્સ દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે ઈઝરાયેલ ૧૬ ઓક્ટોબરે ઈરાન વિરુદ્ધ પરમાણુ મિસાઈલનો ઉપયોગ કરવા જઈ રહ્યું હતું. જો ઈઝરાયલે આ મિસાઈલનો પૂરો ઉપયોગ કર્યો હોત તો ઈરાન પાસે બચવાની કોઈ તક ન હોત, કારણ કે ઈરાન પાસે ઈઝરાયેલની જેમ એર ડિફેન્સ કવર નથી. આ મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ જેરીકો-૨ છે. ઈઝરાયેલ આ મિસાઈલથી ૧૬ ઓક્ટોબરના રોજ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. ઇઝરાયેલમાં જેરીકોના ત્રણ પ્રકાર છે. ત્રણેયની રેન્જ ૫૦૦, ૧,૫૦૦ અને ૪,૮૦૦ કિ.મી. છે. ત્રણેય વેરિઅન્ટ અલગ અલગ સાઇઝ, રેન્જ અને સ્પીડના છે. અમેરિકાએ પરશિંગ-૨ મિસાઈલ વેચવાનો ઈન્કાર કર્યો ત્યારે ઈઝરાયેલે જેરીકો-૨ મિસાઈલ વિકસાવવાનું શરૂ કર્યું હતું.

ઈઝરાયેલ હંમેશા પરમાણુ અસ્પષ્ટતાની નીતિ અપનાવે છે. ઈઝરાયેલ પરમાણુ હથિયાર ધરાવવાનો સ્વીકાર નથી કરતું તેમ ઇનકાર પણ નથી કરતું. ઈઝરાયેલની ગણતરી પરમાણુ હથિયાર ધરાવતા દેશોમાં થાય છે. ઈઝરાયેલની જેરીકો-૩ મિસાઈલ વધુ રેન્જ ધરાવે છે. તેની રેન્જ ઈરાનની સૌથી લાંબી રેન્જની ખોરમશહર મિસાઈલ કરતાં પણ વધુ છે. ઈરાનની મિસાઈલોની ચોકસાઈ વધુ સારી છે, કારણ કે તેમાં અદ્યતન માર્ગદર્શન પ્રણાલી છે. ઇઝરાયેલ પાસે બહુસ્તરવાળી આઇરન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ છે, જ્યારે ઈરાન પાસે આવી શક્તિ ઓછી છે. જો ઇઝરાયલ મિસાઇલો સાથે યુદ્ધ કરે તો ઈરાનમાં બચવાની શક્યતા ઓછી છે. જો કે ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરે તો રશિયા અને ચીન ઈરાનની મદદે આવી શકે છે. જો આવી પરિસ્થિતિ પેદા થશે તો અમેરિકા કૂદી પડશે અને કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top